અયોધ્યા: અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ રંગેચંગે મનાવાઇ હતી. ત્રણ દિવસની ઉજવણીના પહેલા દિવસ શનિવારે પૂજારીઓ દ્વારા રામલલ્લાને ગંગાજળથી સ્નાન કરાવીને વિશેષ પૂજાઅર્ચના કરાઇ હતી. ભગવાનને પંચામૃતથી અભિષેક કરીને નવા વસ્ત્રો સાથે શ્રૃંગાર કરાયો હતો અને રામલલ્લાને રાજભોગ ધરાવી મહાઆરતી કરાઇ હતી. આ પ્રસંગે અયોધ્યાને રંગબેરંગી રોશનીથી શણગારાયું હતું અને ધજાપતાકા લહેરાવાયા હતા. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરાયા પછી અહીં દરરોજ દોઢથી બે લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રામલલ્લાનો અભિષેક કર્યો હતો. તેમણે ભગવાનની ભવ્ય આરતી કરી હતી અને રામલલ્લાને છપ્પનભોગ ધરાવાયો હતો. તેમના દરબારને ફૂલોથી સજાવવામાં આવ્યો હતો. ગયા વર્ષની 22 જાન્યુઆરીએ પ્રાણપ્રતિષ્ઠાની પૂજા કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી હતી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક્સ પર લોકોને ‘જય જય શ્રી રામ’ કહ્યા હતા. ઉજવણીનો ભાગ બનેલા સ્થાનિક રહેવાસી અનુપ મિશ્રાએ જણાવ્યું હતું કે, ‘જાન્યુઆરી 2024માં પ્રાણપ્રતિષ્ઠા વખતે અમે રામ જન્મભૂમિ આવી શક્યા ન હતા. જોકે, પ્રથમ વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી બનવાનું સદભાગ્ય મળ્યું છે.’ ભોપાલથી આવેલા સરલા મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ‘અમે પહેલી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેવા બે દિવસ પહેલાં અયોધ્યા પહોંચ્યા હતા. આજે અમને રામલલ્લાના દર્શનનો લહાવો મળશે એ વાતથી રોમાંચ અનુભવી રહ્યા છીએ.’
પ્રથમ વર્ષગાંઠની ઉજવણીનો હેતુ આમ જનતાને તેમાં સહભાગી બનાવવાનો હતો. લોકોને આ પ્રસંગે પેવેલિયન અને યજ્ઞશાળામાં રોજ રામકથા સાંભળવાની તક મળી હતી. ઉપરાંત, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર ગયા વર્ષની પ્રાણપ્રતિષ્ઠામાં ભાગ નહીં લઇ શકનારા 110 મહાનુભાવોને આ વખતે આમંત્રણ અપાયું હતું. ઉલ્લેખનીય છે કે, 2024ની 22 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ 500 વર્ષની લાંબી પ્રતીક્ષા પછી ભવ્ય સમારોહમાં અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.
વડાપ્રધાને લોકોને શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે એક્સ પર જણાવ્યું હતું કે, ‘અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે તમામ નાગરિકોને શુભેચ્છા. આ મંદિર શતાબ્દીઓના બલિદાન અને સંઘર્ષ પછી બન્યું છે. તે આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મનો વારસો છે. મને વિશ્વાસ છે કે દિવ્ય અને ભવ્ય રામ મંદિર વિકસિત ભારતના સંકલ્પને પૂરો કરવામાં મોટી પ્રેરણા બનશે.’
અયોધ્યા સુંદર નગરી બનશે
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ પ્રસંગે કહ્યું હતું કે જો આપણે એક રહીશું તો સનાતન ધર્મ મજબૂત થશે. દેશ મજબૂત થશે. જાતિ, ધર્મ કે ભાષાને આધારે ભાગલા પડશે તો તેના ખરાબ પરિણામ આપણા ધર્મ સ્થળોએ ભોગવવા પડશે. આપણું રામજન્મ-ભૂમિ અને રામમંદિરને લગતું આંદોલન રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા સાથે સાર્થક થયું છે. બે વર્ષમાં રામમંદિર પૂરું થયા પછી અયોધ્યા વિશ્વમાં સુંદર નગરી તરીકે ઊભરી આવશે.
આ દિવસ પ્રતિષ્ઠા દ્વાદશી તરીકે મનાવીએઃ મોહન ભાગવત
સંઘના વડા મોહન ભાગવતે સોમવારે કહ્યું હતું કે રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ એ દિવસે ભારતને સાચી આઝાદી મળી હતી. આ દિવસને પ્રતિષ્ઠા દ્વાદશી તરીકે મનાવવો જોઈએ. 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યા ખાતેના ભવ્ય મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ હતી. હિન્દુ ચંદ્ર કેલેન્ડર મુજબ, 11 જાન્યુઆરી 2025ના રોજ પ્રાણપ્રતિષ્ઠા સમારોહને વર્ષ પૂર્ણ થયું.
સંઘના વડાએ કહ્યું હતું કે, રામમંદિર આંદોલન કોઈના વિરોધ માટે નહોતું. આ ચળવળ ભારતના ‘સ્વ’ને જાગૃત કરવા શરૂ કરાઇ હતી. ભાગવત ઇન્દોરમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને ‘રાષ્ટ્રીય દેવી અહિલ્યા પુરસ્કાર’ અર્પણ કરવાના સમારોહમાં બોલી રહ્યા હતાં.