ઇન્ડિયા ગાર્ડન્સઃ એકતાના સામર્થ્યને મૂર્તિમંત કરશે

શ્રી કચ્છ લેઉઆ પટેલ કમિટી (યુકે) દ્વારા 20 મિલિયન પાઉન્ડના પ્રોજેક્ટ માટે સમારોહ યોજાયો

Wednesday 24th May 2023 05:50 EDT
 
 

લંડનઃ શ્રી કચ્છ લેઉઆ પટેલ કમિટી (એસકેએલપીસી) યુકે દ્વારા નોર્થહોલ્ટ ખાતે 17 મે 2023ના રોજ ઇન્ડિયા ગાર્ડન્સ પ્રોજેક્ટના ઐતિહાસિક સમારોહનું આયોજન કરાયું. આ પ્રોજેક્ટ દ્વારા સમુદાયના ઉત્થાન માટેની નોંધપાત્ર સિદ્ધી હાંસલ કરાઇ છે. ઇન્ડિયા ગાર્ડન્સ સ્પોર્ટ્સ અને કોમ્યુનિટી સેન્ટર માટેનો 20 મિલિયન પાઉન્ડનો સ્વયંપોષી પ્રોજેક્ટ છે.
કોઇ પણ નિર્માણકાર્ય પહેલાં કરાતો શિલાન્યાસ પવિત્ર હિન્દુ વિધિ છે. આ પ્રસંગે આચાર્ય દિનેશ શુકલા અને જિતુ મહારાજ દ્વારા પૂજનવિધિ કરાઇ હતી. પૂજનવિધિઓ બાદ ભૂજ સ્વામીનારાયણ મંદિરના સંતોના માર્ગદર્શન હેઠળ દાતાઓ અને મહેમાનો દ્વારા શિલાન્યાસના સ્થળે આશીર્વાદિત ઇંટો માથા પર મૂકીને લવાઇ હતી. વધુ વિધિઓ 29 મે 2023ના રોજ પણ જારી રહેશે. આ દિવસે સમગ્ર એસકેએલપીસી શિલાન્યાસની પૂજા માટે એકઠી થશે અને નવી ઇમારતના પાયામાં ઇંટ મૂકવા માટેની તક દરેક સભ્યને અપાશે.
પૂજન આરતી વિધિમાં ભૂજ સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સંત પુરાણી મહાપુરુષદાસજી સ્વામી અને ડો. સત્યપ્રસાદજીસ્વામી દ્વારા આશીર્વાદ અપાયા હતાં. સ્વામી મહાપુરુષદાસજીએ જણાવ્યું હતું કે, આ પ્રયાસ કચ્છીઓનું ભાવિ વધુ ઉજ્જવળ બનાવશે. હું લેઉઆ પટેલ સમુદાયને આ ઐતિહાસિક પ્રોજેક્ટમાં સહયોગની અપીલ કરું છું.
લેઉઆ પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઇ માવજીભાઇ ગરાસિયાએ જણાવ્યું હતું કે, ઇન્ડિયા ગાર્ડન્સ ભારત અને યુકેમાં વસતા કચ્છીઓ વચ્ચેનો સેતૂ છે. સમુદાયને એકજૂથ કરવામાં એસકેએલપીસી પ્રશંસનીય કામગીરી કરી રહી છે. હવે આ પ્રોજેક્ટને સમર્થન આપવાની જવાબદારી વિશ્વમાં ગમે ત્યાં રહેતા સમાજના તમામ લોકોની છે. ભૂજ લેઉઆ પટેલ માતૃસંસ્થા પણ આ પ્રોજેક્ટમાં મદદ કરશે.
દાતાઓ દેવશીભાઇ ભુડિયા, પંકજ ગોરાસિયા, જિતુભાઇ હલાઇ, સામજીભાઇ દબાસિયા, મિતેશભાઇ વેકરિયા, સુરેશભાઇ રાદડિયા, જયેશભાઇ હિરાણી, યુકે સમાજના પ્રમુખ વેલજીભાઇ વેકરિયા, કચ્છના અગ્રણી પત્રકાર વસંત પટેલ, એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ દેવેન્દ્રભાઇ વાઘજીઆણીએ મહેમાનોનો આવકાર કર્યો હતો.
સ્થાનિક સાંસદો બોબ બ્લેકમેન, ગેરેથ થોમસ, કૃપેશ હિરાણી એએમ, મેયર રામજી ચૌહાણ, મેયર હિતેશ ટેલર, કાઉન્સિલર અંજના પટેલ, ગુજરાત સમાચાર – એશિયન વોઇસના ચેરમેન અને એડિટર ઇન ચીફ સી બી પટેલ, ભારતીય હાઇ કમિશનના મિનિસ્ટર કોઓર્ડિનેશન દિપક ચૌધરી સહિત કાઉન્સિલરો, સમાજના સભ્યો આ વિશેષ પ્રસંગે હાજર રહ્યાં હતાં.
