લંડન: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકે અમેરિકાના ન્યૂ જર્સીમાં રોબિન્સવિલે ખાતે નિર્માણ પામેલા બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ લોકાર્પણ પ્રસંગે શુભેચ્છા પાઠવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક હૃદયસ્પર્શી પત્રમાં ન્યૂ જર્સીમાં અક્ષરધામ લોકાર્પણ સમારોહના સંદર્ભમાં તેમનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, ‘મને રોબિન્સવિલે, ન્યૂ જર્સીમાં અક્ષરધામ મહામંદિરના લોકાર્પણ સમારોહ વિશે જાણીને આનંદ થયો. તે વિશ્વભરના ભક્તોના વિશાળ સમુદાય માટે ગહન આધ્યાત્મિક મહત્વનો પ્રસંગ છે.’
વડાપ્રધાન મોદીએ વધુમાં ઉમેર્યું કે, ‘મંદિરો સદીઓથી સેવા અને સામાજિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યા છે. તે માત્ર ભક્તિના કેન્દ્રો નથી પણ કલા, સ્થાપત્ય શ્રેષ્ઠતા, સાહિત્ય અને જ્ઞાનને અભિવ્યક્તિ આપવા માટે એક મંચ તરીકે પણ સેવા આપે છે. આવા ગહન સાંસ્કૃતિક સિદ્ધાંતો પેઢીઓથી માનવતાને માર્ગદર્શન આપી રહ્યા છે. અક્ષરધામ મહામંદિરના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય સ્થાપત્યની શ્રેષ્ઠતા અને આપણી ભવ્ય પ્રાચીન સંસ્કૃતિ અને નૈતિકતા પ્રદર્શિત થાય છે અને આ ઉદઘાટન સમારોહ તેની પવિત્રતા અને પ્રદાનને ઉજાગર કરશે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના દરેક સંતો-ભક્તો અને સ્વયંસેવકોને આ શુભ પ્રસંગ માટે હાર્દિક શુભેચ્છાઓ.’
બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, ‘હું જાણું છું કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ટૂંક સમયમાં યુએસએના રોબિન્સવિલેમાં તૃતીય સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. હું પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને બીએપીએસના તમામ
ભક્તોને ઉદઘાટન પહેલા મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ મોકલવા માંગુ છું.’