લંડનઃ ડેન્હામ સ્થિત અનુપમ મિશન ખાતે ગુરુપૂર્ણિમા પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોને સંબોધતા ગુરુહરિ સંત પ.પૂ. ભગવંત સાહેબજીએ કહ્યું કે ‘અમારા ગુરુ બહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજે બાળમંડળ, યુવકમંડળની સ્થાપના કરી અમને પાયામાં શિક્ષણ આપ્યું કે, આપણા જીવનમાં ત્રણ વ્યક્તિઓનું સ્થાન સર્વોપરિ રાખવું, જેમાં એક તો પોતાનાં ઈષ્ટદેવ, બીજા પોતાના ગુરુ અને ત્રીજા પોતાનાં માતાપિતા. આપણા હૃદયમાં પણ તેમનું સ્થાન સર્વોચ્ચ હોવું જોઈએ એટલે કે તેમની આજ્ઞાનું પાલન સર્વ રીતે કરવું જોઈએ. જીવનમાં જેને ગુરુ માનીએ છીએ તેમની આજ્ઞા જરૂરી પાળીએ.
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘શ્રી રામચંદ્રજીએ વશિષ્ઠ ઋષિને પોતાના ગુરુ માન્યા. ભગવાન શ્રીકૃષ્ણજીએ સાંદિપની ઋષિને ગુરુ માની તેમની પાસેથી શિક્ષા ગ્રહણ કરી અને ભગવાન શ્રી સ્વામિનારાયણે શ્રી રામાનંદ સ્વામિને પોતાના ગુરુ માન્યા. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય અને અજ્ઞાન ટાળીને જ્ઞાનમય જીવન જીવતાં કરે તે ગુરુ. જન્મમરણના ચકરાવામાંથી બહાર કાઢીને છેલ્લો જન્મ કરે તે ગુરુ, એ ‘ગુણાતિત’. ભગવાનની સાચી ઓળખાણ થાય તે માટે ગુરુ જોઈએ. એ ગુરુ પ્રભુમય-પ્રભુરૂપ હોવા જોઈએ તો જ આપણને પ્રભુમાં લીન કરે.’
ગુરુહરિ સંત ભગવંત સાહેબજીએ કહ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણની હયાતીમાં 3000 સંતો હતાં, તેમાં 500 તો પરમહંસો હતાં પણ તેમાંથી ગુરુ ગુણાતિતાનંદ સ્વામી એવા હતાં કે જેઓએ ભક્તોને ભગવા તરફ વાળીને તેમનાં જીવન પરિવર્તન કર્યાં. કોઈકે સ્વામીને પૂછ્યું કે, ‘સ્વામી આપનો બહુ મહિમા સાંભળ્યો છે, તો આપે કંઈક યોગ શીખ્યા છે? સંસ્કૃત શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો છે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે ‘જેમ નાનું બાળક કાદવમાં રમવા જાય, ધૂળવાળો - મેલો થાય અને એના બાપ પાસે જવું હોય તો જેમ માતા નવડાવીને ચોખ્ખો કરીને બાપનાં ખોળામાં આપે તેમ માયારૂપ અંધકારમાં દુઃખી થતાં માનવોને સાફસુથરાં કરીને ભગવાનનાં ચરણાવિંદમાં મૂકવાનું કામ અમને આવડે છે. આવા સત્પુરુષમાં ભગવાન પ્રગટ છે તેવા ભાવથી તેમની આજ્ઞાનું પાલન કરીએ તે જ સાચું ગુરુપૂજન છે. આવા ગુણાતીત સત્પુરુષો આપણને સેવાઓમાં પ્રવૃત્ત રાખી આપણાં સ્ભાવો અને દોષ ઓગાળી દે છે. કોઈ પણ પ્રકારની ખટપટ, માથાકુટ કે નિંદામાં ન પડીને નિર્દોષબુદ્ધિ રાખીશું તો સાચા હરિભક્ત કહેવાશું. સૌનો મહિમા સમજીને કેવળ ગુણ જ જોવા અને ગુરુવચને સેવા-ભક્તિ કરીએ એવી અદભૂત સમજણ ગુરુહરિ સાહેબજીએ સૌને આપી હતી.
અંતમાં શ્રીજી મહારાજના ચરણાવિંદ અને પાદુકાપૂજનનો સહુએ લ્હાવો લીધો હતો. સહુ હરિભક્તોએ વારાફરતી ગુરુવર્ય સાહેબજીના આશીર્વાદ લીધા બાદ પૂ. દિલીપદાસજીના હસ્તે બ્રહ્મસ્વરૂપ યોગીબાપાએ સાહેબજીને આપેલી અક્ષરપુરુષોત્ત - શાસ્ત્રીજી મહારાજ - યોગીબાપાની પ્રતિમાની નાની મૂર્તિની સ્મૃતિભેટ મેળવી હતી. ખૂબ જ મોટી સંખ્યામાં ઉમેટેલા ભક્તોએ મહાપ્રસાદ માણી ધન્યતા અનુભવી હતી. આમ ગુરુહરિના પ્રત્યક્ષ સાંનિધ્યમાં ભારે ભક્તિભાવપૂર્વક ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો હતો.