લંડનઃ શાળાઓમાં ઉનાળાની રજા પડી છે ત્યારે બોરેહામવૂડના કાઉલી હિલના સેંકડો બાળકોને ભૂખ્યાં રહેતાં બચાવવા સ્થાનિક સંસ્થાઓએ તેમને બપોરનું પોષણયુક્ત ભોજન પુરું પાડવા સંયુક્ત પ્રયાસ હાથ ધર્યો છે. છ સપ્તાહની ઉનાળાની રજાઓ (૨૨ જુલાઈથી ૧ સપ્ટેમ્બર) સુધી ચાલનારા આ સંયુક્ત પ્રોજેક્ટમાં કાઉન્સિલર મીનલ સચદેવ, સ્થાનિક ચેરિટી ગ્રેટિટ્યૂડ, GMSP ફાઉન્ડેશન, કમ્પેશન લંડન અને હર્ટ્સમીઅર બરો કાઉન્સિલે હાથ મિલાવ્યાં છે.
દેશના સૌથી વંચિત વિસ્તારોમાં એક કાઉલી હિલમાં સ્થાનિક શાળાઓ અને પેરન્ટ્સ નેટવર્ક સાથે મળીને વધારાના પૌષ્ટિક આહારની જરૂર હોય તેવા સેંકડો બાળકો અને પરિવારોની ઓળખ કરાઈ રહી છે. આ વિસ્તારમાં ૨૦૦ બાળકને તાજું રાધેલું શાકાહારી ભોજન અપાય છે અને ઓગસ્ટના આરંભ સુધી ૧,૦૦૦ મધ્યાહ્ન ભોજનના લક્ષ્યને પહોંચી વળવા ક્ષમતા વધારાઈ રહી છે.
આ પ્રોજેક્ટના સહયોગીઓએ કામગીરી વહેંચી લીધી છે. લીઓન આર્ટ્સ દ્વારા સ્થાપિત કમ્પેશન લંડન પહેલમાં પ્રોફેશનલ શેફ્સ, સ્વાદરસિયાઓ, એકાઉન્ટન્ટ્સ, પેરન્ટ્સ અને યુવાન વોલન્ટીઅર્સનું ગ્રૂપ છે. આ લોકો જરુરિયાતમંદો માટે મેક્રોની ચીઝ, ક્રીમી ટોફુ, બાફેલા વટાણા, પાસ્તા/વેજિટેબલ, રાઈસ સાથે વેજિટેબલ કરી, સલાડ સહિતની વાનગીઓ સાથેનું પૌષ્ટિક શાકાહારી ભોજન તૈયાર કરશે. ધ ફેલિક્સ પ્રોજેક્ટ નહિ વેચી શકાતા તાજા, પૌષ્ટિક ફૂડને એકત્ર કરી વિવિધ ચેરિટીઝ અને શાળાઓને પહોંચાડે છે. કમ્પેશન લંડનને પણ તેના દ્વારા માલસામાન અને ફૂડનું દાન કરાનાર છે. ભૂખ અને ખોરાકના બગાડ સામે લડત ચલાવી રહેલી બોરેહામવૂડની ચેરિટી ગ્રેટિટ્યૂડ દ્વારા ભોજનનું વિતરણ કરાશે. આ ચેરિટી છેલ્લા કેટલાક મહિનાથી ઘેરઘેર ફરીને બાળકોને પૌષ્ટિક આહાર તેમજ પરિવારોને ગ્રોસરીઝ મળે તે માટે કાર્યરત છે. સ્થાનિક હર્ટ્સમીઅર કાઉન્સિલર મીનલ સચદેવના પ્રયાસો થકી બરો કાઉન્સિલ પણ સ્થાનિક શાળાઓ અને પેરન્ટ્સ નેટવર્ક્સની મદદથી પરિવારો અને તેમના બાળકોની જરુરિયાતોની ઓળખમાં જોડાયેલી છે. આ ઉપરાંત, તે ગ્રેટિટ્યૂડ ચેરિટીના કાર્યોમાં પણ સહયોગી છે.
સખાવતી કાર્યોમાં સૌથી મહત્ત્વનું પરિબળ નાણાભંડોળનું રહે છે. આ વિસ્તારમાં રહેતા રમેશભાઈ અને પ્રતિભાબહેન સચદેવ દ્વારા ૨૦૦૬માં સ્થાપિત GMSP ફાઉન્ડેશન પારિવારિક સંસ્થા છે જે, યુકે અને ભારતમાં લોકોનું જીવન સુધારવા કાર્યરત મજબૂત અગ્રણી સંસ્થાઓને મદદ કરે છે. GMSP ફાઉન્ડેશન યુકે અને ભારતમાં બાળકોની ભૂખના નિવારણના કાર્યોમાં નોંધપાત્ર ભંડોળ ફાળવતું રહ્યું છે. ફાઉન્ડેશનના સ્થાપકો રમેશ અને પ્રતિભાબહેન સચદેવ નું કહેવું છે કે,‘આ મહામારી દરમિયાન એકબીજાની વહારે આવતી કોમ્યુનિટીઓની હૃદયસ્પર્શી કથાઓ આપણે સાંભળી રહ્યા છીએ. અમે બોરેહામવૂડ પણ આ જ કરી રહ્યા છીએ. આ ઉનાળામાં આપણી સ્થાનિક કોમ્યુનિટીના બાળકોને ભૂખ્યાં રહેવું ના પડે તેવા કાર્યમાં સંકળાયેલી ટીમનો હિસ્સો બની રહેવામાં GMSP ગૌરવ અનુભવે છે.’