અન્યના આનંદમાં પોતાનો આનંદ છેઃ BAPS સ્વામિનારાયણ સંસ્થા

આપણી પ્રાણવાન સંસ્થા

મહેશ લિલોરિયા Wednesday 06th April 2022 07:09 EDT
 
 

વૈશ્વિક મહામારી કોવિડ-19ને લીધે 2020માં સંપૂર્ણ વિશ્વ થંભી ગયું. આપણું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું, એકમાત્ર હેલ્થ કેર વર્કર અને ક્રિટિકલ કી વર્કર્સ રોકાયા ન હતા, જેમણે આ મુશ્કેલ સમયે મદદ કરી. સેવાકાર્ય સતત ચાલુ રહ્યાં. ઘણા લોકોએ પ્રિયજનોને ગુમાવ્યા, પરંતુ આ કપરા સમયે માનવતા મહેંકી ઉઠી અને અમે જોયું કે કરુણા અને કાળજી હજી સમુદાયોમાં અસ્તિત્વમાં છે.
 BAPS સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ (1921-2016)ની નૈતિકતા એ હતી કે ‘અન્યના આનંદમાં પોતાનો આનંદ છે.’ આ નૈતિકતા જ BAPS ને સમુદાયો અને જરૂરિયાતમંદ લોકો માટે સેવા આપવા પ્રેરિત કરે છે.
BAPS ના વર્તમાન આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે તમામ સ્વયંસેવકોને રાષ્ટ્રની સેવા કરવા માટે આહ્વાન કર્યું. યુકેમાં BAPS એ તરત જ 'કનેક્ટ એન્ડ કેર' પ્રોગ્રામ શરૂ કર્યો. યુકેની આસપાસના 61 વિસ્તારોમાં તેમજ યુરોપમાં 1,100 થી વધુ સ્વયંસેવકોને એકત્રિત કર્યા, જેથી સ્થાનિક સમુદાયોમાં વૃદ્ધો અને અશક્ત લોકોને મદદ કરી શકાય.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ રસીકરણને પ્રોત્સાહિત કરવા માટેના પ્રયત્નોને પ્રેરણા આપી અને વ્યક્તિગત રીતે ઉપાસકોને રસીકરણ કરાવવા વિનંતી કરી. ફેબ્રુઆરી 2021માં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર - લંડન દ્વારા NHS રસીકરણ કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું, જ્યાં 130,000થી વધુ લોકોને પ્રથમ, દ્વિતીય અને બૂસ્ટર જેબ્સ આપવામાં આવ્યા હતા. મંદિરે સરકારના રસીકરણ રોલઆઉટને સમર્થન આપવા માટે વિનામૂલ્યે જગ્યા પણ ઓફર કરી છે.
BAME સમુદાયોમાં રસીકરણને પ્રોત્સાહિત કરવા માટે તેમજ ગેરમાન્યતાઓ અને ખોટી માહિતીને દૂર કરવા મંદિર અંગ્રેજી અને ગુજરાતીમાં ડેઇલી સમરી બહાર પાડે છે. મંદિર હજુ પણ ભક્તો અને સમુદાયોની સતત સલામતી અને સુખાકારી માટે નિયમિત ધોરણે સારી કોવિડ-19 પ્રથાઓને પ્રોત્સાહન આપે છે.
 તે ઉપરાંત BAPSના પ્રયાસો ખૂબ વ્યાપક અને આંતરરાષ્ટ્રીય હતા. ભારતમાં જ્યારે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત પ્રવર્તતી હતી, તે સમયે યુકેમાં BAPSએ ઝુંબેશ શરૂ કરી હતી. આ પહેલના ભાગરૂપે, BAPSએ 28 એપ્રિલ 2021ના રોજ 'ભારતમાં જીવન બચાવવા માટે સાયકલ' અભિયાન શરૂ કર્યું - એક 48 કલાક, નોન-સ્ટોપ સ્ટેટિક રિલે સાયકલ પડકાર. 787 સહભાગીઓએ લંડન, ચિગવેલ અને લેસ્ટરમાં BAPS સ્વામિનારાયણ મંદિરોમાં શનિવાર 1 મેથી સોમવાર 3 મે સુધી સામૂહિક પ્રયાસો કર્યા અને 15,000થી વધુ દાતાઓના માધ્યમથી £ 600,000થી વધુ એકત્ર થયા. આ ધનરાશિ ભારતમાં જીવન બચાવવા અને લાંબા ગાળાના રાહત પ્રયાસો માટે મોકલવામાં આવી હતી.
