અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરમાં હજારો શ્રમિકો સાથે રક્ષાબંધન પર્વની ઊજવણી

Tuesday 20th August 2024 14:46 EDT
 
 

અબુ ધાબી, (UAE): અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિર સત્તાવારપણે ખુલ્લું મૂકાયા પછી પહેલી વખત કોમ્યુનિટી સાથે હૃદયંગમ જોડાણ સ્વરૂપે રવિવાર 18 ઓગસ્ટે રક્ષાબંધન પર્વની ઊજવણી કરવામાં આવી હતી. સાત અમિરાતમાં પરિવારજનોથી દૂર રહેલા 2500થી વધુ શ્રમિકો અને ભાવિકોએ સીમાચિહ્ન ઊજવણીમાં ભાગ લીધો હતો.

મહેનતુ લોકોનું સન્માન કરવાના આ વિશેષ કાર્યક્રમ માટે કંપનીઓએ ઉત્સાહપૂર્વક તેમના સંખ્યાબંધ કર્મચારીઓને બસમાં ભરીને મંદિર મોકલી આપ્યા હતા. દરેક મુલાકાતીનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને મંદિરના પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણમાં ઉદ્ધારક અનુભવ થાય તેની ચોકસાઈ રાખવામાં આવી હતી. પ્રેમ અને સંબંધનું વાતાવરણ સર્જાય, કોમ્યુનિટીની અંદર સંબંધોના નિભાવ અને સપોર્ટ મળતા થાય તે રીતે સમર્પિત સુવિધાઓ રખાઈ હતી.

બપોરના 2 વાગ્યા ત્યારે સંખ્યાબંધ શ્રમિકોનું આગમન થવા માંડ્યું હતું અને મંદિરના સ્વયંસેવકોએ હાથ જોડી તેઓનું સ્વાગત કર્યું હતું અને મંદિરના ભવ્ય પગથિયાઓ પરથી અંદર પવિત્ર સ્થળે લઈ જવાયા હતા. મંદિરમાં દરેક શ્રમિકને પવિત્ર મૂર્તિઓના દર્શન કરવાની તક સાંપડી હતી અને આધ્યાત્મિક જોડાણ વધુ ગાઢ બન્યું હતું. મંદિરની અંદર સ્વામીજીઓ દ્વારા દરેક શ્રમિક મુલાકાતીના જમણા કાંડા પર પ્રેમ અને સુરક્ષાના પ્રતીકરૂપ વિશેષ રાખી બાંધવામાં આવી હતી. સામાન્યપણે ભારતમાં ભાઈબહેનો વચ્ચે રક્ષાબંધનની સુંદર આપલે કરાય છે જેને સ્વામીજીઓએ પ્રત્યેક મુલાકાતી સાથે આનંદ અને સપોર્ટની પળો સાથે વ્યક્તિગત રીતે સામુદાયિક બંધન અને આશીર્વાદના અર્થસભર અનુભવમાં રૂપાંતરિત કર્યું હતું.

સાંજના સમયે પરંપરાગત ભક્તિગીતોનો મંત્રમુગ્ધ કરી દેનારો કાર્યક્રમ યોજાયો હતો. ઉત્સાહી સ્વયંસેવકો અને કોમ્યુનિટીના સભ્યોએ તબલા, હાર્મોનિયમ અને સિતાર સહિત ભારતીય વાદ્યોના ઉપયોગથી રંગત જમાવી હતી. પ્રેરણાદાયી પરફોર્મન્સીસ પછી, BAPS હિન્દુ મંદિરના વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ રક્ષાબંધનના સાંસ્કૃતિક મહત્ત્વને સમજાવતું સંબોધન કર્યું હતું તેમજ પ્રાર્થના સાથે સમાપન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘આજના પવિત્ર દિવસે આપણે પ્રાર્થના કરીએ કે ઈશ્વર પ્રત્યેક શ્રમિક, પ્રત્યેક મુલાકાતી અને આ સુંદર રાષ્ટ્રના પ્રત્યેક નેતાઓ તેમજ યુએઈને પોતાનું ઘર કહેતા તમામ લોકોનું રક્ષણ અને માર્ગદર્શન કરે.’ ધર્મસભાનું સમાપન થયા પછી 2500 વર્કર્સ અને ભાવિકોને પ્રેમ અને સમર્પણ સાથે ભગવાનને ભોગ ધરાવાયેલા પ્રસાદની સાથે વિશિષ્ટ ભોજનનો લાભ આપવામાં આવ્યો હતો.

