અબુ ધાબીના ઐતિહાસિક બીએપીએસ હિન્દુ મંદિરની નિર્માણ ગાથા રજૂ કરતો અદ્વિતીય શો ‘ધ ફેરી ટેલ’

વૈશ્વિક પ્રેમ - સંવાદિતા - સહકારના ત્રિવેણીસંગમ સમાન આ આધ્યાત્મિક સ્થાનની ગાથા રજૂ કરતો આ શો સૌના હૃદયનું પ્રતિબિંબ પણ છેઃ પૂ. બ્રહ્મવિહારી સ્વામી

Wednesday 18th September 2024 03:21 EDT
 
 

અમદાવાદ: અબુ ધાબીમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય બીએપીએસ હિન્દુ મંદિરમાં વિશ્વભરના લોકોને આકર્ષે તેવું નવું નજરાણું ઉમેરાયું છે. ખારા રણમાં મીઠી વિરડી સમાન આ અભૂતપૂર્વ મંદિરની મુલાકાતે આવતા દર્શનાર્થીઓ હવે રોમાંચક ઈમર્સિવ શો ‘ધ ફેરી ટેલ’ના માધ્યમથી મંદિરની ઐતિહાસિક નિર્માણ ગાથાને જાણી શકશે.
અબુ ધાબીના શાસકોની ઉદારતા અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો અને સ્વયંસેવકોની નિષ્ઠા અને ભક્તિસભર પુરુષાર્થ દ્વારા નિર્મિત આ મંદિરના આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉદઘાટન બાદ પ્રથમ 100 દિવસમાં 10 લાખ કરતાં વધુ મુલાકાતીઓ દર્શને આવી ચૂક્યા છે. મંદિરના લોકાર્પણના પ્રથમ દિવસે જ આ મંદિરના દર્શનાર્થે 65,000 દર્શનાર્થીઓ, મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા, જે આ મંદિર માટેની લોકોમાં અપાર ઉત્કંઠા દર્શાવે છે.
ભારતીય સંસ્કૃતિના છેલ્લાં 10,000 વર્ષોના કળા, સ્થાપત્ય અને મૂલ્યોના અભૂતપૂર્વ સંગમ સમું આ મંદિર પરંપરાગત ભારતીય શિલ્પ કળા, અને આધુનિકતમ ટેકનોલોજીના સમન્વય દ્વારા સંવાદિતા, એકતા અને પર્યાવરણીય જાગૃતિનો સંદેશ આપે છે.
પ્રમુખસ્વામીના સંકલ્પથી લઇ મંદિર નિર્માણની ગાથા
બીએપીએસના સંતો અને સ્વયંસેવકોની સાથે પ્રોફેશનલ ઓડિયો વિઝ્યુઅલ એક્સપર્ટસના સહયોગથી આ ‘ધ ફેરી ટેલ’ના ઈમર્સિવ શોના ક્રિએટિવ કોન્સેપ્ટ, સ્ક્રિપ્ટ, વિઝ્યુલાઇઝેશન અને એનિમેશનમાં ત્રણ મહિના કરતાં વધુ સમય લાગ્યો હતો. આ શોમાં 20 પ્રોજેક્ટર અને અદ્યતન સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ દ્વારા સમગ્ર પ્રસ્તુતિ જીવંત થઈ ઊઠે છે. પ્રેક્ષકો જાણે મંદિર નિર્માણની ઐતિહાસિક સીમાચિહ્નસમી ઘટનાઓ જેવી કે 1997માં શારજાહના રણમાં પ્રમુખસ્વામી મહારાજ દ્વારા અબુ ધાબીમાં મંદિરનિર્માણ નો સંકલ્પ, 2018માં યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાનના પ્રેસિડેન્શિયલ પેલેસમાં સંતોની મુલાકાત, 2024માં પ.પૂ. મહંત સ્વામી મહારાજ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઉદ્ઘાટન – વગેરે પ્રસંગોની રોમાંચક અનુભૂતિ કરે છે.
સહિષ્ણુતા અને વૈશ્વિક સંવાદિતાનો સંદેશ
વિષમ ખાણો, તોફાની સમુદ્રો, અને સૂક્ષ્મ કોતરણીના દૃશ્યોમાંથી પસાર થતાં પ્રેક્ષકો ‘મિલેનિયમ મોન્યુમેન્ટ’સમા આ અભૂતપૂર્વ મંદિરના નિર્માણમાં વિશ્વભરના હજારો સહભાગીઓના હૃદયપૂર્વકના સહિયારા પ્રયાસોના પ્રભાવની અનુભૂતિ પણ કરે છે.
અબુ ધાબીને સંવાદિતાના કેન્દ્ર તરીકે વધાવીને આ શો મંદિરના સહિષ્ણુતા અને વૈશ્વિક સંવાદિતાના સંદેશને ઉજાગર કરે છે. આ મંદિરને લગતી અત્યાર સુધી આશરે 67 બિલિયન જેટલી સકારાત્મક ડિજિટલ ઇમ્પ્રેશન જનરેટ થઈ છે, જેના દ્વારા તે વિવિધ સંસ્કૃતિઓ, સમુદાયો અને ધર્મોને જોડતા સેતુરૂપ બની રહ્યું છે.
આ ઈમર્સિવ શોના ઉદ્ઘાટન કાર્યક્રમ બીએપીએસ હિન્દુ મંદિરના ‘ઓર્ચિડ’માં યોજવામાં આવ્યો હતો. આ મંદિરના મુખ્ય સંત અને તેના નિર્માણમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પાસાઓમાં માર્ગદર્શન આપનાર મુખ્ય કાર્યવાહક સંત તરીકે જેમણે સેવાઓ પ્રદાન કરી છે, તેવા પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ તેઓના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું, આ ‘ધ ફેરી ટેલ’ શોના ઉદ્ઘાટન પ્રસંગે અમે ખૂબ ગૌરવ અને સન્માનની લાગણી અનુભવીએ છીએ, આ શો મંદિરની અકલ્પનીય યાત્રાને તો દર્શાવે જ છે, પરંતુ સાથે સાથે સૌના હૃદયનું પ્રતિબિંબ પણ છે. યુએઈમાં જે પ્રેમ, સંવાદિતા અને સહકાર સાંપડ્યો છે તે વૈશ્વિક સંવાદિતા માટેના આધ્યાત્મિક સ્થાન એવા આ મંદિરના સર્જનમાં કારણભૂત છે. અહીં શરૂ થઈ રહેલો ઇમર્સિવ શો, અહીં આવનાર પ્રત્યેક મુલાકાતીને સંવાદિતાના પ્રતિનિધિ તરીકે વર્તવા પ્રેરિત કરશે, જેથી પોતાના સંકલ્પો, કાર્યો અને પરસ્પર આદાન પ્રદાન દ્વારા પ્રત્યેક વ્યક્તિ પોતાના ઘર, કાર્યસ્થળ, અને સમાજને વધુ ને વધુ સંવાદિતાથી સભર બનાવી શકે.’
