એઈલ્સબરીઃ એઈલ્સબરી હિન્દુ ટેમ્પલ ટ્રસ્ટ (AHTT) દ્વારા રવિવાર18 ઓગસ્ટના દિવસે બ્રોટોન જુનિયર સ્કૂલ ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાયો હતો. અત્યંત સફળ રહેલી જન્માષ્ટમી ઊજવણીમાં એઈલ્સબરી કોમ્યુનિટીના 200થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઊજવણીમાં સમર્પણ, આનંદ અને સાંસ્કૃતિક ઉત્સાહ છવાઈ રહ્યો હતો.
ઈવેન્ટની હાઈલાઈટ એ હતી કે બે વર્ષના બાળકોથી માંડી 80 વર્ષ સુધીના વયોવૃદ્ધોએ ઉત્સાહપૂર્વક ઊજવણીમાં ભાગ લીધો હતો. ટોકરી સરઘસ ખરેખર આનંદપૂર્ણ રહ્યું હતું અને હાજર લગભગ તમામ લોકોએ બાળ કૃષ્ણને પોતાના માથા પર રાખવાનો લહાવો લીધો હતો. થેમસ વેલી પોલીસના પ્રતિનિધિઓ પણ આ જન્મોત્સવના આનંદમાં જોડાયા હતા જેનાથી ઉત્સવની સમાવેશી ભાવના ઉજાગર થઈ હતી.
સાંજનો સમય હૃદયપૂર્વકની પૂજા, અભિષેક અને સમૂહ આરતીની આધ્યાત્મિકતાથી છવાયેલો રહ્યો હતો. સમગ્ર હોલમાં ભક્તિ અને એકતાનો માહોલ જોવા મળ્યો હતો. વયસ્કો અને બાળકોએ પણ મટકાફોડ અને રસ્સાખેંચ જેવી પરંપરાગત રમતોમાં એકસરખા ઉત્સાહ અને જોશથી ભાગ લીધો હતો. આ દિવસે બધા જ પોતાની અંદરના તોફાની કાનુડાને બહાર લાવી રહ્યા હતા!
આ ઈવેન્ટમાં સર્જનાત્મકતા પણ જોવા મળી હતી. બાળકોએ કૃષ્ણના મુગટ અને જન્માષ્ટમી સંબંધિત કાર્ડ બનાવવાની ક્રાફ્ટ પ્રવૃત્તિમાં આનંદ માણ્યો હતો. વાતાવરણને વધુ આનંદસભર બનાવવા કૃષ્ણના જીવનને સંબંધિત સાંસ્કૃતિક નૃત્યો અને પરફોર્મન્સીસ કરાયા હતા જેને લોકોએ તાળીઓથી વધાવી લીધા હતા.