ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટન મંદિરના આદરણીય વડીલ શ્રી છોટાલાલ મગનલાલ લિંબાચિયાનો ટૂંકી માંદગી ભોગવી તા. ૧૬-૧૨-૨૧ના ગુરુવારના રોજ બપોરે ૩-૦૦ વાગ્યે ૮૮ વર્ષની વયે સ્વર્ગવાસ થયો છે. આ દુઃખદ સમાચારથી ગુજરાત હિન્દુ સોસાયટી તેમજ યુ.કે.ના સમગ્ર હિન્દુ સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.
સ્વ. છોટાલાલ મગનલાલ લિંબાચિયાનો જન્મ કેન્યા-નાઇરોબીમાં તા. ૧૬-૧-૧૯૩૩માં થયો હતો. તેમના પિતાશ્રી મિલિટરીમાં કામ કરતા હતા, જેથી તેમનાં માતા સાથે છોટાભાઇ ભારત આવ્યા હતા અને ત્યાં તેઓએ પાટણ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો હતો. તેમના લગ્ન કુસુમબહેન સાથે નાની ઉંમરે થયા હતા. ત્યારબાદ તેઓ પાછા કેન્યા ગયા હતા. ત્યાં તેમણે રેલ્વેમાં નોકરી કરી હતી. ત્યારબાદ તેઓ ૧૯૬૪માં દીકરી શિલ્પાને લઈ ભારત ગયા. ત્યાં થોડો ટાઈમ રહી ૧૯૬૫માં યુ.કે- પ્રેસ્ટન આવ્યા હતા અને પ્રેસ્ટનમાં સ્થાયી થઈ તેમણે ઘણા જ જ્ઞાતિબંધુઓને સ્થાયી થવામાં મદદરૂપ બન્યા હતા.
તેઓ ગુજરાત હિન્દુ સોસાયટીની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા. તેઓએ પ્રમુખ, ટ્રસ્ટી, ટ્રેઝરર, સેક્રેટરી જેવા હોદ્દે રહીને સંસ્થાને અનેક સેવા પૂરી પાડી છે. ગુ.હિ.સો. દ્વારા જ્યારે ૧૯૭૪માં મંદિર લેવામાં આવ્યું ત્યારે તેમણે સેક્રેટરી તરીકે જવાબદારી નિભાવી હતી. પ્રેસ્ટનમાં મંદિર થાય તે માટે ઘણી જ મહેનત કરી હતી. સંસ્થા પાસે પૈસા નહોતા છતાં પણ બેન્કમાં ટ્રસ્ટીઓના ડીડ મૂકીને લોન લઈને મંદિર ૧૯૭૫માં બનાવવામાં આવ્યું હતું. તેઓને ધાર્મિક પ્રવૃત્તિ પ્રત્યે ઘણો જ ઉત્સાહ હતો જેથી સાધુ-સંતો પાસે સલાહ-સૂચન લઇ મંદિરમાં સારી સેવા થાય તેમજ ઊત્સવો ઊજવાય એ રીતે મંદિરને ગોકુળીયું ગામ જેવું બનાવી દીધું. ધાર્મિક પ્રવૃતિના અધ્યક્ષપદે રહી ઘણા મોટા યજ્ઞો, કથાઓ, પ્રવચન, સત્સંગ તેમજ મંદિરની પ્રવૃત્તિઓને આગળ વધારવામાં તેમનું યોગદાન ઘણું જ રહ્યું તેથી પ્રેસ્ટનવાસી ગર્વ અનુભવી રહ્યા છે.
યુ.કે.માં સ્થપાયેલ ઘણી સંસ્થા તેમાં નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ, હિન્દુ કાઉન્સિલ ઓફ નોર્થ, હિન્દુ કાઉન્સિલ ઓફ યુ.કે. તેમજ હિન્દુ ફોરમ ઓફ બ્રિટન, નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન જેવી મોટી સંસ્થાની સ્થાપનામાં તેમનો અગત્યનું અનુદાન રહ્યું છે, જે સંસ્થાઓ અત્યારે સુંદર કાર્ય કરી રહી છે. તેઓએ યુ.કે.ના અન્ય શહેરોના મંદિરોમાં સલાહ-સૂચન અને સહકાર આપ્યો, તેમજ પૂ. મોરારિબાપુની રામાયણ કથા તેમજ પૂ. રમેશભાઈ ઓઝાની ભાગવત કથાઓનું વિવિધ શહેરોમાં પહોંચાડવા, સુવ્યવસ્થા માટે તેઓ અગ્રસ્થાને રહ્યા હતા. તેઓ સી.બી. પટેલ (તંત્રી, ગુજરાત સમાચાર)ના ખાસ મિત્ર હતા. જેથી પ્રેસ્ટન મંદિરને આગળ લાવવામાં 'ગુજરાત સમાચારે' અગત્યનો ભાગ ભજવ્યો હતો.
છોટાભાઈ સાધુ-સંતોના ઘણા નિકટ હતા. જેથી તેમના પ્રત્યે તેઓનો પ્રેમભાવ ઘણો જ હતો. તેઓ પૂ. રામભક્ત અને પૂ. રામબાપાના ખાસ નિકટ હતા. તેઓની સાથે વિચાર-વિનિમય કરી પ્રેસ્ટન મંદિરને આગળ લાવવામાં ઘણું જ યોગદાન આપ્યું છે તે ભૂલાય તેમ નથી.
પ્રેસ્ટન મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રીરાધાકૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આ ભગત આત્માને વૈંકુઠમાં વાસ આપી શાશ્વત શાંતિ અર્પે તેવી અભ્યર્થના.
આદરણીય છોટાભાઈ પાછળ તેમના ધર્મપત્ની કુસુમબહેન, દીકરી શિલ્પાબહેન, જમાઈ દિલીપકુમાર, પુનિત અને પૂજા તેમજ તેમના બહેન બબુબહેન તેમજ તેમના પરિવારને ભગવાન આ વજ્રાઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવે છે.
ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિ
લિ. ગુજરાત હિન્દુ સોસાયટી પ્રેસ્ટનની વ્યવસ્થાપક સમિતિના જય શ્રીકૃષ્ણ