બ્રિટનમાં વર્ષોથી ગીતા ફાઉન્ડેશનના નામે એક અભિનવ યજ્ઞ ચાલુ છે. વ્યવસાયે શિક્ષક પણ આજન્મ સમાજસેવક પરમપૂજ્ય સ્વ. બાલમુકુંદ પરીખ એટલે કે પરીખ સાહેબ દ્વારા આ સંસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અત્યારે આ સંસ્થાનો કાર્યભાર શ્રી શરદભાઇ પરીખ અને પરિવારજન ઉઠાવીને સમાજ જાગરણનું કાર્ય કરી રહ્યા છે.
પરીખ સાહેબે દાયકાઓ સુધી શ્રીમદ્ ભાગવદ ગીતાનો પ્રચાર કરવામાં ખૂબ જહેમત ઉઠાવી હતી. આ જ્ઞાનપ્રવાહને વેગ આપવા માટે તેમને ગીતા ફાઉન્ડેશન શરુ કર્યું. આ ફાઉન્ડેશન એ પરીખ સાહેબ અને હસુમતીબહેન પરીખનું સાકાર થયેલું સ્વપ્ન છે. પછીના જીવનમાં, તેઓ સ્વામી ગીતપ્રકાશાનંદ અને સ્વામી ઓમપ્રકાશ તરીકે ઓળખાયા. બંને ભગવદ્ ગીતામાં પ્રેરિત મૂલ્યો અને ઉપદેશનો વધુમાં વધુ પ્રચાર કરવા માંગતા હતા. પરીખ સાહેબે ભગવદ્ ગીતાના મૂલ્યો અને ઉપદેશોનો પ્રચાર કરવા માટે યુકે ચેરિટી - ધ હસુમતી બાલમુકુંદ પરીખ ગીતા એસોસિએશનની સ્થાપના કરી. ચેરિટી હાલમાં તેમના સંતાનો દ્વારા ચલાવવામાં આવે છે, જેઓ તેમના માતાપિતાની ભાવનાથી દાન આપે છે. આપણા વડીલોએ શરુ કરેલા સ્તુત્ય પગલાને આગળ ધપાવવા દરેક સંતાનની ભાવના હોય છે, પણ બહુ ઓછા લોકો આ કર્મપથ ઉપર આગળ ચાલી શકે છે. જ્યારે પરીખ સાહેબના પુત્ર શરદભાઈ અને પરિવારે જે રીતે જ્ઞાન અને સેવાનું બીડું ઝડપ્યું છે, એ સમાજમાં મિસાલરૂપ છે.
આ યુગમાં ગીતા સંદેશ એ સર્વમાન્ય પ્રગતિનો દ્યોતક છે. કુરુક્ષેત્રના રણક્ષેત્રમાં ભગવાન શ્રીકૃષ્ણે હતાશ બેઠેલા અર્જુનને આપેલો બોધ એ માત્ર ધાર્મિક પુસ્તક નથી. આજે વિશ્વની સુવિખ્યાત બિઝનેસ મેનેજમેન્ટ સ્કૂલોમાં પણ ગીતાનો અભ્યાસ થઈ રહ્યો છે.
ગુજરાતી અસ્મિતાની એક ઓળખ છે કે એમાં વ્યક્તિગત વિકાસ સાથે સામુહિક ઉન્નતિના પણ દર્શન થાય છે. આ સપ્તાહથી દર અઠવાડિયે ‘આપણી પ્રાણવાન સંસ્થા’ની એક સંક્ષિપ્ત ઓળખ આપવાનું અમે નક્કી કર્યું છે. બ્રિટિશ વસાહતોમાં વ્યક્તિગત સિદ્ધિ સાથે સાથે જ કેટલીય સામાજિક, ધાર્મિક, જ્ઞાતિ વિષયક સેવા સંસ્થાઓ પણ અદ્ભુત સેવા આપી રહી છે. આવી કોઇ સંસ્થા વિષે આપને માહિતી આપવી હોય તો ગુજરાત સમાચારનો સંપર્ક કરી શકો છો.
- મહેશ લિલોરિયા, ગ્રૂપ એડિટર