વડોદરા: યુએસના ટેક્સાસ સ્ટેટના ડલાસ ખાતે શ્રીવલ્લભકુળભૂષણ વૈષ્ણવાચાર્ય ૧૦૮ વ્રજરાજકુમાર મહોદયની પ્રેરણાથી પ્રથમ પુષ્ટિમાર્ગીય હવેલી ‘શ્રીનાથધામ’નું નિર્માણ થનાર હોવાની વીવાયઓ યુએસએના ટ્રસ્ટી બોર્ડ તરફથી જાહેરાત કરાઇ છે. વીવાયઓ ડલાસ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. વૈષ્ણવો નિત્ય સત્સંગ પણ કરે છે. ડલાસના વૈષ્ણવો ઘણા વર્ષોથી પુષ્ટિમાર્ગીય હવેલી માટે પ્રતિક્ષા કરી રહ્યા હતા. હવે સર્વેની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. ટૂંક સમયમાં હવેલીની જગ્યાનું સંપાદન કરવામાં આવશે. અસંખ્ય દાતાઓનો ખૂબ સારો પ્રતિસાદ આ હવેલી પ્રોજેક્ટનો લઇને પ્રાપ્ત થયો છે. ડલાસમાં એક લાખથી વધુ ભારતીયોની વસ્તી છે, જેમાં હજારો વૈષ્ણવોનો પણ સમાવેશ થાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ડલાસમાં સાકાર થનાર સર્વપ્રથમ પુષ્ટિમાર્ગીય હવેલી શ્રીનાથધામ સંકુલમાં શ્રીનાથજી, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપે બિરાજશે. વીવાયઓ એજ્યુકેશન કોર્સ 6 થી 16 વર્ષના બાળકો માટે શરૂ કરવામાં આવશે. યુવાનો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થશે. એડલ્ટ ડે કેર સેન્ટર આવશે. દર્શન હોલ - સત્સંગ હોલ - ભોજનાલય બનાવાશે. અનેકવિધ સમાજ ઉપયોગી, બાળકો-યુવાનો સંસ્કાર ઉપયોગી, વડીલો ઉપયોગી પ્રવૃત્તિઓ આ ‘શ્રીનાથધામ હવેલી’ અંતર્ગત સાકાર થશે. ઉલ્લેખનીય છે કે, વૈષ્ણવાચાર્ય 108 વ્રજરાજકુમાર મહોદયની પ્રેરણાથી અમેરિકામાં શાર્લોટ ખાતે શ્રીનાથધામ હવેલી, વીવાયઓ અંતર્ગત બોસ્ટન ખાતે શ્રીનાથજી હવેલીનું નિર્માણ કરવામાં આવેલી છે. આ ઉપરાંત વીવાયઓ દ્વારા અમેરિકાના ન્યુ જર્સીમાં કૃષ્ણધામ સંકુલ સાતસ્વરૂપ હવેલી, ટેમ્પા ફ્લોરિડા ખાતે વૃંદાવન ધામ, રીચમંડ વર્જીનિયા ખાતે શ્રીનાથજી હવેલી, રાલે કેરોલીનામાં કૃષ્ણધામ સંકુલ અને કેનેડા ટોરેન્ટો ખાતે કૃષ્ણધામ સાત સ્વરૂપ હવેલી નિર્માણાધીન છે.
આ પ્રોજેક્ટ સાકાર કરવા માટે વીવાયઓ યુએસએનું ટ્રસ્ટી બોર્ડ ખુબ જ જહેમત ઉઠાવી રહ્યુ છે. જેમાં ચેરમેન તરીકે ડો. બંસીભાઇ શાહ, વાઇસ ચેરમેન તરીકે રમેશભાઇ રાખોલિયા, રાજીવભાઇ શાહ, કિરીટભાઇ શાહ, ડો. મનુભાઇ ડઢાણિયા, ડો. સરજુભાઇ શાહ, ડો. યોગેશભાઇ પરીખ, રંગેશભાઇ શાહ, સુનીલભાઇ પટેલ, યામિનીબેન પટેલ (વીવાયઓ - યુએસએ, પ્રેસિડેન્ટ)નો સમાવેશ થાય છે.