કોરોના મહામારી દરમિયાન ઘરેલુ અત્યાચારમાં ખૂબ વધારો થયો છે. સહેલી દ્વારા ૨૫મી નવેમ્બરે વ્હાઈટ રિબન ડે નિમિત્તે ડોમેસ્ટિક અબ્યૂઝ, સપોર્ટ ફોર પરપેટ્રેટર્સ એન્ડ વિક્ટિમ્સ વિષય પર ચર્ચાનો કાર્યક્રમ યોજાયો હતો. ક્રિશ્રા પૂજારાએ ચર્ચામાં ભાગ લઈ રહેલા સૌનું સ્વાગત કર્યું હતું અને એન્ફિલ્ડ સહેલી વિશે અને તેની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. સહેલી એટલે સ્ત્રીમિત્ર અને આ ચેરિટી શક્ય તેટલું મહિલાઓનું સશક્તિકરણ કરે છે તેનો ખ્યાલ અપાયો હતો.
વ્હાઈટ રિબનએ મહિલાઓ અને છોકરીઓ હિંસાના ભયથી મુક્ત બનીને જીવી શકે તેવી દુનિયા માટેની આશાનું પ્રતીક છે. રિબન પહેરવાનો અર્થ પુરુષોને તેમાં સાંકળીને, મહિલાઓ મૌન તોડે તે માટે મદદ કરવાનો અને સૌને માટે સારા વિશ્વની રચના કરવા દરેકને પ્રોત્સાહિત કરીને હિંસાની સ્વીકૃતિને પડકારવાનો છે.
એનેફિલ્ડ સહેલી ખાતે ડોમેસ્ટિક અબ્યૂઝ એડવોકસી વર્કર તરીકે કાર્યરત લીન હોપ થોમસે સેવાઓમાં કેવી રીતે ડોમેસ્ટિક અબ્યૂઝ વિશે જાગ્રતિનો સમાવેશ થાય છે તેના વિશે અને વ્હાઈટ રિબન ડે ઘરેલુ હિંસા વિશે ચર્ચા દ્વારા મનાવવામાં આવે છે તેની સમજ આપી હતી.
માઈન્ડ ઈન એન્ફિલ્ડના એલેક્સ ટેમ્બોરિડ્સે જણાવ્યું કે ઘણી વખત માનસિક સ્વાસ્થ્યની સમસ્યાને પરિણામે પણ ઘરેલુ અત્યાચાર થાય છે. આ ઓનલાઈન કાર્યક્રમમાં એન્ફિલ્ડ અને આસપાસની બરોના ઘણાં મહેમાનોએ ભાગ લીધો હતો અને એડમન્ટનના સાંસદ કેટ ઓસામોરનું સચોટ અને પ્રેરણાદાયી ભાષણ સાંભળ્યું હતું. કાર્યક્રમમાં હાઈ કમિશન ઓફ ઈન્ડિયાના ફર્સ્ટ સેક્રેટરી રોહિત વઢવાણા, એન્ફિલ્ડના મેયર કાઉન્સિલર સાબરી ઓઝાયદીન, લોર્ડ રેમી રેન્જર, રિચમન્ડ ફેલોશિપના ગેરી હોબ્સ અને લંડનમાં કન્સલ્ટન્ટ સાયકીઆટ્રીસ્ટ તરીકે કાર્યરત ડો. અજય કુમારે પોતાના વિચારો રજૂ કર્યા હતા. Q&A સેશન પછી ક્રિશ્રા પૂજારાએ ઉપલબ્ધ સપોર્ટ સર્વિસ વિશે દરેકને માહિતી આપી હતી.