વોશિંગ્ટનઃ અયોધ્યામાં ભવ્યાતિભવ્ય શ્રીરામ મંદિરના નિર્માણ અને ગત 22 જાન્યુઆરીએ આ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થયાની ખુશીમાં અમેરિકામાં સોમવારથી રામમંદિર રથયાત્રાનો શુભારંભ થયો છે. શિકાગોથી શરૂ થયેલી આ રથયાત્રા બે મહિનામાં અમેરિકાના 48 સ્ટેટના 851 મંદિરો સુધી પહોંચશે અને લગભગ 13 હજાર કિમીથી વધુ અંતર કાપશે, તેમ રથયાત્રાના આયોજકોએ જણાવ્યું છે.
વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા (VHPA) આ રથયાત્રા યોજી છે, જેના મહામંત્રી અમિતાભ મિત્તલના કહેવા મુજબ રથમાં ભગવાન શ્રીરામ, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિઓ, અયોધ્યાના શ્રીરામ મંદિરેથી આવેલો ખાસ પ્રસાદ અને પ્રાણપ્રતિષ્ઠામાં પૂજાયેલા અક્ષત છે.
મિત્તલે ઉમેર્યું હતું કે અયોધ્યાનું રામમંદિર તૈયાર થઈને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાતાં દુનિયાભરમાં વસતા દોઢ અબજથી વધુ હિન્દુઓ ખુશખુશાલ છે, તેમનામાં અનેરા જોમ અને શ્રદ્ધાનો સંચાર થયો છે. અમેરિકામાં દેશવ્યાપી રથયાત્રા 25 માર્ચે શિકાગોથી શરૂ થશે અને અમેરિકાના 851 તથા કેનેડાના 150 મંદિરો આવરી લેશે. જોકે રથયાત્રાનો કેનેડા સેક્શન અલગ છે, જેનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ ઓફ કેનેડા દ્વારા કરવામાં આવ્યું છે.
હિન્દુ મંદિર એમ્પાવરમેન્ટ કાઉન્સિલ (HMEC)નાં તેજલ શાહે કહ્યું કે આ રથયાત્રાનો ઉદ્દેશ હિન્દુ ધર્મ અંગે જાગૃતિ લાવવાનો અને હિન્દુ ધર્મને સશક્ત બનાવવાનો છે. રથયાત્રા તમામ હિન્દુઓને એક થવાની તક પૂરી પાડશે, જે હિન્દુ ધર્મ અને તેના મૂલ્યોના પુનરુત્થાન ભણી દોરી જશે. દુનિયાભરમાં હિન્દુ ધર્મના પ્રચાર-પ્રસાર માટે સૌ હિન્દુઓએ એક રહેવું, મજબૂત રહેવું આપણા માટે અને ખાસ તો આપણી ભાવિ પેઢી માટે બહુ અગત્યનું છે. અમે અમેરિકામાં રથ લઇ જવાય તેટલી જગ્યા ધરાવતા પ્રત્યેક મંદિરે જઈશું. આ ઉપરાંત અયોધ્યાના રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અમેરિકાના જે મંદિરો જોડાયા હતા તેમને પાર્ટિસિપેશનનું સર્ટિફિકેટ પણ એનાયત કરાશે. હિન્દુ સંસ્કૃતિમાં જેનું ખૂબ મહત્ત્વ છે તેવા અક્ષત અને કળશ પણ રથયાત્રામાં હશે.
હનુમાન જયંતી પર્વે ઇલિનોયમાં પૂર્ણાહૂતિ
આ રથયાત્રાનું સમાપન 23 એપ્રિલે હનુમાન જયંતીના દિવસે ઇલિનોયના સુગર ગ્રોવ ખાતે થશે. રથયાત્રાના આયોજન માટે સંખ્યાબંધ સ્વયંસેવકોએ VHPAમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અમેરિકામાં હિન્દુ સમુદાય દ્વારા પહેલીવાર 800થી વધુ મંદિરોને આવરી લેતી રથયાત્રાનું આયોજન થયું છે.