પંજાબથી આવેલા વર્કર રણજિતસિંહે મંદિરના સ્વયંસેવકો અને સ્વામીજીઓ દ્વારા અપાયેલી હૂંફ અને ધ્યાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે,‘આજે મારા શબ્દો ખોવાઈ ગયા છે, હું જાણે મારા પરિવાર સાથે જ હોઉં તેવો ઘરમાં હોવાનો અનુભવ થયો છે.’ શારજાહના બ્લુ-કોલર વર્કર પ્રદીપે અન્ય ઉપસ્થિત શ્રમિકોની લાગણીનો પડઘો પાડતા કહ્યું હતું કે,‘આ ઊજવણીનો હિસ્સો બન્યાનો મને વિશેષ આનંદ છે. સાથે મળીને રક્ષાબંધનની ઊજવણી કરવા અમને આમંત્રિત કરવા બદલ અમે સ્વામીજીઓ અને મંદિરના આભારી છીએ.’

છેક રાસ અલ ખાઈમાહથી પ્રવાસ કરીને આવેલા બ્લુ-કોલર વર્કર વિનોદકુમાર પાલે જણાવ્યું હતું કે,‘ જ્યારે સ્વામીએ મારા હાથ પર રાખી બાંધી ત્યારે મને સાચા આશીર્વાદ મળ્યાની લાગણી થઈ હતી. મારા વતનમાં બહેન મને રાખી બાંધતી હતી તેનું સ્મરણ થઈ આવ્યું હતું.’ દુબઈથી આવેલા રિષભ મનોજે તમામ ભક્તો અને શ્રમિકોને પાણી પીરસવાની સેવા કરવાનો અનુભવ વર્ણવ્યો હતો. તેણે કહ્યું હતું કે,‘આ તો જીવનમાં એકાદ વખત આવતી તક છે. સ્વામીજી દ્વારા અપાયેલો ઉપદેશ ખરેખર પ્રેરણાદાયી હતો અને મને લાગ્યું કે હું જે સેવા કરી રહ્યો છું તે ખરેખર સારું કાર્ય છે આથી જ મેં વોલન્ટીઅર બનવાનું પસંદ કર્યું હતું.’

બીજા દિવસ, સોમવાર 19 ઓગસ્ટે રક્ષાબંધનની ભાવના જળવાઈ રહી હતી જ્યારે BAPS હિન્દુ મંદિરના સ્વામીએ કોમ્યુનિટી સાથે સંપર્ક સાધ્યો હતો. તેમણે લેબર કેમ્પ્સની મુલાકાત લીધી હતી અને રવિવારની ઊજવણીમાં હાજર ન રહી શકનારા શ્રમિકો સાથે મેળમિલાપ કર્યો હતો. 16થી વધુ કંપનીઓએ સ્વામીજીની અંગત મુલાકાતોની યજમાની કરી હતી. મંદિરના સ્વામીઓ 14 કલાકના ગાળામાં હજારથી વધુ શ્રમિકોને વ્યક્તિગત મળ્યા હતા, રાખીઓ બાંધી હતી અને પ્રસાદ વહેંચ્યો હતો અને ઊજવણીમાં બાગ નહિ લઈ શકનારાઓને મંદિરના પ્રેમ અને આશીર્વાદની વર્ષા કરી હતી.

આ વર્ષના રક્ષાબંધન થકી કોમ્યુનિટી સાથે ગાઢ સંપર્ક જાળવવા અને તમામને સાથે મળીને ઊજવણી કરવાનું વાતાવરણ પૂરું પાડવાની પ્રતિબદ્ધતાને નક્કર સ્વરૂપ અપાયું હતું. BAPS હિન્દુ મંદિરના વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે,‘અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિર વૈશ્વિક સંવાદિતા માટે આધ્યાત્મિક રણદ્વીપ બની રહ્યું છે જે ભૂતકાળની ઊજવણી કરે છે અને ભવિષ્યની શક્તિનું માપ કાઢે છે. આ પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આધ્યાત્મિકતા, આજની રાત્રિ જેવી અદ્ભૂત ઊજવણીઓ કરવા દેવાની પરવાનગી આપવા બદલ યુએઈ, ભારત અને સમગ્રતયા વિશ્વસમુદાયના નેતૃત્વની ઉદારતા, બંધુત્વ અને માનવતાનો સમયાતીત પુરાવો છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter