હેય્સના નવનાત સેન્ટર ખાતે 21 ઓગસ્ટ રવિવારના રોજ ભારતીય હાઇ કમિશન અને સમુદાય દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું હતું. બ્રિટનમાં ભારતના કાર્યકારી હાઇ કમિશનર સુજિત ઘોષ દ્વારા તિરંગો ફરકાવાયો ત્યારે દેશભક્તિનો જુવાળ ચરમસીમા પર પહોંચ્યો હતો. રાષ્ટ્રગીતના ગાયન બાદ સમગ્ર સેન્ટર ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યું હતું. જાણે કે નવનાત સેન્ટરમાં મીની ઇન્ડિયા ઉભરી આવ્યું હતું. ઉજવણીમાં વિવિધ કાર્યક્રમોની સાથે વિનામૂલ્યે ભોજન પીરસતા સ્ટોલ પણ ઊભા કરાયા હતા. ભારતના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિઓ અને વ્યંજનોનો રસથાળ અહીં જાણે કે પીરસાઇ રહ્યો હતો.
ભારતના કાર્યકારી હાઇ કમિશનર સુજિત ઘોષે ઉજવણીનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે, ભારત એક લોકતાંત્રિક દેશ તરીકે સફળ થશે કે કેમ તે અંગે ઘણા આંતરરાષ્ટ્રીય નેતાઓને શંકા હતી પરંતુ ભારતીયોએ તેમને ખોટા ઠેરવ્યા છે. ભારતમાં લોકશાહી ફક્ત વિકસી જ નથી પરંતુ સમૃદ્ધ પણ બની છે. વૈવિધ્યતા, એકતા, ગ્રામીણ સંસ્કૃતિ, ભાઇચારામાં સહઅસ્તિત્વ આપણા સમાજના ડીએનએના મૂળ તત્વો છે. આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ કરતું અર્થતંત્ર બની રહ્યો છે. ભારતનો વિકાસ વિશ્વ માટે પણ આર્થિક તકોનું નિર્માણ કરી રહ્યો છે. આ ક્ષણે વિશ્વ સામે રહેલા પડકારોનું સમાધાન શોધવામાં ભારત અગ્રીમ મોરચે છે. આજે ભારત રિસર્ચ અને વિકાસ, સંશોધન અને રચનાત્મકતાના અગ્રણી કેન્દ્રો પૈકીનો એક બની ચૂક્યો છે. ભારતની આઝાદીના 75 વર્ષની પૂર્ણાહૂતિ પર આગામી 25 વર્ષનું વિઝન આપણને વિકસિત ભારતની સંપુર્ણ ક્ષમતાઓની અનુભૂતિ કરાવશે. આ વર્ષે ભારત અને બ્રિટન વચ્ચેના રાજદ્વારી સંબંધોના પણ 75 વર્ષ પૂર્ણ થયાં છે. બ્રિટિશ સંસ્કૃતિ, સમાજ અને રાજનીતિને સમૃદ્ધ બનાવવામાં ભારતીય સમુદાયનો સિંહફાળો રહ્યો છે. આર્થિક, વ્યાવસાયિક અને શૈક્ષણિક ક્ષેત્રે ભારતીય સમુદાયે હાંસલ કરેલી સિદ્ધીઓ નોંધનીય અને આપણા તમામ માટે પ્રેરણારૂપ છે. ભારતીય સમાજ તેમની કર્મભૂમિ અને માતૃભૂમિ વચ્ચેના સેતૂ તરીકે કામ કરે છે.
આ પ્રસંગે હાજર રહેલા એમપી બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત અને સૌથી જૂની લોકશાહી બ્રિટન વચ્ચે પરસ્પર સહકારના કરારો થયાં છે અને દિવાળી સુધીમાં ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થઇ જશે. યુરોપિયન સંઘ છેલ્લા 25 વર્ષથી ભારત સાથે વેપાર કરાર કરવા પ્રયાસ કરી રહ્યો છે પરંતુ હજુ તેને સફળતા મળી નથી. ભારત અને બ્રિટનના ભૂતકાળ અને ભવિષ્ય એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે. બંને તેજસ્વી ભવિષ્ય ધરાવતા મહાન દેશ છે. આ દેશના વડાપ્રધાન બનવાની રેસમાં અંતિમ બે દાવેદારોમાં એક ભારતીય મૂળના સાંસદનો સમાવેશ ગૌરવપ્રદ બાબત છે. પાંચમી સપ્ટેમ્બરે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે જેનો પણ વિજય થશે તે ભારતનો સાચો મિત્ર બની રહેશે.
