લંડનઃ લંડનમાં દાઉદી વોરા સમાજ દ્વારા આયોજિત 10 દિવસિય અશરા મુબારક આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજર રહીને ઇતિહાસ સર્જ્યો હતો. હિઝ હોલિનેસ સૈયદના મુફદ્દલ સૈફુદ્દિન સાહેબે દાઉદી વોરા સમાજને માદરે વતનમાં સ્થિતિ સુધારવામાં મદદ કરવાની સાથે સાથે વસવાટના દેશોમાં હકારાત્મક યોગદાન આપવા પ્રોત્સાહન આપ્યું હતું.
સંમેલનમાં પોતાના સંદેશમાં હિઝ હોલિનેસે જણાવ્યું હતું કે, શંકાને કોઇ સ્થાન ન રહે તેવી પ્રતિબદ્ધતા સાથે તમારા પોતાના પર વિશ્વાસ કરો. તમારા સમયનો ડહાપણપુર્વક ઉપયોગ કરો. હંગામી બાબતો કાયમી અને લાંબાગાળાની બની રહે તે રીતે પરિવર્તિત કરો. હિઝ હોલિનેસે સંમેલનમાં પરમ પવિત્રતાએ શારીરિક અને આધ્યાત્મિક પોષણ અને ભરણપોષણની ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપણા શરીરોની જેમ આપણા આત્મા અને હૃદયને તકેદારીની જરૂર છે કારણ કે આપણે જે ગ્રહણ કરીએ છીએ તેની અસર આપણા શરીરોની જેમ આત્મા પર પણ થાય છે.
આત્મિક અને શારીરિક વિકાસ એક સાથે સમાંતર રીતે થાય છે. સમગ્ર વિશ્વમાંથી આવેલા મેડિકલ સેક્ટરમાં ફરજ બજાવતા દાઉદી વોરા સમુદાયના વ્યાવસાયિકોએ અશરા મુબારક દરમિયાન તેમની નિપુણતા અને સમય સાથે સ્વેચ્છાએ સેવાઓ આપીને સમાજના લોકોને વિનામૂલ્યે નિદાન અને માર્ગદર્શન પૂરા પાડ્યાં હતાં. આત્મા અને આપણી આસપાસ શુદ્ધતા માટે યોગ્ય સ્વચ્છતા, સેનિટેશન, સુએજ, પાણીની સુરક્ષા, વેસ્ટ મેનેજમેન્ટ સુનિશ્ચિત કરવા સમગ્ર અશરા મુબારક દરમિયાન દાઉદી વોરા સ્વયંસેવકોએ વિવિધ જાગૃતિ કાર્યક્રમો આયોજિત કરાયાં હતાં.