લંડનઃ એશિયન કોમ્યુનિટી ઓફ નોર્થ લંડનની ઉદારતા અને સમર્પણની ભાવનાના પરિણામે એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી અને પ્રણાશા દ્વારા સેન્ટ લ્યૂક્સ હોસ્પીસ માટે 70,000 પાઉન્ડ જેટલી રકમ એકત્ર કરી શકાઈ હતી. હેરો અને બ્રેન્ટના લોકોની વૃદ્ધાવસ્થાની સંભાળને સપોર્ટમાં કોમ્યુનિટીના સભ્યોની વિશાળ હાજરી સાથે શનિવાર 22 માર્ચે સાઉથ હેરોના ધામેચા લોહાણા સેન્ટર ખાતે એક ધાર્મિક અને એક સાંસ્કૃતિક એમ બે ઈવેન્ટ યોજાયા હતા.
સ્નેહા મકનજી અને ગ્રૂપ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ સાથે દિવસનો કાર્યક્રમ શરૂ થયો હતો તે પછી આરતી અને મહાપ્રસાદ થયો હતો. બપોર પછી હળવો નાસ્તો પીરસાયો હતો. સાંજના સમયે બોલીવૂડ થકી સ્મરણયાત્રાના કાર્યક્રમમાં મુંબઈના જાણીતાં ગાયિકા ડો. સુપ્રિયા જોશી દ્વારા જીવંત સંગીત પરફોર્મન્સ અપાયું હતું. તેમને યુકે અને ભારતના પ્રતિભાશાળી સંગીતકારોએ સાથ આપ્યો હતો. મોડી સાંજ સુધી ચાલેલા કોન્સર્ટ અગાઉ મહેમાનોએ બૂફે ડિનરનો આસ્વાદ માણ્યો હતો.
ઈવેન્ટની તમામ આવક સીધી જ સ્થાનિક લોકો માટે સ્પેશિયાલિસ્ટ વૃદ્ધાવસ્થા અને જીવનના અંતની સંભાળ પૂરી પાડનારા સેન્ટ લ્યૂક્સ હોસ્પીસને મળશે. સેન્ટ લ્યૂક્સ હોસ્પીસના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરપર્સન મેગ લસ્ટમાને જણાવ્યું હતું કે,‘આવો પ્રેરણાદાયી અને સફળ ઈવેન્ટ યોજવા બદલ અમે એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી અને પ્રણાશાના આભારી છીએ. એક દિવસમાં 70,000 પાઉન્ડ જેટલી રકમ એકત્ર કરવી તે નોંધપાત્ર સિદ્ધિ છે અને તે કોમ્યુનિટી ભાવનાની શક્તિ અને ઉદારતાનું પ્રતિબિંબ પાડે છે.’આ ઈવેન્ટ્સની સફળતામાં યોગદાન આપનારા સહુ કોઈનો હોસ્પીસ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો.
એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ આવશ્યક સાધનો અને મુખ્ય સર્વિસીસ માટે ઘણા વર્ષોથી ભંડોળ પુરું પાડીને સેન્ટ લ્યૂક્સ હોસ્પીસને સપોર્ટ કરી રહેલ છે. તાજેતરમાં જ ફાઉન્ડેશને સીરિન્જ ડ્રાઈવર્સ બદલવા ફંડ આપ્યું હતું. એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પના કેતનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે,‘એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી અને પ્રણાશા વતી હું કોમ્યુનિટીની સેવામાં સહાયરૂપ બનવા દેવા માટે સેન્ટ લ્યૂક્સ હોસ્પીસના આભારી છીએ. ઈવેન્ટ્સમાં ઉપસ્થિત 400થી વધુ લોકોએ હોસ્પીસ માટે મહત્ત્વનું ભંડોળ એકત્ર કરી આપ્યું એટલું જ નહિ, હોસ્પીસ સ્થાનિક કોમ્યુનિટીને જે સેવા પૂરી પાડે છે તેના વિશે જાગૃતિ પણ ઉભી થઈ છે.’
એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પની 1983માં સ્થાપના કરાયા પછી તેના દ્વારા અંધ, વૃદ્ધો, બીમાર અને કચડાયેલા વર્ગના લોકોને સપોર્ટ સહિત વિવિધ સારા કાર્યો માટે ભંડોળ એકત્ર કરાયા છે. તેનું મુખ્ય ફોકસ ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ઉત્તેજન અને વિશ્વમાં ગુજરાતીઓ વચ્ચે સંપર્કના નિર્માણની સાથોસાથ ભારતમાં એજ્યુકેશન પ્રોજેક્ટ્સ પર પણ રહેલું છે.