લંડનઃ ક્રોસબેન્ચ ઉંમરાવ લોર્ડ રાજ લૂમ્બા દ્વારા 23 જૂન, 2023ના રોજ હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે ઈન્ટરનેશનલ વિડોઝ ડેની ઉજવણીમાં બેન્ક્વેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે સમગ્ર ભારતમાં લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા સંકલિત 11 સ્થળોએ કાર્યક્રમો તેમજ અન્ય સંસ્થાઓ વિશ્વભરમાં યુએનના સભ્ય રાષ્ટ્રોમાં એકસાથે કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે દિલ્હીથી વિડિયો લિન્ક દ્વારા મહેમાનોને સંબોધતા ભારતના સોલિસીટર જનરલ મિ. તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, ‘સદીઓથી વિધવાઓ સામે ભેદભાવનું અસ્તિત્વ રહ્યું છે. સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ, સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકસી રહેલા અર્થતંત્ર તરીકે ભારતે પડકારોનું નિરાકરણ શોધવા અને સર્વના માટે ચિરસ્થાયી વિશ્વની રચના માટે મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે. આ ઊંડા મૂળ નાખેલી સમસ્યા છે જેનું નિરાકરણ માત્ર સરકાર દ્વારા આવી શકે નહિ. તેમાં સાંસ્કૃતિક પરિવર્તનની જરૂર રહે છે અને મને આનંદ છે કે ભારતીય મૂળિયાં ધરાવતી ચેરિટી લૂમ્બા ફાઉન્ડેશને ગત 25 કરતાં વધુ વર્ષથી વિધવાઓ માટે અભિયાન ચલાવ્યું છે તેમજ યુનાઈટેડ નેશન્સને આગવી પહેલ તરીકે ઈન્ટરનેશનલ વિડોઝ ડેને પસંદ કરવા સમજાવ્યું હતું.’
યુકેના પૂર્વ પ્રથમ સન્નારી અને લૂમ્બા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ લેડી શેરી બ્લેર CBE, KCએ ‘વિધવાઓની યાતના માત્ર ભારતમાં જ નહિ, સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે અને રાષ્ટ્રીય કાયદાઓથી પણ હલાવવા ભારે મુશ્કેલ પરંપરાઓ અને રિવાજોથી ઊંડે ધરબાયેલી હોવાનું બરાબર સમજાયા પછી વાર્ષિક, વૈશ્વિક એક્શનના દિવસનો આઈડિયા’ લોર્ડ લૂમ્બાને કેવી રીતે આવ્યો તેની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પાંચ વર્ષના અભિયાન પછી યુનાઈટેડ નેશન્સે 2011માં તેનો સ્વીકાર કર્યો હતો, ‘આ મુદ્દો હવે અદૃશ્ય રહ્યો નથી, ધીમે પણ મક્કમપણે પરિવર્તન શરૂ થયું છે. આ કાર્ય પરિપૂર્ણ કરવા આપણે બધાએ આપણી ભૂમિકા ભજવવાની છે.’
હિન્દુજા ગ્રૂપના ચેરમેન મિ. જી.પી. હિન્દુજા અને યુકેસ્થિત ભારતના હાઈ કમિશનર મિ. વિક્રમ દોરાઈસ્વામીએ પણ બેન્ક્વેટમાં સંબોધનો કર્યા હતા.
લૂમ્બા ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરમેન/ટ્રસ્ટી લોર્ડ રાજ લૂમ્બા CBEએ આભાર પ્રસ્તાવમાં આંતરરાષ્ટ્રીય વિધવા દિવસની સ્થાપના પાછળનું કારણ દર્શાવતા જણાવ્યું હતું કે, ‘આપણે એકલા કરી શકીએ તે કરતાં પણ વધુ હાંસલ કરવા માગતા હતા અને તે માત્ર જાગૃતિ લાવવા સાથે જ કરી શકાય તેમ હતું. અમે 2010માં યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં અભૂતપૂર્વ સમર્થન મેળવ્યું તે અભિયાનના ફળસ્વરૂપ હતું પરંતુ, હંમેશની માફક આપણે પર્વતની ટોચ પર પહોંચીએ ત્યારે આગળ નવો માર્ગ દેખાયો અને સર કરવાના અન્ય ઊંચા શિખરો પણ દેખાયાં.’
લોર્ડ લૂમ્બાએ જણાવ્યું હતું કે, ‘હજુ પણ યુવાન સ્ત્રીઓને તેમના પતિના મોત બદલ દોષિત ઠરાવાય છે, તેમને વારસાથી વંચિત રખાય છે તેમજ પોતાની અથવા તેમના બાળકોની સંભાળ લેવાં એકલી છોડી દેવાય છે. ઘણા દેશોમાં વૈધવ્ય સંબંધિત રીતરિવાજો અને વિધિઓ અમાનવીય અને અપમાનજનક છે. અમારું ધ્યેય માત્ર વિધવાઓ અને તેમનાં બાળકોને મદદ કરવાનું જ નથી પરંતુ, વિશ્વમાંથી ભેદભાવને નાબૂદ કરવાનું છે. લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા 2016માં પ્રસિદ્ધ ધ વર્લ્ડ વિડોઝ રિપોર્ટમાં દર્શાવાયું છે કે હજુ 250 મિલિયન વિધવા છે જેમાંથી 38 મિલિયન વિધવા તેમના આશ્રિત બાળકો સાથે ગરીબીરેખાથી નીચે જીવન ગુજારે છે.’