અબુ ધાબી બીએપીએસ હિન્દુ મંદિરના આંગણે રક્ષાબંધન પર્વે પ્રેમ-શ્રદ્ધા-લાગણીનો ત્રિવેણીસંગમ રચાયો હતો. આ અનોખા પ્રસંગે પરિવારજનોથી હજારો માઇલ દૂર યુએઇના સાતેય અમિરાતમાં વસતાં 2500થી વધુ મહેનતકશ શ્રમિકો મંદિરે પહોંચ્યા હતા અને અહીં તેમને સ્વામીજીઓ દ્વારા પ્રેમ અને સુરક્ષાના પ્રતીક તરીકે રક્ષાબંધન કરાયું હતું. શ્રમિક ભાઇઓએ દિવસે શ્રીજી મહારાજની નિશ્રામાં રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું તો સાંજે સૂરના સથવારે ભક્તિગીતોનો કાર્યક્રમ માણ્યો હતો. એક નોખો-અનોખો કાર્યક્રમ તેમના માટે જીવનભરનું સંભારણું બની રહ્યો હતો.