આણંદ: નગરના અક્ષરફાર્મ ખાતે પૂ. મહંત સ્વામી મહારાજના પ્રત્યક્ષ સાંનિધ્યમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે કૃષ્ણલીલા અંતર્ગત કાલિય દમન કંસનો સંહાર, મટકી ફોડ વગેરે લીલાઓને પ્રસ્તુત કરી હતી. ત્યાર બાદ વિવિધ ક્લાત્મક હારથી પૂ. સ્વામીનું સન્માન કરાયું હતું.
કાર્યક્રમના પ્રારંભે મહાભારતમાં નિરૂપણ થયેલ ભગવાન શ્રીકૃષ્ણના ઐશ્વર્યનું નિરૂપણ કરતા વીડિયોની પ્રસ્તુતિ કરવામાં આવી. ત્યાર બાદ ટોક શો રજૂ થયેલ જેમાં રસિકવિહારીદાસ સ્વામીએ ભગવાન શ્રીકૃષ્ણના જીવન ચરિત્રો, ગોપીઓની ભક્તિ વગેરે પ્રસ્તૃત કર્યા હતા. અટલાદરા ખાતે પ્રખુખસ્વામી મહારાજના સાનિધ્યમાં ઉજવાયેલા જન્માષ્ટીના ઉત્સવની ઝાંખી વીડિયો માધ્યમથી કરવામાં આવી હતી.
આ પ્રસંગે આશીર્વાદ આપતા પૂ. મહંત સ્વામીએ જણાવ્યું હતું કે જ્યાં સાચો ભાવ હોય, અંતરની ભક્તિ હોય તે દેખાય છે. જેમાં ભગવાનનો આનંદ આવે છે, આજે કૃષ્ણલીલા આપણે જોઇ એમાં ભગવાનના આનંદનો અનુભવ થાય છે. લૌકિક ક્રિયા - પદાર્થ માટે આપણે જે કંઇ કરીએ છીએ એ રીતે ભગવાનનો આનંદ આવશે. આ રીતે સદાય ભગવાનના આનંદમાં રાચીએ તેવી ભગવાનને પ્રાર્થના.’ આ પછી પ.પૂ. મહંત સ્વામીએ આરતી ઉતારી હતી અને યુવકોએ જન્મોત્સવના કીર્તિનો રજૂ કર્યા હતા. બાળકોએ જન્મોત્સવના નૃત્ય કર્યા હતા. દરમિયાન સ્વામીએ ઠાકોરજીને પારણામાં ઝુલાવ્યા હતા. આ પ્રસંગે ઠાકોરજી સમક્ષ કલાત્મક અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.