લંડનઃ એઈલ્સબરી હિન્દુ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા 27 એપ્રિલ 2024ના શનિવારે વ્યાપક કોમ્યુનિટી સાથે એઈલ્સબરીમાં રંગોના વસંતોત્સવ હોળીની રંગીન ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુઓ વસંતઋતુના આરંભની યાદ તરીકે એકબીજા પર સુકા રંગો નાખી આનંદપૂર્વક તેની ઉજવણી કરે છે. હોળી પ્રેમ અને ખુશીનો તહેવાર છે.
રંગોના વસંતોત્સવ હોળીની ઉજવણીમાં ભાગ લેનારા લોકોમાં બકિંગહામશાયરના ડેપ્યુટી લોર્ડ-લેફ્ટનન્ટ, હાઈ શેરિફ ઓફ બકિંગહામશાયર, એઈલ્સબરી ટાઉનના મેયર, એઈલ્સબરીના પાર્લામેન્ટના સભ્ય, થેમ્સ વેલી પોલીસ સુપરિન્ટેન્ડન્ટ, એઈલ્સબરી ટાઉન કાઉન્સિલ, બકિંગહામશાયર કાઉન્સિલ અને પેરિશ કાઉન્સિલ્સના કેટલાક કાઉન્સિલરો સહિત અનેક મહાનુભાવોનો સમાવેશ થયો હતો.
સમગ્ર કોમ્યુનિટી હોલી રંગોત્સવની ઉજવણી કરવા એકત્ર થઈ હતી ત્યારે સહુ કોઈ હિન્દુ માન્યતાઓ, રીતરિવાજો અને પરંપરાઓ વિશે જ્ઞાનમાં સહભાગી બનાવવાની સાથોસાથ પારસ્પરિક સમજણ અને આદરના બ્રિટિશ મૂલ્યોને આગળ વધારવા ઉત્સુક હતા. વ્યાપક સ્થાનિક કોમ્યુનિટી માટે આ ઉત્સવ ભરતીય સંસ્કૃતિની સમૃદ્ધિ અને સુંદરતાને સ્વાનુભવ થકી જાણવાનો સંપૂર્ણપણે નિઃશુલ્ક તક બની રહ્યો હતો. સમગ્ર પરિવાર માટે આ દિવસ અભૂતપૂર્વ આનંદ અને મનોરંજનનો બની રહ્યો હતો. સુકા રંગીન પાવડર (ગુલાલ)થી રંગે રમવાથી માંડી સ્વાદિષ્ટ ભારતીય સ્ટ્રીટ ફૂડ, સંગીત અને નૃત્યના પરફોર્મન્સીસને માણવા, બાળકોની હસ્તકૌશલ્ય પ્રવૃત્તિ, યોગ, ધ્યાન, મહેંદીના રંગ, રંગોળી અને ઘણી બધી પ્રવૃત્તિ સાથે દરેક માટે માણવાલાયક બધું જ હતું. આ ઉત્સવે જીવનને મુક્ત મન અને ઉત્સાહથી જીવવાનો સમય પૂરો પાડ્યો હતો. મિત્રો અને પરિવારજનો એકબીજા પર અને હવામાં રંગો ઉછાળવા સાથે મસ્તકથી પગ સુધી રંગમય બની રહ્યા હતા. આ ઉપરાંત, રંગોની વચ્ચે નાચગાન કરતી એક મંડળીએ પરંપરાગત વાદ્ય ઢોલ વગાડીને રંગત જમાવી દીધી હતી. આપણો દેશ વૈવિધ્યતા અને દિલ ભરીને મનોરંજનની સાથે કેવી રીતે સમૃદ્ધ બન્યો છે તેનું દર્શન આ સાચા ઉત્સવે કરાવ્યું હતું.