અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર આચાર્ય સ્વામીજી મહારાજે ઓસ્ટ્રેલિયામાં પરિવ્રાજક સમ સત્સંગ વિચરણ કરીને હજારો હરિભક્તો પર સંસ્કાર વર્ષા કરીને સત્સંગની હરિયાળી પાથરી છે. તેના પરિપાક રૂપે આજે પર્થ, સિડની, મેલબોર્ન, એડિલેડ, બ્રિસ્બેન વગેરે શહેરોમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિતો વસે છે. તાજેતરમાં પર્થની સ્વાન રિવરમાં અષ્ટોત્તર શતનામ જનમંગલના નામોચ્ચાર સહ પૂજન અર્ચન સંપન્ન થયા બાદ પવિત્ર અસ્થિ પુષ્પોનું વિસર્જન કરાયું હતું.
વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના અસ્થિ પુષ્પ વિસર્જન અવસરે સ્વાન રિવરના કાંઠે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું મહિમા ગાન, ધૂન અને કીર્તન સ્તવન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના અનુગામી
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા મોટેરા સંતો-મહંતો અને હરિભક્તોએ અસ્થિ કુંભનું કંકુ-ચોખા, અબીલ ગુલાલ, પુષ્પોથી વૈદિક મંત્રોચ્ચાર સહ પૂજનઅર્ચન કર્યું હતું. જનમંગલના નામ રટણ સહ સર્વે સંતો - ભક્તોએ અસ્થિ કુંભને વધાવ્યો હતો.
સવારના માંગલિક વાતાવરણમાં સર્વે પૂજ્ય સંતો તથા હરિભક્તોએ સ્વાન રિવરના નીરમાં ઊભા રહી વિવિધ સંકલ્પોની પરિપૂર્તિ માટે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરી હતી. ત્યાર પછી અસ્થિ પુષ્પોનું વિસર્જન કરાયું હતું.
આચાર્ય સ્વામીજી મહારાજ એવા પુરુષ હતા કે જેમનું અસ્થિ વિસર્જન ચાણોદ, સાબરમતી નદી, મહિસાગર નદી, કડાણા ડેમ, પુણ્યસલીલા - ગંગા નદી, માંડવી સમુદ્ર, થેમ્સ રીવર - લંડન, લેઈક ડિસ્ટ્રિક્ટ - યુકે, મોમ્બાસા - હિન્દ મહાસાગર, આફ્રિકા અને પર્થન સ્વાન રિવર વગેરે સ્થળે થયું છે.