એસકેએલપીસી યુકેના પ્રમુખ માવજી ધનજી જાદવા વેકરિયાએ જણાવ્યું હતું કે, ઇન્ડિયા ગાર્ડન્સ આપણા સમાજના વિકાસ અને મહત્વાકાંક્ષાનું પ્રતીક છે. સમાજના સભ્યોની સહાય અને પ્રતિબદ્ધતા માટે અમે આભારી છીએ. ઇન્ડિયા ગાર્ડન્સ એકતાની જ્યોત તરીકે કામ કરીને સ્પોર્ટ્સ, એજ્યુકેશન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વ્યાપક તકો પૂરી પાડશે.
એસકેએલપીસી યુકેના જનરલ સેક્રેટરી રવિ ધનજી વરસાણીએ જણાવ્યું હતું કે, ઇન્ડિયા ગાર્ડન્સનો સમારોહ સમાજની મુસાફરીનો નવો અધ્યાય છે. આ સેન્ટર આપણા સમાજા મૂલ્યો અને આત્માનો કરાર બની રહેશે.
ઇન્ડિયા ગાર્ડન્સના નિર્માણમાં 3 વર્ષનો સમય લાગશે
શ્રી કચ્છ લેઉવા પટેલ કમિટી યુકેનો પ્રારંભ યુકેમાં 50 વર્ષ પહેલાં કરાયો. સ્વપોષિત એવી આ સંસ્થા શિક્ષણ, સ્પોર્ટ્સ અને કલ્ચર દ્વારા તેના સભ્યોના જીવનો સમૃદ્ધ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. હાલ આ સંસ્થાના 25000 કરતા વધુ સભ્યો છે. એસકેએલપીસી યુકે હવે બ્રિટિશ સમાજનો હિસ્સો બની ચૂકી છે. આ સંસ્થા બિઝનેસ, ઉદ્યોગો, સમુદાય અને રાજનીતિમાં મૂલ્યવાન યોગદાન આપી રહી છે. કમિટીના સભ્યો અને સ્થાનિક સમાજના ઉત્કર્ષ માટે સંસ્થાએ ઇન્ડિયા ગાર્ડન્સ કોમ્પ્લેક્સનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કર્યો છે જે સ્પોર્ટ્સ અને કોમ્યુનિટી ઇવેન્ટ્સનું કેન્દ્ર બની રહેશે. 3 વર્ષમાં નિર્માણ થનારું આ કોમ્પ્લેક્સ યુવાઓને પ્રેરણાદાયી અને તેમની સ્પોર્ટ્સની ક્ષમતાઓને નવા આયામ આપે તેવી આધુનિક સુવિધાઓ સાથેનું રહેશે. હાલ કોમ્યુનિટી દ્વારા 7 ટીમ સાથેની ક્રિકેટ ક્લબનું સંચાલન કરાય છે અને તેની ટ્રેનિંગ એકેડેમીમાં 125 તાલીમાર્થી છે. એસકેએલપીસી યુકે દ્વારા દર વર્ષએ ફૂટબોલ ટુર્નામેન્ટનું પણ આયોજન કરાય છે. જેમાં જુનિયર અને સીનિયર ખેલાડીઓની 50 કરતાં વધુ ટીમ ભાગ લેતી આવી છે. નવી સુવિધાઓને પગલે બેડમિંગ્ટન લીગ અને વોલિબોલ ટુર્નામેન્ટને નવા આયામ પ્રાપ્ત થશે. કોમ્યુનિટી દ્વારા યુરોપના સૌથી મોટા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાય છે જેમાં રોજના 3000 કરતાં વધુ લોકો ભાગ લે છે. ઇન્ડિયા ગાર્ડન્સ દ્વારા તમામ વયજૂથના લોકોની જરૂરીયાતો પૂરી કરાશે. વડીલો અહીં સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લઇ શકશે. બાળકો માટે અહીં એક અલગ જ વાતાવરણ સર્જવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter