BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૧૦ ઓક્ટોબરે અમેરિકાના ન્યૂ જર્સીના રોબિન્સવિલમાં સ્વામીનારાયણ અક્ષરધામ કેમ્પસમાં શ્રી નીલકંઠવર્ણીની મૂર્તિનું અનાવરણ કરાયું હતું. તેમાં પૂ. મહંત સ્વામી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. અમેરિકામાં પૂ. ઈશ્વરચરણદાસ સ્વામીના નેતૃત્વમાં આ ઉજવણી યોજાઈ હતી. ભગવાન સ્વામીનારાયણ આ પૃથ્વી પર ૪૯ વર્ષ રહ્યા હતા તેની સ્મૃતિમાં પિત્તળમાંથી બનાવાયેલી આ મૂર્તિ ૪૯ ફૂટ ઉંચી છે.
આ અગાઉ પૂ. મહંત સ્વામીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મહાયજ્ઞ યોજાયો હતો તેમજ નગરયાત્રા નીકળી હતી. પૂ. મહંત સ્વામીએ સારંગપુરથી એક બટન દબાવીને નીલકંઠવર્ણીની મૂર્તિ પર પુષ્પવર્ષા કરી હતી. દુનિયાભરના હરિભક્તોએ કાર્યક્રમ ઓનલાઈન નિહાળ્યો હતો.
પૂ. મહંત સ્વામીની સવારની નિત્યપૂજામાં સારંગપુર અને આસપાસના ગામોમાંથી સાધુ સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહે છે. તેઓ નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. પૂ. મહંત સ્વામી દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.