લંડનઃ એલ્સ્ટ્રી એન્ડ બોરહામવૂડ ટાઉન કાઉન્સિલ દ્વારા સૌપ્રથમ વખત એલમ હોલ એન્ડ મેનોર હાઉસ ખાતે દિવાળી ઈવેન્ટનું આયોજન કરતા કોમ્યુનિટીનું વાતાવરણ ઐતિહાસિક ઊજવણીના આનંદ, ઉત્સાહ અને સંગીત સાથે જીવંત બની ગયું હતું. કાઉન્સિલર તુષાર કુમાર અને હર્ટ્સમીઅરના ડેપ્યુટી મેયર પરવીન રાણી અને તેમની નિષ્ઠાવાન ટીમે દ્વારા આયોજિત ઈવેન્ટમાં 20થી વધુ સંસ્થાઓએ ભાગ લીધો હતો.
ઈવેન્ટમાં એલ્સ્ટ્રી એન્ડ બોરહામવૂડના મેયર, ડેપ્યુટી લોર્ડ લેફ્ટનન્ટ, હર્ટફોર્ડશાયરના હાઈ શેરીફ, હર્ટ્સમીઅરના મેયર, હર્ટ્સમીઅર બરો કાઉન્સિલના લીડર, કોમ્યુનિટી અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા અને તેમણે પરંપરાગત દીપ પ્રાગટ્યવિધિમાં ભાગ લીધો હતો. આ ઊજવણીમાં આ વિસ્તારની સમૃદ્ધ વૈવિધ્યતા પ્રદર્શિત થઈ હતી જેમાં બ્રહ્મા કુમારીઝ, સંત નિરંકારી મિશન, હિન્દુ સ્વયંસેવક સંઘ (HSS) સહિતની ખ્યાતનામ સંસ્થાઓ દ્વારા પરંપરાગત નૃત્યો, સંગીત અને નાટ્ય પરફોર્ન્સીસ કરાયા હતા જેના થકી દિવાળીનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક હાર્દ ઉજાગર થયું હતું.
કાઉન્સિલર તુષાર કુમારે કોમ્યુનિટીના પ્રતિભાવથી ગૌરવ અનુભવતા કહ્યું હતું કે,‘આ ઈવેન્ટ ઊજવણીથી પણ વિશેષ છે. આપણી કોમ્યુનિટીને સાથે મળવાની, આપણી સંસ્કૃતિઓમાં સહભાગી બનવા તેમજ એલ્સ્ટ્રી એન્ડ બોરહામવૂડને અનોખી બનાવતી વૈવિધ્યતાને બિરદાવવાની તક પણ છે. આ કલ્પનાને જીવંત બનાવવામાં મદદરૂપ થવાનું સન્માન પ્રાપ્ત થયું છે.’
હર્ટ્સમીઅરના ડેપ્યુટી મેયર, કાઉન્સિલર પરવીન રાણીએ ભવિષ્ય વિશે આશામાં સહુને સહભાગી બનાવતાં કહ્યું હતું કે, ‘આ વર્ષના દિવાળી ઈવેન્ટને સફળતા મળવા સાથે દર વર્ષે આ સમારંભને વિસ્તારવા અમે ઉત્સુક રહીશું અને આ સુંદર ઉત્સવમાં આપણી વધુ કોમ્યુનિટીઓને સાથે લાવીશું.’
દિવાળી ઈવેન્ટમાં ભારતીય મીઠાઈઓ, સાડીઓ, મહેંદી રંગકળા, ફેસ પેઈન્ટિંગ અને હસ્તકળા ઓફર કરતા સંખ્યાબંધ સ્ટોલ્સથી વાતાવરણ ઉત્સાહપૂર્ણ બન્યું હતું. દરેક પરફોર્મર અને વોલન્ટીઅરની કદર કરવા સર્ટિફિકેટ સમારંભ પણ યોજાયો હતો જેમને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.