BAPS ના વડા પૂ. મહંત સ્વામી હાલ ભરૂચ ખાતે બિરાજમાન છે. તેઓ ૪ જુલાઈએ અમદાવાદથી ભરૂચ પધાર્યા હતા. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજા અને સાયંસભામાં હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તેમના દર્શન અને આશીર્વચનનો લાભ લઈ રહ્યા છે. અગાઉ ૧લીએ અમદાવાદમાં બાળ પ્રવૃત્તિ દિન દરમિયાન બાળકોએ કાર્યકરોની ભૂમિકા ભજવીને બાળ સભા યોજી હતી. ૨જીએ ‘વચનામૃતનું અમૃત’માં આત્મવિચાર અને સાંખ્યવિચારની વાત સંવાદોના માધ્યમથી રજૂ કરાઈ હતી. ૩જીએ સવારની સભામાં પૂ. મહંત સ્વામીએ આશીર્વચન પાઠવતા કહ્યું હતું,‘ ભગવાન અનંતગણા મોટા છે અને આપણે તુચ્છ, તુચ્છ તુચ્છ છીએ. આપણે બધે ફાંફા માર્યા છે. જન્મ-મરણ ચાલુ રહ્યા છે. તેમાંથી છૂટવાનો આ અવસર છે.’ તે દિવસે કાશીથી પરત આવેલા ભદ્રેશ સ્વામીએ ૨૮મી મે, ૨૦૧૯ના રોજ કાશીમાં અક્ષરપુરુષોત્તમ દર્શનપીઠની સ્થાપના કરવામાં આવી તેનો અહેવાલ પૂ.મહંત સ્વામીને આપ્યો હતો. ભદ્રેશ સ્વામીએ જણાવ્યું હતું કે કાશીના વિદ્વાન પંડિતોએ ‘સ્વામીનારાયણ ભાષ્ય’ અને ‘અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત’નું સ્વાગત કર્યું હતું. પંડિતોએ ભદ્રેશ સ્વામીને ‘દર્શનશાસ્ત્ર સાર્વભૌમ’નું અલંકરણ પણ આપ્યું હતું. ૪થીએ સવારે પૂ. મહંત સ્વામીએ અમદાવાદમાં રથયાત્રાનો ઉત્સવ ઉજવ્યો હતો. સાંજે ભરૂચ પહોંચ્યા પછી ત્યાં પણ રથયાત્રાનો ઉત્સવ ઉજવાયો હતો. રથમાં હરિકૃષ્ણ મહારાજ અને પૂ. મહંત સ્વામી બિરાજમાન થયા હતા અને સંતોએ રથને મંદિર પરિસરની પરિક્રમા કરાવી હતી. ૫મીએ સવારે પૂ. મહંત સ્વામીએ ભરૂચ મંદિરમાં સભાગૃહનું ઉદઘાટન કર્યું હતું. ૭મીએ ‘ફૂલોં સે હોલી’ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં પૂ. મહંત સ્વામીએ સંતો અને હરિભક્તો પર પુષ્પવર્ષા કરી હતી. ભરૂચમાં આ પ્રસંગે પહેલી વખત ખૂબ મોટી સંખ્યામાં ૨૦,૦૦૦ જેટલાં સંતો - હરિભક્તો ઉમટ્યા હતા. ૮મીએ પૂ. મહંત સ્વામીએ ભરૂચ શહેરના વિસ્તારો અને સાંકરી મંદિર હેઠળ આવતા ગામોના હરિમંદિરોની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી. તેઓ ૧૧મીને બુધવારે બોચાસણ જવા પ્રસ્થાન કરશે.