અમદાવાદઃ યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)ના અબુધાબીમાં નિર્માણ થયેલા અધ્યાત્મ અને સંવાદિતાના દિવ્ય સમન્વયરૂપ બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદઘાટન આગામી 14 ફેબ્રુઆરીના રોજ થશે એવાં આશીર્વચન બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામીએ વ્યક્ત કર્યાં છે. આ ભવ્યાતિભવ્ય મંદિર વર્ષોની સમર્પિત પ્રાર્થના અને નિઃસ્વાર્થ સેવાભાવ થકી નિર્માણ પામેલા એક અનોખી આધ્યાત્મિક સ્મારક સિદ્ધિરૂપ છે. ગત બીજી ઓગસ્ટના રોજ ન્યૂ જર્સીના રોબિન્સવિલમાં મહંત સ્વામી મહારાજની સવારની પૂજા બાદ, પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ તેઓને આ મંદિરના ઉદઘાટન સમારંભના હાર્દિક આમંત્રણના પ્રતીકરૂપે સુંદર માળા અર્પણ કરી હતી. યુએઇની મહિલા સ્વયંસેવકો દ્વારા શ્રદ્ધાપૂર્વક માળા તૈયાર કરવામાં આવી હતી.
પૂ. બ્રહ્મવિહારી સ્વામી એપ્રિલ 1997માં અબુધાબીના પ્રવાસે ગયા હતા ત્યારે તેમણે ઈચ્છા વ્યક્ત કરી કે, અહીં એક વિશાળ મંદિર હોવું જોઈએ. તેમનું આ સપનું હવે સાકાર થવાના આરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2015માં યુએઈની બે દિવસીય મુલાકાતે ગયા હતા ત્યારે ત્યાંની સરકારે આ મંદિર બાંધવાનું એલાન કર્યું હતું. ત્યાંની સરકારે અબુધાબીમાં અલ વાકબા નામની જગ્યાએ બીએપીએસને 20,000 વર્ગ મીટરની જમીન આપી હતી, જે મુખ્ય શહેર અબુધાબીથી 30 મિનિટના અંતરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં પોતાના દુબઈના બે દિવસીય પ્રવાસ દરમિયાન ત્યાંના ઓપેરા હાઉસમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. મંદિરમાં જે આરસના પથ્થરો લગાવવામાં આવ્યા છે, તે ઇટાલીના છે, જ્યારે બલુઆ પથ્થરો રાજસ્થાનના છે. કુશળ કારીગરો દ્વારા રાજસ્થાન અને ગુજરાતમાં વિવિધ સ્થળોએ 25 હજાર ઘનફૂટ પથ્થરો પર નકશીકામ કરવામાં આવ્યું છે. આ મંદિરનો ઉદઘાટન સમારંભ અતિ ભવ્ય, ઐતિહાસિક અને અવિસ્મરણીય બની રહેશે.