લંડનઃ ભારતીય વિદ્યા ભવન, લંડન દ્વારા રવિવાર, 16 ફેબ્રુઆરી 2025ના રોજ થોડાં સપ્તાહ અગાઉ ચિરવિદાય લઈ ગયેલા ઉસ્તાદ તબલાવાદક ઝાકિર હુસૈનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઝાકિરભાઈ અને તેમના દાયકાઓના બેમિસાલ કાર્યને જાણતા ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સ અને ઘણા વ્યક્તિઓએ તેમને યાદ કર્યા હતા.
આપણા સંગીતવિશ્વને તેમણે આપેલા મહાન યોગદાન વિશે વિભાકર બક્ષી, યાવર અબ્બાસ, વિરમ જસાણી, ઝાકિરભાઈના સાઢુ અયુબ ઓલિયા, તેમના મોટાંબહેન ખુરશીદ ઓલિયા, નંદકુમારા અને જય વિશ્વદેવા સહિતના લોકોએ તેમની સાથેના પોતાના સંસ્મરણો રજૂ કર્યા હતા. તેઓએ ઝાકિર હૂસૈન પોતાના અદ્ભૂત પરફોર્મન્સ થકી કેવી રીતે ઓડિયન્સને મંત્રમુગ્ધ બનાવતા તેમજ ક્લાસિકલ મ્યુઝિક શીખવા યુવા વર્ગને કેવી રીતે પ્રેરણા અને પ્રોત્સાહન પુરું પાડતા તેનું વર્ણન પણ કર્યું હતું.
ધ ભવન દ્વારા આ ઈવેન્ટનું આયોજન તેના માઉન્ટબેટન હોલમાં કરાયું હતું જ્યાં 200 જેટલા કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદૂષી ચંદ્રિમા મિશ્રાના વિદ્યાર્થીઓ દ્વારા ભજન અને પંડિત રાજકુમાર મિશ્રા અને તેમના વિદ્યાર્થીઓ દ્વારા તબલાવાદન થકી શ્રદ્ધાંજલિ અર્પણ કરાવા સાથે ઈવેન્ટનું સમાપન થયું હતું.