લંડનઃ મૂર કિંગ્સ્ટન સ્મિથનું વાર્ષિક દીવાળી રિસેપ્શન ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યતા અને સમૃદ્ધિની કદર કરવાનો મહામૂલો પ્રસંગ બની રહ્યો હતો. ઉજ્જવળ ભવિષ્યના લક્ષ્ય સાથે મૂળિયાંને યાદ કરવા ભારતીય ડાયસ્પોરાએ 2 નવેમ્બર ગુરુવારના આ રિસેપ્શનમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
દીવાળી રિસેપ્શન કાર્યક્રમમાં મુખ્ય વક્તા લોર્ડ ડોલર પોપટે જણાવ્યું હતું કે,‘ દીવાળી, આનંદ, એકતા અને ઉજવણીના સમયની સાથોસાથ અંધકારમાં પ્રકાશને નિહાળવાનો સમય છે.’ તેમણે ઉમેર્યું હતું કે,‘ બ્રિટિશ ભારતીયો યુકેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણે સખત મહેનત, શિક્ષણ, ઉદ્યોગસાહસ, પરિવાર, ધર્મ અને મૂલ્યોમાં માનીએ છીએ. વસ્તીનો આશરે 3 ટકા હિસ્સો GDPમાં 7 ટકાનું યોગદાન આપે છે. કોમ્યુનિટી માટે આ અભૂતપૂર્વ સફળતા છે. યુકે ઈમિગ્રન્ટ્સ માટે શ્રેષ્ઠ દેશ છે. જો તમે અહીં આવો, સખત મહેનત કરો, બધા સાથે હળોમળો અને હાથમાં આવતી બધી તક ઝડપી લેશો તો સફળતા તમારી જ છે.’
લોર્ડ પોપટે જણાવ્યું હતું કે,‘હું હવે યુકે-ભારત વેપાર સંબંધો વિશે વાત કરીશ. આપણે ભારતમાં અકલ્પનીય પરિવર્તનને નિહાળી રહ્યા છીએ. વડા પ્રધાન મોદી મહાન ગતિશીલ નેતા છે. તેમણે રોકાણોમાં બાકીના વિશ્વને સાંકળી લીધું છે. તેઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઈન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, આ પ્રક્રિયાને ઝડપી બનાવી રહ્યા છે અને તે જ ભારતીય અર્થતંત્રમાં મોટો તફાવત સર્જી રહેલ છે. આપણે યુકેમાં ભારતને અવગણી શકીએ નહિ. આ જ બાબતને આફ્રિકાને લાગુ પડે છે. હવે ગ્લોબલ બનવાનો સમય છે. બ્રેક્ઝિટ પછી આપણે અન્ય દેશો સાથે જોડાણ સાધી રહ્યા છીએ, આપણે સમગ્ર વિશ્વ સાથે જોડાણ કરવા માગીએ છીએ. ગત 40 વર્ષમાં આપણે યુરોપિયન યુનિયન સિવાય અન્યત્ર કશે નજર જ નાખી નથી.’
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને એડિટર ઈન ચીફ સી.બી પટેલે કહ્યું હતું કે,‘તમને સહુને હેપી દીવાળી. વિશ્વમાંથી કોઈ પણ સ્થળેથી અહીં યુકેમાં આવનારા બધા જ માટે આ સમય સમીક્ષા, પુનરુત્થાન અને પુનઃ જોડાણનો છે. આપણે બધાએ આપણા પૂર્વજોના કઠોર પ્રયાસો, નીતિઓ અને મૂલ્યોને યાદ રાખવા જોઈએ અને તેમના નકશેકદમનું અનુસરણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. દીવાળીનો સમય છે, આપણે જ્યારે રામ અને રામાયણની વાત કરીએ છીએ ત્યારે આજના વિશ્વમાં આપણને મર્યાદા પુરુષોત્તમની જરૂર છે. હિંસાની કરૂણાંતિકામાં આપણે મૃત્યુ પામેલા તમામ લોકો અને વિનાશને પણ યાદ રાખવા જોઈએ.’
મૂર કિંગ્સ્ટન સ્મિથ LLPના પાર્ટનર વિજય તન્ના FCCAએ ગત 501થી વધુ વર્ષો દરમિયાન એશિયન અને વ્યાપક સમાજને આપેલા યોગદાન બદલ સીબી પટેલની પ્રશંસા કરી હતી.
ઈન્ડિયા ટીમના અગ્ર પાર્ટનર ઈઆન મેથ્યુઝ દ્વારા સ્વાગત કરાયું હતું જ્યારે કાશ્મીરા સુન્ની દ્વારા સુંદર સાંસ્કૃતિક પરફોર્મન્સીસની રજૂઆત કરવામાં આવી હતી.