ડેનહામ ખાતેના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે પૂ. ભાઈશ્રીની ભાગવત કથા શરૂ થઈ ગઈ છે. મંગળવારે સવારે ૭-૦૦ વાગ્યે હિથ્રો એરપોર્ટ પર પૂ. ભાઈશ્રી (પૂ. રમેશભાઈ ઓઝા)નું આગમન થયું ત્યારે ૧૫૦થી વધુ હરિભક્તોએ એમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.
મંગળવારે આ લખાય છે ત્યારે પૂ. ભાઈશ્રી અનુપમ મિશનના આંગણે પધાર્યા છે. રંગબેરંગી પુષ્પમાળાઓથી અનુપમ મિશનનું વિશાળ પ્રાંગણ શોભી રહ્યું છે. ત્યાં અનુપમ મિશનના ગુરુવર્ય પૂ. સાહેબે પૂ. ભાઈશ્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું. જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ધામધામી બિરાજે છે એ નિજમંદિરના હોલમાં પૂ. શાંતિભાઈએ કુમકુમ તિલક અને શ્રી સુરેશભાઈએ પુષ્પહાર પહેરાવી પૂ. ભાઈશ્રીનું અભિવાદન કર્યું.
પૂ. ભાઈશ્રીએ કહ્યું કે, ‘સાહેબ જે પ્રમાણે મને માહિતી આપે છે એ પ્રમાણે સ્પષ્ટ થાય છે કે ભગવાનને જ્યાં બિરાજવું હોય ત્યાં એનું કાર્ય સુગંધમય બની જાય છે. પોરબંદરમાં સાંદિપની મંદિરમાં એ જ અનુભવ થયેલો. આ ભૂમિમાં ભગવાનના દિવ્ય સ્વરૂપો બિરાજમાન જવા થઈ રહ્યા છે ત્યારે એની પીઠિકા તૈયાર થઈ રહી છે. એ પહેલાં અહીં શ્રીમદ્ ભાગવત કથા થઈ રહી છે અને એ ભક્તિની પીઠિકા ઉપર ભગવાન બિરાજમાન થશે એ કેટલું દિવ્ય કહેવાય. સાહેબનો ખૂબ આગ્રહ હતો અને સુરેન્દ્રભાઈનો પણ મને ખૂબ જ આગ્રહ હતો જેથી ભગવદ્ કૃપાથી હું આપની સમક્ષ ઉપસ્થિત થઈ શક્યો છું.'
પૂ. ભાઇશ્રીએ જણાવ્યું હતું કે 'લંડનમાં બહુ વખત પછી આવ્યો છું. બીજા દેશોમાં કથા થઈ છે પણ કેટલાક વર્ષોથી લંડન છૂટી ગયું હતું. ૨૦૦૧માં છેલ્લી કથા થઈ એ લેસ્ટર અને ક્રોલીમાં થઈ હતી. લંડનમાં બહુ વખત પછી ભાગવત કથા થઈ રહી છે એનો મને આનંદ છે. અહીં આઠ દિવસ કથાના અને ચાર દિવસ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠાના એમ કુલ ૧૨ દિવસનો મંદિર મહોત્સવ છે. ભગવાન બાર હાથ વાળા છે. ભાગવતમાં સ્કંધ પણ ૧૨ છે અને આપણો ઉત્સવ પણ ૧૨ દિવસનો છે. એ ભગવાન પૂર્ણ પુરૂષોત્તમની પૂર્ણતાની નિશાની છે, સાક્ષી છે.'
તેમણે જણાવ્યું હતું કે 'સારંગપુરના દર્શને હું ગયો ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ખબર પડી કે હું દર્શને આવ્યો છું. મારે આમેય પૂ. પ્રમુખસ્વામી બાપાને મળવાની ઈચ્છા હતી. પૂ. બાપાને ખબર પડી એટલે તરત જ સંતો દ્વારા મને મળવા બોલાવ્યો ત્યારે પૂ. બાપા સાથે બિઝનેસ સ્કૂલની ચર્ચા થઈ હતી. એ વખતે લાલુ પ્રસાદ રેલવે મિનિસ્ટર હતા. આ મેનેજમેન્ટની વાત આવે ત્યારે હું એટલું જરૂર કહીશ કે 'સ્વામિનારાયણ મેનેજમેન્ટનો કોર્ષ' રાખવો જોઈએ. આપ સૌની નિષ્ઠા, ડેડિકેશન અને અદમ્ય ઉત્સાહ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન સૌનું ભલે કરે એવી શુભકામના.'
પૂ. સાહેબ અને અનુપમ મિશનના અગ્રણી સાથે પૂ. ભાઈશ્રીએ પ્રાંગણમાં તૈયાર કરાયેલી વિશાળ કથામંડપને અને ભોજન વ્યવસ્થાના મંડપને નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
પૂ. સાહેબ જણાવ્યું હતું કે 'મંદિર મહોત્સવમાં ભાગ લેવા આજે વિવિધ દેશોમાંથી કુલ ૫૦૦ જેટલા ભક્તો લંડન પધાર્યા હતા. આ ઉપરાંત ભારતથી મુંબઇના એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ વિભાગના ચિફ કમિશ્નર શ્રી કેસી સિંહ અને વડોદરાથી એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ વિભાગના ચિફ કમિશ્નર શ્રી એકે મિત્રા સહિત અન્ય અગ્રણીઅો પણ ઉત્સવમાં જોડાવા ખાસ પધાર્યા છે.