અયોધ્યાઃ પર્યટકો અને શ્રદ્ધાળુઓની પ્રથમ પસંદગી બની ગયેલી રામનગરી અયોધ્યા નવા નવા રેકોર્ડ નોંધાવી રહી છે. વાર્ષિક આવકની બાબતમાં રામમંદિર દેશનું ત્રીજું સૌથી મોટું મંદિર બની ગયું છે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પછી અત્યાર સુધીમાં અયોધ્યામાં 13 કરોડ કરતાં વધારે શ્રદ્ધાળુઓ અને પર્યટકો પહોંચ્યા છે. મંદિરની વાર્ષિક આવક 700 કરોડ રૂપિયાની પાર પહોંચી છે. વાર્ષિક આવકની બાબતમાં રામ મંદિરે સુવર્ણ મંદિર, વૈષ્ણોદેવી અને શિરડી સાઈ મંદિરને પાછળના ક્રમે ખસેડી દીધા છે.
અયોધ્યા ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થાની સાથોસાથ દેશની અર્થવ્યવસ્થાના વિકાસમાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપી રહ્યું છે. હાલના સમયે અયોધ્યામાં શ્રદ્ધાળુઓ અને પર્યટકોની સંખ્યા લગભગ બેથી પાંચ લાખ વચ્ચે રહે છે, જેના માટે સર્વસુલભ દર્શન અને રહેવાની વ્યવસ્થા કરવી એક મહત્ત્વનો પડકાર બની ગયો છે. શ્રદ્ધાળુઓના વધતા જતા પ્રવાહના કારણે રામ મંદિર હવે ધાર્મિક દાન મેળવનાર ભારતનાં ટોચનાં 10 મહત્ત્વપૂર્ણ મંદિરોની યાદીમાં ત્રીજા સ્થાને આવી ગયું છે. રામમંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાનની રકમ આપે છે. આ ઉપરાંત, સાનો-ચાંદી પણ ચઢાવે છે.
ઉત્તર પ્રદેશ-ઉત્તરાખંડ ઈકોનોમિક અસોસિએશનના મહાસચિવ પ્રો. વિનોદ શ્રીવાસ્તવે કહ્યું કે એક અભ્યાસ અને અનુમાન અનુસાર, 2024-25માં આંધ્ર પ્રદેશના તિરુપતિ વેંકટેશ્વર મંદિરની વાર્ષિક દાનની રકમ લગભગ 1,500થી 1,650 કરોડ રૂપિયા રહી, બીજા સ્થાને કેરળ તિરુવનંતપુરમનું શ્રી પદ્મનાભમ સ્વામી મંદિર છે, જેની વાર્ષિક દાનની રકમ લગભગ 750થી 850 કરોડ રૂપિયા છે.