લંડનઃ એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ તેમજ લાયન્સ ક્લબ કિંગ્સબરી, લાયન ક્લબ લંડન સેન્ટ્રલ હોસ્ટ અને પ્રાણશા સંસ્થાઓએ સંયુક્તપણે 27 જુલાઈ 2024ના રોજ સાઉથ હેરોમાં ધામેચા લોહાણા સેન્ટર ખાતે પશ્ચિમ કેન્યાની કિસુમુ લાયન્સ આઈ હોસ્પિટલ માટે ભંડોળ એકત્ર કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો.
કેન્યામાં પાંચ એકરની જગ્યામાં આંખની હોસ્પિટલનું બાંધકામ ભારે ઝડપથી થઈ રહ્યું છે. હોસ્પિટલ તૈયાર થવા સાથે સ્થાનિક વસ્તીની સેવામાં લાગી જશે જેમણે હાલ આંખની નાની તકલીફની સારવાર માટે પણ 350 કિલોમીટરના અંતરે નાઈરોબી જવું પડે છે. લગભગ જૂન 2025માં તૈયાર થનારી આઈ હોસ્પિટલમાં 80 ઈનપેશન્ટની સારવાર સાથે દૈનિક 400 આઉટપેશન્ટ્સની સારવાર કરાશે. હોસ્પિટલનો ઉપયોગ ટીચિંગ અને રેફરલ આઈ હોસ્પિટલ તરીકે પણ થશે.
સવારે 9 વાગ્યાથી પૂજાનો આરંભ કરાયો હતો તેમજ 10.30થી સાંજે 4.30 કલાક સુધી સ્નેહા મકનજી અને ગ્રૂપ દ્વારા મધુર સ્વરે 51 હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં આશરે 350 શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. કેન્યામાં આ સ્થાનિક પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઘણા મહાનુભાવોએ પણ ખાસ હાજરી આપી હતી. સાંજે 5.00 વાગ્યે મહાપ્રસાદ પછી 7.00 વાગ્યે ભારતથી આવેલાં ગોરી કવિ અને શશી રાણા સાથે મ્યુઝિકલ કોન્સર્ટનો કાર્યક્રમ યોજાયો હતો જે મોડે સુધી ચાલ્યો હતો.
આ ઈવેન્ટ માટે ખાસ કેન્યાથી આવેલા પ્રોજેક્ટ ચેરમેન રમેશ મેહતાએ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું અને આ હોસ્પિટલની આવશ્યકતા તેમજ સ્થાનિક લોકોને તેનાથી થનારા લાભ વિશે સમજાવ્યું હતું. આ દિવસ માટે બે મહિનાથી અથાક મહેનત સાથે પડદા પાછળ કામ કરનારા લોકો સહિત તમામ માટે આ કાર્યક્રમ ભારે સફળ અને સંતોષકારક બની રહ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રાપ્ત ભંડોળ અને અપાયેલી બાંયધરીઓના પરિણામે 100,000 પાઉન્ડથી વધુ રકમનું ભંડોળ મળી રહેશે.