એમપી વિરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, બ્રિટનમાં ભારતીય સમુદાયે દરેક ક્ષેત્રમાં સિદ્ધીઓ હાંસલ કરી છે. આપણે અહીં સનાતન ધર્મના મૂલ્યો લાવ્યાં છીએ. સમગ્ર વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ માટે ભારતીય સમુદાય અને અન્ય સમુદાયો એકસાથે મળીને કામ કરે છે તેનો મને આનંદ છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સૌથી મહત્વનો સંદેશ વિશ્વને આપી રહ્યાં છે.
ફિલ્મ અભિનેતા અને ભારતમાં સાંસદ એવા રવિ કિશને જણાવ્યું હતું કે, તિરંગાને પ્રેમ કરો, ભારતને પ્રેમ કરો, ધરતીને પ્રેમ કરો, તમારી સંસ્કૃતિને પ્રેમ કરો તેવો પીએમ નરેન્દ્ર મોદીનો મેસેજ લઇને હું અહીં આવ્યો છું. સનાતન ધર્મ અને આપણી સંસ્કૃતિને ક્યારેય ભૂલશો નહીં.
સંબોધનો બાદ ઉજવણીમાં ભાંગડા, ઘૂમર અને બિહુ સહિતના ભારતના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા નૃત્યો અને કાર્યક્રમો રજૂ કરાયાં હતાં. ખો ખો ફેડરેશન ઓફ ઇંગ્લેન્ડ દ્વારા ભારતની પરંપરાગત રમત ખો ખોનું પ્રદર્શન કરાયું હતું. કર્ણાટકના સ્ટોલ પર પરંપરાગત રમતોએ આકર્ષણ જમાવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રખ્યાત રેડિયો એનાઉન્સર રવિ શર્માએ પોતાના બુલંદ અવાજમાં કર્યું હતું. (તમામ ફોટોઃ રાજ બકરાણિયા, PR MEDIA PIX)
સંસ્કૃતિ અને વ્યંજનોના ધ્વજધારક સ્ટોલ્સ
1. જમ્મુ-કાશ્મીર
2. યુગાન્ડન એશિયન્સ
3. રંગોલી સ્વીટ માર્ટ
4. જૈમિન 5. એનસીજીઓ
6. મેહેર કોમ્યુનિટી એસોસિએશન
7. સ્પિરિટ ઓફ યુનિટી
8. વિવેકાનંદ હ્યુમન સેન્ટર લંડન
9. જલારામ જ્યોત મંદિર
10. આશ્રમ લેમ્બેથ એશિયન ડે સેન્ટર
11. નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ
12. ગુજરાતીઝ ઇન યુકે
13. ઝોરાષ્ટ્રિયન ટ્રસ્ટ યુકે
14. બીએપીએસ શ્રી સ્વામીનારાયણ સંસ્થા
15. તેલંગણા એસોસિએશન ઓફ યુકે
16. ઇન્ડિયન્સ ઇન લંડન
17. ફેડરેશન ઓફ આંબેડકરાઇટ્ એન્ડ બુદ્ધિસ્ટ ઓર્ગેનાઇઝેશન યુકે
18. હેરિટેજ બેંગાલ ગ્લોબલ
19. મેય મરાઠી
20. મોહનજી
21. મહારાષ્ટ્ર મંડળ લંડન
22. સિટીબોન્ડ ટ્રાવેલ
23. મુક્તિ ચા
24. તેલંગણા એનઆરઆઇ ફોરમ
25. હરિયાણા એસોસિએશન યુકે
26. મલયાલી એસોસિએશન ઓફ યુકે
27. યુનાઇટેડ આસામ એસોસિએશન
28. કન્નડીગારુ યુકે
29. મંગલમ કલ્ચરલ
30. ઉત્તરપ્રદેશ કોમ્યુનિટી એસોસિએશન યુકે
31. હાર્ટફૂલનેસ
32. અક્ષયપાત્ર ફાઉન્ડેશન
33. રાજસ્થાન એસોસિએશન
34. શ્રી ગુરૂ રવિદાસ સભા
35. શ્રી જગન્નાથ સોસાયટી
36. ઇન્સ્પાયરિંગ ઇન્ડિયન વિમેન
37. આઇસીઆઇસીઆઇ બેન્ક
38 પંજાબ નેશનલ બેન્ક
39. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
40. ઇન્ડિયન હાઇ કમિશન