તે સમયે, લંડનમાં મંદિરના વડા યોગવિવેકદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, "જ્યારે આ જીવલેણ વાઇરસથી જીવન પ્રભાવિત થઈ રહ્યું છે ત્યારે આપણે એક માનવ સમુદાય તરીકે સાથે મળીને કામ કરવું પડશે. આખરે, આપણે અહીં સુરક્ષિત ત્યારે જ રહી શકીશું જ્યારે દરેક જગ્યાએ દરેક વ્યક્તિ સુરક્ષિત હોય. યુકેમાં BAPSએ બુધવાર 5 મે 2021ના રોજ બ્રિટિશ એરવેઝની વિશેષ રાહત ફ્લાઇટમાં 54 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર અને અન્ય વિવિધ કટોકટી તબીબી સાધનો ભારતમાં મોકલ્યા. જ્યારે નેપાળમાં કોવિડ બેકાબુ બન્યો, ત્યારે BAPSએ, નેપાળને 33 પોર્ટેબલ ઓક્સિજન કોન્સેન્ટ્રેટર ઉપલબ્ધ કરવ્યા.
હવે તાજેતરમાં યૂક્રેનમાં હજારો ભારતીય નાગરિકો, મુખ્યત્વે વિદ્યાર્થીઓ સંઘર્ષની વચ્ચે ફસાયેલા રહી ગયા હતા. ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 27 ફેબ્રુઆરી રવિવારના રોજ મધ્યરાત્રિએ બ્રહ્મવિહારીદાસ સ્વામીને વ્યક્તિગત રીતે ફોન કરીને યૂક્રેન સાથેની પોલિશ, રોમાનિયન અને હંગેરિયન સરહદો પર ભારતીય નાગરિકોના સલામત માર્ગની ખાતરી કરવા માટે BAPS સ્વામિનારાયણ સંસ્થા પાસેથી મદદ માંગી હતી. બ્રહ્મવિહારીદાસ સ્વામીએ વડા પ્રધાનને ખાતરી આપી હતી કે મદદ શરૂ થઈ ગઈ છે. અમને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા સમગ્ર યુરોપમાંથી BAPS સ્વયંસેવકોને એકત્ર કરવા માટે પહેલેથી જ સૂચના આપવામાં આવી છે.
યુકે, આયર્લેન્ડ, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લૅન્ડ, ઇટાલી, જર્મની, ઑસ્ટ્રિયા અને પોલેન્ડના BAPS સ્વયંસેવકો જમીન પર કટોકટીના રાહત પ્રયાસોને ટેકો આપવા માટે ઝડપથી પગલાંમાં આવ્યા. આમાં દક્ષિણ-પૂર્વીય પોલિશ શહેર Rzeszów માં મોબાઇલ ફીલ્ડ કિચનની સ્થાપનાનો સમાવેશ થાય છે, જ્યાં દરરોજ લગભગ 1,000 ગરમ શાકાહારી ભોજન તમામ ધર્મો અને રાષ્ટ્રીયતાના શરણાર્થીઓને રોજ કરાવાતું હતું. BAPS એ આવાસ સુવિધાઓ અને તબીબી સહાયનું સંકલન કરવાની પણ વ્યવસ્થા કરી.
કેયુર ભટ્ટ, લંડનના અગ્રણી BAPS સ્વયંસેવક કે જેમણે રાહતકાર્યોમાં સેવા આપી હતી, તેમણે જણાવ્યું કે, યૂક્રેનની પરિસ્થિતિ ભયાવહ અને દુ:ખદ છે. આશ્રય શોધનારાઓને ખોરાક અને આશ્રય આપીને તેમને ટેકો આપવાની પ્રાથમિકતા હતી. જરૂરિયાતમંદોને આવશ્યક સેવાઓની સલામત અને સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરવા માટે અમે પરિવહન નેટવર્ક અને લોજિસ્ટિકલ એજન્સીઓ સાથે નજીકથી કામ કર્યું છે. અમારા સ્વયંસેવકો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સિદ્ધાંતોથી પ્રેરિત હતા, જેમણે "અન્યના આનંદમાં પોતાનું આનંદ છે" સૂત્રને સાર્થક કર્યું હતું. BAPS સમુદાય સશક્તિકરણ, પર્યાવરણીય સ્વાસ્થ્ય અને સંરક્ષણ, જાળવણી, આરોગ્ય અને સુખાકારી અને માનવતાવાદી રાહતમાં વ્યક્તિઓ, પરિવારો અને સમુદાયોની સેવા કરવા માટે વિશ્વભરના સ્વયંસેવકોના પ્રયત્નો અને સામૂહિક ભાવનાનો ઉપયોગ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter