અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરના પ્રથમ પાટોત્સવની રંગેચંગે ઉજવણી

એક વર્ષમાં 22 લાખથી વધુ લોકો આ મંદિરની મુલાકાત લઇ ચૂક્યા છે

Saturday 08th February 2025 08:37 EST
 
 

અબુ ધાબીઃ ખારા રણમાં સનાતન ધર્મની મીઠી વિરડી સમાન બીએપીએસ હિન્દુ મંદિરના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી, જેમાં વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના, મહાપૂજા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. વૈશ્વિક સંવાદિતા તેમજ એકતાના પ્રતિક સમાન બીએપીએસ હિન્દુ મંદિરના પ્રથમ પાટોત્સવના પાવન પ્રસંગે સમગ્ર યુએઈમાંથી આશરે 10,000 થી વધુ ભક્તો, સ્વયંસેવકો અને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે એક જ વર્ષમાં 22 લાખથી વધુ લોકો આ મંદિરની મુલાકાત લઇ ચૂક્યા છે.

મળસ્કે ચાર વાગ્યે સેંકડો ભક્તો અને સ્વયંસેવકો મહાપૂજાની તૈયારી માટે મંદિરમાં આવી પહોંચ્યા હતા અને શાંતિ અને સમૃદ્ધિના ઉદ્દેશ સાથે મહાપૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે એક કાર્યકર જિગીષા જોશીએ કહ્યું કે, ‘હું ખૂબ જ ભાગ્યશાળી છું કે આ પ્રસંગે મને આ સુંદર મંદિરમાં આપણા સમુદાયની સેવા કરવાની તેમજ ભજન-ભક્તિ કરવાની તક મળી છે અને આ સેવા દ્વારા મને ભગવાનનું ઋણ ચૂકવવાની તક મળી છે.’
બરાબર 6 વાગ્યે પાટોત્સવ વિધિ તેમજ મહાપૂજાની શરૂઆત કરાઇ હતી જેમાં 1,100 થી વધુ ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો તેમજ વૈશ્વિક શાંતિ-સંવાદિતાની ભાવના સાથે પ્રાર્થનાઓ કરાઇ હતી. આ મહાપૂજા ખરેખર એક અનોખો અનુભવ હતો કારણ કે તેમાં ટેકનોલોજી અને આધ્યાત્મિકતાનો સમન્વય હતો. આ પ્રસંગે મંદિર પર ખાસ પ્રોજેકશન કરાયું હતું અને તેના દ્વારા જુદી જુદી ધાર્મિક વિધિઓ રજૂ કરાઇ હતી.
પાટોત્સવ પ્રસંગે સોનામાં સુગંધ ભળે તેમ મહારાષ્ટ્રની નાસિક ઢોલ ટીમે એક અદ્ભુત કળા પ્રદર્શન કર્યું. તેમના ઉર્જાવાન ઢોલવાદનથી ભગવાન સ્વામિનારાયણની શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું અને તે શોભાયાત્રા મંદિરના મધ્યખંડ સુધી પહોંચે તે પહેલા તમામ ભક્તોના હૃદય ઉત્સાહ અને આનંદથી છલકાઈ ઉઠ્યા હતા.
આ પ્રસંગે મંદિરના મુખ્ય સભામંડપમાં વસંતપંચમીની ઉત્સવ સભાનું આયોજન કરાયું હતું, જેમાં બીએપીએસના સંસ્થાપક એવા શાસ્ત્રીજી મહારાજની વંદના કરાઇ હતી. તેઓએ પોતાનું સમગ્ર જીવન સામાજિક સંવાદિતા અને આધ્યાત્મિક જાગૃતિના સંદેશને વિશ્વફલક પર લઈ જવા માટે સમર્પિત કર્યું હતું, તેમજ શાસ્ત્રીજી મહારાજની જન્મજયંતી નિમિતે તેમના ગુણો તેમજ અષ્ટ્કનું ગાન કરાયું હતું. આ પ્રસંગે સૌએ પ્રેમ અને સંવાદિતાની ભૂમિને પ્રોત્સાહન આપવાના તેમના વિઝન માટે હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું સન્માન પણ કર્યું હતું
દિવસભર પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે સંગીત અને પરંપરાગત નૃત્ય પ્રદર્શનો રજૂ થયા હતા. ભારતીય શાસ્ત્રીય નૃત્યના ગહન આધ્યાત્મિક સારને જીવંત કરતા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં 19 વિવિધ કૃતિ રજૂ કરાઇ હતી, જેમાં પ્રભાવશાળી 224 કલાકારોએ અનેકવિધ જૂથોમાં તેમની કળા પ્રસ્તુત કરી હતી. પરંપરાગત મરાઠી, ઓડિસી, બંગાળી અને ભરતનાટ્યમ નૃત્યોની સાથે મધુરષ્ટકમ્, મોહિનીયટ્ટમ, કુચીપુડીની રજૂઆતોથી દર્શકો મંત્રમુગ્ધ થયા હતા.
સૂર્યાસ્ત સમયે સાંસ્કૃતિક વૈભવની સાંજ સમો સ્વામિનારાયણ ઘાટ એક જીવંત મંચમાં પરિવર્તિત થયો. આ પ્રસંગની પવિત્રતામાં વધારો કરતા, સમયાંતરે ત્રણ આરતીઓ કરાઇ હતી, જેણે મંદિરને ભક્તિ અને કૃતજ્ઞતાથી ભરી દીધું હતું.

આ પ્રથમ પાટોત્સવ માત્ર બીએપીએસ હિન્દુ મંદિર અબુ ધાબીની સીમાચિહ્નરૂપ વર્ષગાંઠની ઉજવણી જ નહીં, પરંતુ આ પ્રદેશમાં શાંતિ, શ્રદ્ધા અને સાંસ્કૃતિક એકતાના દીવાદાંડી તરીકેની તેની ભૂમિકાને પણ બિરાદવી હતી. મંદિર આધ્યાત્મિક જ્ઞાન, સમાજ સેવા અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનના કેન્દ્ર તરીકે સેવા આપવાનું ચાલુ રાખે છે, જે વિવિધ પૃષ્ઠભૂમિના લોકોને સંવાદિતાની ભાવનામાં એકસાથે લાવે છે.

બીએપીએસ હિન્દુ મંદિર અબુ ધાબીના વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનને તેમની ઉદારતા અને અટલ સમર્થન માટે તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને સમાપન વિશેષ આશીર્વાદ આપતા જણાવ્યું કે , ‘બીએપીએસ હિન્દુ મંદિર - તેના પ્રથમ વર્ષમાં પ્રેમ, આશા અને એકતાથી ભરપૂર ઇચ્છાશક્તિનું સાક્ષી બન્યું છે. તેણે તેના સ્થાપત્ય તેમજ ભવ્યતા માટે પુરસ્કારો જીત્યા છે પરંતુ તેની સૌથી પ્રભાવશાળી સિદ્ધિ એ છે કે તે તમામ પૃષ્ઠભૂમિના લોકોને એકસાથે લાવીને એક સુમેળભર્યા સમાજનું નિર્માણ કરવાની પ્રેરણા આપી રહ્યું છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter