અયોધ્યા: રામજન્મભૂમિમાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદથી દરરોજ હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે આ રામનગરમાં એક બેન્ક એવી છે જ્યાં એક નયા પૈસાની લેવડદેવડ થતી નથી, છતાં તેના ખાતેદારો દુનિયાભરમાં ફેલાયેલા છે.
વાત એમ છે કે આ બેંક શ્રદ્ધા અને માનસિક શાંતિના એકમાત્ર ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી છે. મહંત નૃત્યગોપાલદાસજીએ 1970માં શરૂ કરેલી આ અનોખી રામનામ બેંકમાં બ્રિટન, કેનેડા, નેપાળ, ફિજી અને યુએઇના લોકોએ પણ ખાતું ખોલાવેલું છે. બેંકનું નામ છે ‘ઇન્ટરનેશનલ શ્રી સીતારામ નામ બેંક’. મહંત નૃત્યગોપાલદાસજી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે.
ઈન્ટરનેશનલ શ્રી સીતારામ નામ બેંકમાં ખાતું ખોલાવનારને એક બુકલેટ અને લાલ રંગની પેન અપાય છે. ત્યાર બાદ શ્રદ્ધાળુઓ બુકલેટમાં પાંચ લાખ વખત ‘સીતારામ’ ‘સીતારામ’ લખીને આ બુકલેટ પોતાના એકાઉન્ટમાં જમા કરાવી દે છે. આ બેન્કમાં એકાઉન્ટ ખોલાવવા માટે ઓછામાં ઓછું 5 લાખ વાર ‘સીતારામ’ લખવું પડે છે અને પછી પાસબુક જારી કરવામાં આવે છે. બેન્ક દ્વારા ખાતાધારકોને ઇસ્યુ થતી પાસબુકમાં તેમણે જમા કરાવેલી બુકલેટ્સની વિગતો નોંધાયેલી હોય છે.
ગત 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા બાદ તો આ બેન્કમાં ખાતાધારકોની સંખ્યા ઝડપભેર વધી રહી છે. દેશવિદેશમાં બેન્કની 136 શાખાઓ થઇ ચૂકી છે. ઘણા લોકો બુકલેટ ટપાલ મારફત પણ મંગાવે છે અને જમા કરાવે છે.
આ નોખી અનોખી બેન્કના બ્રાન્ચ મેનેજર મહંત પુનિત રામદાસ મહારાજ કહે છે કે જે રીતે મંદિરમાં શ્રદ્ધાળુઓ માનસિક શાંતિ માટે જાય છે તેમ ‘સીતારામ’ લખીને પણ પ્રાર્થનારૂપે પોતાના ખાતામાં શાંતિ અને આસ્થા જમા કરાવી શકે છે. આપણે કહીએ છીએને કે ભગવાને બધાનું ખાતું ખોલી રાખેલું છે અને તેમાં આપણા સારા-ખરાબ કર્મોની નોંધ થાય છે. બસ, આ ખાતું પણ કંઈક એવું જ છે. અહીં માન્યતા છે કે 84 લાખ વખત ‘સીતારામ લખે તેને મોક્ષ મળી જાય છે. બરેલીના એક શ્રદ્ધાળુએ 25 લાખ વખત ‘સીતારામ’ નામ લખીને જમા કરાવેલા છે. તો ઉત્તર પ્રદેશના જ કૌસાંબીના રહેવાસી 73 વર્ષના રામ ચંદ્ર કેસરવાનીએ 2.86 કરોડ વખત રામનામ લખીને આ બેન્કમાં જમા કરાવ્યા છે.