દુબઈઃ દેશમાં વધી ગયેલી કોરોના મહામારીને નિયંત્રણમાં લેવા ભારતની સરકારને ઓક્સિજન પૂરવઠો અને અન્ય ઈમરજન્સી સહાયની જરૂ પડી રહી છે. ત્યારે યુએઈમાં આવેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર સહિત દુનિયાભરના દાતા તેને મદદ પહોંચાડી રહ્યા છે.
૧૦મી મેને સોમવારે દેશના હિંદુ સમુદાયના વોલન્ટિયર્સ લીક્વીડ ઓક્સિજનના સેંકડો સિલિન્ડર્સ અને કોમ્પ્રેસ્ડ ઓક્સિજનના મહાકાય કન્ટેનર્સ શીપમાં ચડાવવા માટે જેબેલ અલી પોર્ટ પર એકઠા થયા હતા. આ શીપ ભારત જવા રવાના થયું હતું. ભારતમાં કોરોનાના કેસો વધતાં દુબઈ હિલિયમ ફેક્ટરીના ભારતીય માલિકોએ ઓક્સિજનનું ઉત્પાદન શરુ કર્યું હતું.
વતનથી મદદની માગ વધી જતાં ફેક્ટરી દ્વારા ઓક્સિજનનો પૂરવઠો ભારત પહોંચાડવા માટે યુએઈના પાટનગર અબુધાબીમાં આવેલા મુખ્ય હિંદુ મંદિર BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની મદદ લીધી.
ઓક્સિજનના જથ્થાને ભારત રવાના કરતા અગાઉ સાધુ સંતોએ તેના પર ગુલાબની પાંદડીઓની વર્ષા કરી હતી અને કેસરી તિલક કર્યું હતું. (134)