યુનાઈટેડ આરબ અમીરાત એટલે કે યુએઈના પાટનગર અબુધાબીમાં પ્રથમ હિંદુ મંદિર આકાર લઈ રહ્યું છે. આ મંદિરનું નિર્માણકાર્ય ૨૦૨૩ના અંતમાં પૂર્ણ થશે. તે યુએઈમાં સૌથી મોટું હિંદુ મંદિર બનશે. મંદિરના ચેરમેન અને મંદિરના નિર્માણકાર્યની દેખરેખ રાખી રહેલા અશોક કોટેચાએ જણાવ્યું હતું કે હાલ મંદિરના પાયાનું કામકાજ પૂરું થઈ ગયું છે. તેના પ્રથમ ત્રણ સ્તરના કોતરણીકામવાળા પથ્થર પણ લગાવી દેવાયા છે. ભારતથી મોકલવામાં આવેલા નક્શીકામવાળા પથ્થર ભેગાં કરીને મંદિરમાં લગાવવામાં આવશે જે એક મોટા જીગ્સો પઝલ જેવા દેખાશે. આ પ્રથમ હિંદુ મંદિર સંકુલમાં પ્રાર્થના હોલ, કોમ્યુનિટી સેન્ટર, લાઈબ્રેરી, ચીલ્ડ્રન પાર્ક અને ફૂડ કોર્ટની સુવિધા ઉપલબ્ધ થશે.
હરિભક્તો અને મુલાકાતીઓમાં આ પ્રથમ હિંદુ મંદિર અંગે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બાંધકામ માટે મુરિખા કન્સ્ટ્રક્શન સાઈટ પર આવતી ઈંટોનું યુએઈમાં વસતા લોકો તથા પ્રવાસીઓ પૂજન કરે છે.
ભારતીય કારીગરોએ હાથથી કોતરણી અને નક્શીકામ કરેલા સ્તંભો જહાજ મારફતે મોકલાયા હતા. મંદિરમાં પાંચ ગુંબજ અને સાત શિખર હશે. તેમણે ઉમેર્યું કે મંદિરના સ્થાપત્યમાં પ્રાચીન હિંદુ ગ્રંથોની કથાઓ રજૂ કરાશે.
કોટેચાએ જણાવ્યું કે આ સ્થળની મુલાકાતે આવતા લોકોને મંદિરના નિર્માણના સાક્ષી બનવાનું સદભાગ્ય અને તક મળશે. તેઓ બહારની નક્શીકામ કરેલી દીવાલો અને બેનમૂન કળાકારીગરી સાથેના સુંદર અને ભવ્ય સ્તંભોનું બાંધકામ જોઈ શકશે. અગાઉ મંદિર સત્તાવાળાઓએ મુલાકાતીઓને ઈંટના પૂજન અને નિર્માણમાં સહભાગી થવા આમંત્રણ આપવાનો નિર્ણય લીધો હતો.
કોટેચાએ ઉમેર્યું હતું કે આ પૂજનનું મહત્ત્વ એ છે કે તે ખરેખર ઈતિહાસનો એક ભાગ બનવાની તક આપે છે. તાજેતરમાં અબુધાબીના રહેવાસી ગોપીકૃષ્ણન વેણુગોપાલે સગાંસંબંધીઓ સાથે આ પૂજનમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી.
આ પૂજનનો લાભ વિદેશમાં વસતા હરિભક્તો ઓનલાઈન માધ્યમથી લઈ શકશે. સ્થાનિક તથા અન્ય લોકો મંદિરની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યા પછી શુક્રવારે સવારે ૧૦થી બપોરે ૨ દરમિયાન મંદિર નિર્માણ સ્થળની મુલાકાત લઈ શકશે.