લંડનઃ ઈન્ડિયન એસોસિએશન ઓલ્ડહામ દ્વારા તેની સુવર્ણજયંતીની એક સપ્તાહની ભવ્ય ઉજવણીનું રવિવારે સમાપન થયું હતું. નોર્થ વેસ્ટમાં આવો આ સૌથી મોટો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં હજારો લોકો જોડાયા હતા. તેની ઉજવણી ભારતના પૂ. નારાયણચરણદાસજી દ્વારા આધ્યાત્મિક પ્રવચન, ભારતીય શાસ્ત્રીય અને બોલિવુડ નૃત્ય, સંગીત, ગીતો, રંગબેરંગી કોસ્ચ્યુમ્સ સાથે નાટકો, આતશબાજી, કીડ્સ ઝોન, પચાસ વર્ષના ઈતિહાસનું પ્રદર્શન અને સમગ્ર અઠવાડિયા દરમિયાન મફત ભોજન સાથે થઈ હતી.
૧૯૬૮માં ભારતના ભૂતપૂર્વ જજ સ્વ. જગતસિંહજી એમ સિસોદીયાએ એસોસિએશનની સ્થાપના કરી હતી. આ એસોસિએશને ગ્રેટર માન્ચેસ્ટર પર વિશિષ્ટ છાપ ઉભી કરી છે. ચેરિટી સંસ્થા દ્વારા મંદિર, રમત ગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓ માટેના વિશાળ હોલ સાથેનું કોમ્યુનિટી સેન્ટર બાંધવામાં આવ્યું હતું, ડાઈનિંગ એરિયા, શિક્ષણ રૂમો અને ૫૦થી વધુ વયના લોકો માટે લંચઓન ક્લબની સુવિધા સાથે સેન્ટરનું વિસ્તરણ કોમ્યુનિટીના ભંડોળ દ્વારા જ કરવામાં આવ્યું છે.
આ ઉજવણીમાં ઓલ્ડહામના મેયર કાઉન્સિલર શાદાબ કમર, સાંસદ જીમ મેકમોહન અને કેટલાંક કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં મહાનુભાવોએ હાજરી આપી હતી. ભારતીય સમુદાયનીપ્રશંસા કરતા મેયર શાદાબ કમરે જણાવ્યું હતું, ‘આપણા સમાજમાં એસોશિએશનની ખૂબ પ્રતિષ્ઠા છે. વર્ષો પહેલા સ્વ. જગતસિંહજીએ એક બીજ વાવ્યું હતું અને સારા લોકોએ તેનું કરતા તે હવે સુંદર વૃક્ષ બની ગયું છે. આ સિદ્ધિ માટે આપ સૌએ ગર્વ લેવો જોઈએ.’
સાંસદ મેકમોહને શાનદાર ઉજવણી બદલ એસોસિએશનને અભિનંદન પાઠવ્યા હતા. સ્લેટર સ્ટ્રીટના એક મકાનથી અત્યારના વિશાળ કોમ્યુનિટી સેન્ટર સુધીની વિકાસશીલ સફરમાં સમર્પિત ભાવે પોતાનું યોગદાન આપવા બદલ તેમણે ભરાતીય સમુદાયની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું,‘ આપણા સમાજ, શહેર અને દેશ માટે આપે જે યોગદાન આપ્યું છે તે બદલ આપનો આભાર માનું છું.’
આ નિમિત્તે શહેરમાં ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ હતી. લોકોએ તેમાં ઢોલનગારાના તાલે પરંપરાગત નૃત્ય રજૂ કર્યા હતા. તેમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ખૂબ સુંદર સુશોભિત ફ્લોટ્સ પણ સામેલ હતા. સૌ કોઈ તેમાં જોડાતા શહેરમાં ખૂબ ઉત્સાહપૂર્ણ વાતાનરણ સર્જાયું હતું.
મિઠાઈની શોપના માલિક મિ. અને મિસિસ એહમદે શોભાયાત્રામાં જોડાયેલા તમામ લોકોને મિઠાઈ વહેંચી હતી.
એસોસિએશનની પ્રગતિમાં યોગદાન આપવા બદલ ૧૦૦થી વધુ લોકોનું ટ્રોફી આપીને સન્માન કરાયું હતું. તેમાં સ્વ. જગતસિંહજી સિસોદીયાને ફાઉન્ડર મેમ્બર ટ્રોફી, રામસિંહજી કુંપાવતને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ તેમજ વિષ્ણુભાઈ મોહનદાસ, ડો. આર શેટ્ટી, ભરતકુમાર સિસોદીયા, શશીભાઈ મોહનદાસ અને દિનેશભાઈ ચૌથાણીને સ્પેશિયલ કોન્ટ્રિબ્યુશન એવોર્ડ એનાયત કરાયા હતા.
એસોસિએશનના પ્રમુખ શશીભાઈ મોહનદાસે જણાવ્યું હતું કે કોમ્યુનિટી સેન્ટરની નજીકમાં ભારતીય સમાજના વડીલ સભ્યો માટે પર્પઝ બિલ્ટ યુનિટ બાંધવાનું એસોસિએશનનું ભાવિ આયોજન છે.
ટ્રસ્ટી ભરતકુમાર સિસોદીયાએ જણાવ્યું હતું કે ઓલ્ડહામનો ભારતીય સમાજ ભારતની તમામ દિશા, વિવિધ ભાષા અને સાંસ્કૃતિક ભૂમિકાના લોકોનું એક અદભૂત ગ્રૂપ છે.