અમદાવાદ: અબુ ધાબીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ ગઈ છે. જોકે હાલમાં પણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. અબુ ધાબીના આ બીએપીએસ હિંદુ મંદિરમાં અનેક સભ્યતાઓ અને સંસ્કૃતિઓનો સંગમ કરાયો છે. અહીં ભારતની પવિત્ર નદીઓના જળથી સરોવર તૈયાર કરવાની સાથે ભારત તેમજ અરબ દેશોમાં જોવા મળતા વૃક્ષોનો પણ ઉછેર કરાયો છે. આ વૃક્ષોની સાથે આ મંદિર પરિસરમાં વિશ્વમાં ઐતિહાસિક સ્થાન ધરાવતા ‘સબફોસિલ ઓક’ વૃક્ષો પણ રાખવામાં આવ્યા છે.
અબુ ધાબીનું મંદિર વૈશ્વિક ધરોહર બની ચૂક્યું છે. મંદિરમાં ફૂલછોડની સાથે લીમડાના વૃક્ષ, રણ પ્રદેશમાં પામ વૃક્ષ, અને ઝેક રિપબ્લિકના આર્કટિક સબફોસિલ ઓકનો સંગમ જોઈ શકાય છે. આ સબફોસિલ ઓક વૃક્ષ આ મંદિરમાં લગાવવા માટે લગભગ 6 મહિના પહેલા લાવવામાં આવ્યા હતા, જેને અન્ય વૃક્ષોની સાથે મંદિર પરિસરમાં લગાવાયા છે. આ વૃક્ષને પાણીના સિંચનની જરૂર નથી પડતી કે તેની નિયમિત દેખરેખ રાખવાની પણ જરૂર પડતી નથી. આ તમામ વૃક્ષો ચેક રિપબ્લિકના અગ્રણીઓ તરફથી દાનમાં મળ્યા છે.
આ સાથે જ મંદિર પરિસરમાં ભારતની ગંગા, યમુના અને સરસ્વતી જેવી પવિત્ર નદીઓના પાણીનું સરોવર પણ તૈયાર કરાયું છે. આ સરોવરના પાણીને ભારતથી અબુ ધાબી મોકલવામાં આવ્યું છે. આ સરોવરનું મહંત સ્વામી મહારાજના હસ્તે પૂજન પણ કરવામાં આવ્યું હતું.
સબફોસિલ ઓકની વિશેષતા
સબફોસિલ ઓક એ ખરેખર તો ચેક રિપબ્લિકના નોર્ધર્ન મોરાવિયા પ્રદેશમાં આવેલા રહસ્યમય ભૂગર્ભ જંગલમાં 2016માં મળી આવેલા અત્યંત દુર્લભ અને લગભગ 6500 વર્ષ જૂના વૃક્ષો છે. આ 65 સદી પુરાણા હોવાથી તેને ઐતિહાસિક દસ્તાવેજ કહેવામાં આવે છે. તેને દુબઈમાં એક્સ્પો 2020માં ચેક નેશનલ પેવેલિયનના પ્રદર્શનમાં પ્રદર્શિત કરાયા હતા.