લંડનઃ બ્રિટનના સૌથી જૂના મુસ્લિમ સંગઠન અહેમદિયા મુસ્લિમ સમાજ દ્વારા હેમ્પશાયર ખાતે પાંચથી સાત ઓગસ્ટ દરમિયાન જલસા સાલાનાનું આયોજન કરાયું હતું. આ વાર્ષિક અધિવેશનમાં સમુદાયના 26,000 કરતાં વધુ સભ્યો હાજર રહ્યાં હતાં. અધિવેશનમાં અહેમદિયા મુસ્લિમ સમાજના વૈશ્વિક આગેવાન અને સમાજના ખલિફ (આધ્યાત્મિક નેતા) હિઝ હોલિનેસ હઝરત મિર્ઝા મસરૂર એહમદે આગેવાની આપી હતી.
હિઝ હોલિનેસે જણાવ્યું હતું કે, આપણા સમયમાં શાંતિ માટે આપણે ન્યાયી વર્તન કરવું જોઇએ. આપણે સન્માન અને સત્યતાથી વર્તવું જોઇએ. જેમ આપણે પોતાને પ્રેમ કરીએ છીએ તેવો જ પ્રેમ અન્યોને પણ કરવો જોઇએ. જે રીતે આપણએ આપણા પ્રિયજનોના અધિકારો માટે પ્રતિબદ્ધ છીએ તેવી જ રીતે આપણે અન્યોના અધિકારોની જાળવણી માટે પણ પ્રતિબદ્ધ રહેવું જોઇએ.
આપણે સંકુચિત સ્વાર્થની દુનિયામાંથી બહાર આવીને અન્ય તમામના સારા માટે કામ કરવા જોઇએ. મારું દ્રઢપણે માનવું છે કે, માનવજાત તેના રચયિતાને ઓળખશે નહીં, તેના અધિકારોને પરિપૂર્ણ કરશે નહીં, તેણે આપેલી આજ્ઞાઓનું પાલન કરશે નહીં ત્યાં સુધી વિશ્વમાં સાચી શાંતિ સ્થપાશે નહીં.
અહેમદિયા મુસ્લિમ સમાજના બ્રિટન ખાતેના પ્રમુખ રફિક હયાતે જણાવ્યું હતું કે, કોરોના મહામારીની સૌથી મહત્વની બાબત એ હતી કે આપણને આત્મનિરિક્ષણ અને સ્વ-પ્રતિબિંબની ચકાસણી કરવાનો સમય મળી રહ્યો. કોરોના મહામારી અને લોકડાઉનના સમયગાળામાં આપણે ધર્મના મામલાઓમાં વધુ રસ કેળવી શક્યાં હતાં. આપણને પવિત્ર કુરાનનો અભ્યાસ કરવાની મહામૂલી તક મળી અને તેમના જીવનની દિશા અને હેતુ પ્રતિબિંબત કરવાનો મોકો મળ્યો.
અહેમદિયા મુસ્લિમ સમાજના વાર્ષિક અધિવેશનનું અદ્દભૂત પાસું એ હતું કે, સમગ્ર આયોજન સ્વયંસેવકો દ્વારા કરાયું હતું.