લંડનના મંદિરો પર તસ્કરોએ તરાપ મારવાના સમાચારોમાં વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. ગત ૬, ડિસેમ્બર, ગુરૂવારની રાત્રે ઇલ્ફર્ડ-એસેક્સના ક્લીવલેન્ડ રોડ પર આવેલ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) સંચાલિત મંદિરમાં દાનપેટી તોડી તસ્કરોએ લગભગ £૫૫૦ થી £૬૦૦ની રકમ ચોરી હોવાના સમાચાર સાંપડ્યા છે. ‘ગુજરાત સમાચાર’ના મેનેજીંગ એડિટર કોકિલા પટેલે શુક્રવારે આ VHP હિન્દુ મંદિરના ચેરમેન શ્રી દર્શન ચોઢા સાથે ફોન પર વાતચીત કરતાં મળેલી માહિતી મુજબ, ‘રાત્રે મંદિર બંધ કર્યા પછી ત્યાં પૂજારી કોઇ રહેતું નથી. પરંતુ મંદિરમાં CCTVના કેમેરા ગોઠવાયેલા છે એમાં પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે ઇસ્ટર્ન યુરોપિયન જેવો દેખાતો એક પુરુષ અને સ્ત્રી દાનપેટીને તોડી એમાંથી રોકડ રકમ કાઢતાં દેખાય છે. મૂર્તિઓ ઉપર બનાવટી ઘરેણાં હતાં એટલે કદાચ મૂર્તિઓને અડક્યાં નથી.’
આ ઉપરાંત ટીવી ફૂટેજમાં એવું માલૂમ પડ્યું છે કે મંદિરના બારણાં બંધ થતા પહેલાં જ ચોરીછૂપીથી અંદર ઘૂસી સંતાઇ રહ્યો હશે ત્યારપછી રાત્રે ૧૨ વાગ્યે મંદિરના હોલમાં બધું સરવે કર્યા પછી અંદરથી બારી ખોલી સ્ત્રી સાગરિતને બોલાવી હશે. મંદિરના મુખ્ય દ્વાર અને બારીઓ બહારથી કયાંય ખંડિત કે તોડ્યા હોવાનું પોલીસને દેખાતું નથી.
ઇસ્ટર્ન યુરોપિયનોને હવે ખબર પડી છે કે એશિયનો ખાસ કરીને ઇન્ડિયનો પાસે સોનાનાં ઘરેણાં સૌથી વધારે હોય છે એટલે ઇન્ડિયનો અને એમના ઘરોને ટારગેટ બનાવ્યાં છે હવે હિન્દુ મંદિરોમાં દાનપેટીઓ અને અલંકારોથી સજાવેલી દેવી-દેવતાઓની મૂર્તિઓ ઉપર તરાપ મારવાનો નવો કિમિયો અજમાવવો શરૂ કર્યો હોય એવું લાગે છે.