ગઈ તા.૧૯.૧૦.૨૦ના રોજ મિડલ-ઇસ્ટમાં UAE (યુનાઇટેડ આરબ એમિરેટ્સ)ની રાજધાની અબુધાબીના પૂર્વીય ક્ષેત્રમાં આવેલા અલ-આઈન શહેરના રણમાં હીઝ રોયલ હાઇનેસ શેખ અબ્દુલ્લા બિન જાયદ અલ નાહ્યાન, UAEના વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રી દ્વારા આયોજિત વિશેષ બેઠક યોજાઈ હતી. તેમાં શેખ અબ્દુલ્લાએ BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામી અને યુએઈમાં ભારતના રાજદૂત પવન કપૂર સાથે વૈશ્વિક સદ્ભાવ અને સાર્વભૌમિક-સનાતન મૂલ્યોના પ્રતીકરૂપ ઐતિહાસિક BAPS હિન્દુ મંદિર અંગે ચર્ચા કરી હતી.
શેખ અબ્દુલ્લાએ UAEની રાજધાની અબુધાબી ખાતે પરંપરાગત શૈલીના પ્રથમ BAPS હિન્દુ મંદિરનું નિર્માણકાર્ય થઈ રહ્યું છે તેની સમીક્ષા કરી હતી. પૂ.બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે યુએઈમાં નિર્માણાધીન આ ઐતિહાસિક યોગદાન માટે આખી નિર્માણટીમ અને સમગ્ર હિન્દુ સમુદાય સમર્પિતભાવે જોડાયેલો છે. આ માત્ર પ્રાચીન શિલ્પ અને સ્થાપત્યના સંરક્ષણ માટેનો જ નહીં, પરંતુ નવી કલા અને વારસાના નિર્માણનો પણ અનોખો પ્રયાસ છે, જે હજારો વર્ષ સુધી ચિરકાલીન રહેશે. કોવિડ-૧૯ મહામારીના પડકારજનક સમયમાં વૈશ્વિક સદ્ભાવનાની આ પરિયોજના સર્વત્ર વિશ્વાસ અને આશાનો સંચાર કરશે તથા ભારત અને યુએઈ વચ્ચે અદ્વિતીય મિત્રતા, પ્રગતિ અને શાંતિ માટે થયેલા સમર્પણનો ઉત્સવ ઉજવશે.
આ પ્રસંગે ઉપસ્થિત રાજદૂત પવન કપૂરે જણાવ્યું કે મંદિર દ્વારા યુએઈ અને ખાડીપ્રદેશની વસતીમાં સકારાત્મક રીતે સેવા પ્રદાન કરાશે. આ પ્રસંગે શેખ અબ્દુલ્લાએ યુએઈની મંદિરનિર્માણ માટેની વચનબદ્ધતા તથા સહિષ્ણુતા અને સદ્ભાવ અંગેના મૂલ્યોની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીના હસ્તે હીઝ રોયલ હાઈનેસને પૂ. મહંત સ્વામી વતી સુવર્ણમંડિત મંદિર શિખરની પ્રતિકૃતિ અર્પણ કરાઈ હતી.
અબુધાબી નિર્માણ થઈ રહેલા મંદિરનું પ્રથમ શિલાપૂજન પૂ.મહંત સ્વામી દ્વારા ગોંડલ અક્ષરદેરી ખાતે થયું હતું. જ્યારે મંદિરનિર્માણ સ્થાને પૂ. ઈશ્વરચરણદાસજી દ્વારા વૈદિક વિધિ-વિધાન સાથે તા.૧૧મી ફેબ્રુઆરી,૨૦૧૮ના રોજ શિલાપૂજન થયું હતું અને તે દિવસે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંદિરના મોડેલ લોન્ચિંગનો કાર્યક્રમ પણ સંપન્ન થયો હતો.