સાનફ્રાન્સિસ્કોઃ કેલિફોર્નિયાના સાન જોસ સ્થિત સુખમ સંસ્થાએ ૨૦ જૂને જાહેરાત કરી હતી કે તે અલ્ઝાઈમર્સ એસોસિએશન સાથે સહયોગ
કરીને ભારતીય અમેરિકન કોમ્યુનિટીને ડિમેન્શિયા સંબંધિત સંભાળ અને સહાય વિશે જાગ્રતિ કેળવશે. આ અંગે બન્ને સંસ્થા વચ્ચે બે વર્ષના સહયોગની સમજૂતી થઈ છે.
સુખમના ભારતીય અમેરિકન પ્રમુખ મુકુન્દ આચાર્યે એક નિવેદનમાં આ સહયોગની જાહેરાત કરી હતી. આ વિસ્તારમાં સાઉથ એશિયન પરિવારોની જરૂરિયાતો ધીમે ધીમે વધી રહી છે અને આગામી વર્ષોમાં વધતી જ રહેશે. સુખમનો હેતુ લક્ષિત શૈક્ષણિક પ્રોગ્રામ્સ અને મટિરિયલ્સ પૂરા પાડીને તેમજ આવા પડકારોનો સામનો કરી રહેલા કોમ્યુનિટીના અન્ય સભ્યોને અન્ય ગ્રૂપો સાથે સાંકળીને કોમ્યુનિટીને અર્થપૂર્ણ અને સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ સહાય પૂરી પાડવાનો છે.
તેમણે કહ્યું કે તેઓ તેમના પ્રથમ પ્રોગ્રામની આગામી અઠવાડિયાઓમાં જાહેરાત કરશે.
ભારતીય અમેરિકનોમાં અલ્ઝાઈમર્સ અને ડિમેન્શિયા હોવા વિશે ખૂબ ઓછો ડેટા ઉપલબ્ધ છે. લગભગ ૮.૪ ટકા એશિયન અમેરિકન આ રોગોથી પીડાય છે.
સુખમ વોલન્ટિયર નોન – પ્રોફિટ સંસ્થા છે અને તે જીવનમાં થતા ફેરફાર માટે લોકોને જાગ્રત કરવા કાર્યરત છે.
અલ્ઝાઈમર્સ એસોસિએશનના ડાયવર્સિટી, ઈક્વિટી અને ઈન્ક્લુઝનના ડિરેક્ટર એડી યાઉએ જણાવ્યું કે તેમની ટોચની પ્રાથમિકતા અલ્ઝાઈમર્સ વિશે જાગ્રતિ કેળવવાની છે.