લંડન: અનુપમ મિશન,ઇંગ્લેન્ડની તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર 15 ઓગસ્ટ, મંગળવારે પરમ પૂજ્ય સાહેબજી, સૌ સંતો અને અનેક મહાનુભાવો અને ભક્તોની ઉપસ્થિતિમાં ભારતના ૭૭માં સ્વાતંત્ર્ય દિનની ખુબ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. સ્વાતંત્ર્ય દિવસને વિવિધ પોસ્ટર્સ અને ધજા-પતાકાથી સમગ્ર કેમ્પસને શણગારવામાં આવ્યું. પધારેલા સર્વેને વિવિધ પ્રકારની તિરંગાના કલરના બેજ પહેરાવવામાં આવ્યા. ઉપરાંત મહાનુભાવો અને સંતોને ગાંધી ટોપી તથા વિવિધ પ્રકારના તિરંગા કલરના બેજ પહેરાવવામાં આવ્યા. સહુના હાથમાં નાના નાના ત્રિરંગા ધ્વજ આપવામાં આવ્યા.
બોબ બ્લેકમેન MP, સ્ટીવ ટકવેલ MP, વિરેંદ્ર શર્મા MP, સિમોન ઓવેન્સ, ડેપ્યુટી લેફ્ટનન્ટ હિઝ મેજેસ્ટી, હેરોના મેયર રામજી ચૌહાણ, સી. બી. પટેલ (ગુજરાત સમાચાર, યુકે), ઇલીંગના મેયર હિતેષભાઈ ટેલર, ચંદ્રકાંત શર્મા હિંદુ સ્વયંસેવક સંઘ ઉપરાંત અનેક મહાનુભાવો પધાર્યા. અનુપમ મિશન, યુ.કે. વતી વિનોદભાઈ નકારજા અને હિમત સ્વામીએ મહાનુભાવોનું કલગી, ખેસ અને નીલકંઠ વર્ણીની સ્મૃતિભેટ અર્પણ કરી સન્માન કર્યું..
યુનિયન જેક (ઇંગ્લેન્ડનો ધ્વજ) Steve Tuckwell MP, Bob Blackman MP અને Simon Ovens એ સંયુક્ત રીતે ફરકાવ્યો ત્યારે તેના સન્માનમાં ઈંગ્લેન્ડનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું અને સહુએ સલામી આપી. ભારતીય રાષ્ટ્રધ્વજ શ્રી હિતેશભાઈ ટેલર, શ્રી રામજી ચૌહાણ અને સીબી પટેલે સંયુક્ત રીતે ફરકાવ્યો. સહુએ રાષ્ટ્રગીતની સાથે સલામી આપી. સભા થઇ. જેમાં ભાવિશાબેને આજના મુખ્ય મહાનુભાવોનો પરિચય આપ્યો. અને સમગ્ર ઉત્સવનું ખૂબ સુંદર સંચાલન કર્યું.
મહાનુભાવોએ મનનીય વક્તવ્ય પણ આપ્યા. મહાનુભાવોએ અનુપમ મિશનમાં આવીને મંદિરમાં દર્શન, સંતો-ભક્તો દ્વારા થઈ રહેલા સેવા-સમર્પણ તથા ભારતીય સનાતન સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કરવાના અનુપમ મિશનના પ્રયત્નોથી કેવા પ્રભાવિત થયા છે તે વાત કરી.
પરમ પૂજ્ય સાહેબજીએ સહુને આશીર્વાદ આપતા ભારતના વિશ્વમાં વધતા જતા પ્રભાવ વિશેષ કરીને ભારત સરકારની પ્રેરણાથી શરુ થયેલ ‘હર ઘર તિરંગા’ અભિયાનથી સહુમાં રાષ્ટ્રભાવનાનો કેવો જુવાળ આવ્યો છે તે વાત પણ કરી. દાંડી યાત્રા વખતે ગાંધીજીને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આઝાદીની લડતમાં સફળતા મેળવવા આશીર્વાદ આપ્યા અને યોગીજી મહારાજને ભારતની આઝાદી માટે ધૂન કરવા આજ્ઞા કરી તે પ્રસંગની પણ વાત કરી. અંતે શ્રી સતિષભાઈ ચતવાણીએ અભારવિધિ દ્વારા સહુનો આભાર માન્યો.
સાહેબજીની આજ્ઞાથી ભારતથી આવેલા અનુપમ સુરવૃન્દના બકતો અમિતભાઈ ઠક્કર, દિપ્તીબેન દેસાઈ, દ્યુતીબેન બુચ, અને વ્યાસ બ્રધર્સ પરિવારના કલ્પેશભાઈ, ચેતનભાઈ, બીહાગભાઈ અને નેતીબેને દેશભક્તિ ગીતોની ખુબ સુંદર રજૂઆત કરી અદભુત વાતાવરણ ઉભું કર્યું.
ઈંગ્લેન્ડના બાળકો – કિશોરો અને યુવક-યુવતીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ થયો. ઉત્સવમાં પધારેલા સહુને ભારતમાં ઉજવણી થતી હોય તેટલો આનંદ આવ્યો.