જીવનમાં ‘ફાઇવ-પી’નું મહત્ત્વ
તેમણે ‘ફાઇવ-પી’ના મહત્ત્વ વિશે જણાવતાં કહ્યું કે, પ્રથમ P, એટલે કે પોલિસી, એટલે કે જે તે રાષ્ટ્રની નીતિઓ, દ્વિતીય P એટલે કે પ્લેસ, એવા સ્થાન જે મનુષ્યનું ભાવિ ઘડે છે, તૃતીય P એટલે કે પીપલ, એવા મનુષ્યો જે તમારી ભાવનાઓને પ્રભાવિત કરે છે, ચતુર્થ P એટલે કે પ્રિન્સિપલ, એવા સિદ્ધાંતો જે તમારી માન્યતાઓને આકાર આપે છે, આ ચારેય અગત્યના છે, પરંતુ સૌથી વધારે અગત્યનું છે છેલ્લું P, એટલે કે પર્સપેક્ટિવ, અભિગમ. આ મંદિરે તેના લાખો મુલાકાતીઓને એવા અભિગમની ભેટ આપી છે, જે પરસ્પર પ્રેમ, સંવાદિતા અને સહ અસ્તિત્વયુક્ત વિશ્વમાં વિશ્વાસ ધરાવે છે. યુએઈના નેતાઓ, ધાર્મિક વડાઓ, સરકારી અધિકારીઓ, દાતાઓ, મહાનુભાવો અને વિવિધ પ્રોફેશનલ્સ એમ કુલ 250 જેટલાં આમંત્રિતોને સંબોધન કરતાં ભારતના દુબઈ ખાતેના કોન્સલ જનરલ શ્રી સતીશ કુમાર સિવાને જણાવ્યું હતું. ‘અબુ ધાબીમાં સ્વામિનારાયણ મંદિરનું સર્જન વાસ્તવમાં એક પરી કથા (ફેરી ટેલ) જેવું છે! આ ટેગ લાઈન મંદિરની ગાથાના સારને અભિવ્યક્ત કરે છે. આ અશક્ય છે, અકલ્પનીય છે, અને વાસ્તવમાં હોઇ શકે તેના કરતાં વધુ વાસ્તવિક છે! હું દૃઢપણે માનું છું કે ભારત અને યુએઈ સમગ્ર માનવજાત માટે અનુકરણીય માર્ગ રચી શકે છે. આપણે શાંતિના સંદેશને પ્રસારિત કરવા માટે આપણી જાતને સમર્પિત કરીએ, કારણકે વિશ્વને આજે શાંતિના ઔષધની તાતી જરૂર છે.
અકલ્પનીય, પ્રેરણાદાયક, અસામાન્યઃ મુઘીર અલ ખાઈલી
કોમ્યુનિટી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના ચેરમેન ડો. મુઘીર ખામિસ અલ ખાઈલીએ પૂ. બ્રહ્મવિહારી સ્વામી સાથે આ શોને ખુલ્લો મૂકતાં જણાવ્યું હતું, ‘આ શો દ્વારા થતી ગહન અનુભૂતિ જેની આજે વિશ્વમાં ખૂબ જરૂર છે, તેવા સહિષ્ણુતા અને સંવાદિતાના સંદેશને યથાર્થ રીતે દૃઢ કરાવે છે તે અકલ્પનીય, પ્રેરણાદાયક, અને અસામાન્ય છે. અબુ ધાબીનું આ મંદિર સંવાદિતા કેવી રીતે ઉદભવે છે, અને કેવી રીતે મદદ કરે છે તેનું સુંદર ઉદાહરણ છે.’
વીએફએસ (VFS) ગ્લોબલના ચીફ કમર્શિયલ ઓફિસર તેમજ આ ઉદ્ઘાટન સમારોહના ઉદાર સહયોગી એવા જીતેન વ્યાસે જણાવ્યું, ‘આ શો ખરેખર એક વૈશ્વિક અજાયબી છે. વિશ્વમાં ખૂબ વ્યાપકપણે પ્રવાસ કરનાર વ્યક્તિ તરીકે, હું વિશ્વાસપૂર્વક કહી શકું કે આખા વિશ્વમાં આના જેવું ક્યાંય કશે નથી. તેની વિશિષ્ટતા અને વૈશ્વિક અપીલ તેને અલગ કક્ષામાં મૂકી દે છે. આ એક એવો વિશિષ્ટ અનુભવ છે, જે સીમાતીત છે.’
અબુ ધાબી ખાતે ‘ધ લુવ્ર’ના ફાતિમા અલ બ્લુશી એ જણાવ્યું, ‘મંદિરની યાત્રાને એકદમ જીવંત કરતા આ શોને નિહાળીને મને આનંદ થયો. મંદિરના ઇતિહાસ વિષયક વિશેષ બાબતો જણાવતો અને સંવાદિતાના મહત્ત્વને રજૂ કરતો આ શો ખૂબ રોચક લાગ્યો.’
‘ધ ફેરી ટેલ’ શો બીએપીએસ હિન્દુ મંદિર દ્વારા વીએફએસ ગ્લોબલના સહકારથી સાથે બનાવાયો છે. આ શો 13 સપ્ટેમ્બરથી મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાઇ ગયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter