એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ દ્વારા સમૂહલગ્ન માટે ભંડોળ એકત્ર કરાયું

Thursday 02nd January 2025 02:14 EST
 
 

લંડનઃ એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ (AFH) ચેરિટી લગભગ 40 વર્ષથી વિવિધ પ્રકારના સારાં કાર્યો માટે ભંડોળ એકત્ર કરવાનું કાર્ય અવિરતપણે કરે છે. આ ચેરિટી લાયન્સ ક્લબ ઓફ કિન્સબરી સાથે 2007થી વલસાડ નજીક ધરમપુરમાં વાર્ષિક સમૂહલગ્ન પ્રોજેક્ટ સાથે સંકળાયેલી છે.

ક્રિસમસ ઈવ મ્યૂઝિકલ ઈવનિંગના આયોજન થકી નાણાભંડોળ એકત્ર કરવામાં આવે છે. આ વર્ષનો ઈવેન્ટ હેરોમાં બ્લૂ રૂમ ખાતે યોજાયો હતો જેમાં 200થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને 111 દંપતીના લગ્ન કરી શકાય તે માટે 35,000 પાઉન્ડથી વધુનું ભંડોળ એકત્ર કરાયું હતું. આદિવાસી વિસ્તારોના આ દંપતીઓના લગ્ન સંપૂર્ણ હિન્દુ સંસ્કાર સાથે કરવામાં આવે છે તેમજ તેમને વસ્ત્રો, ફર્નિચર અને રસોઈના વાસણો સહિત પાયાની ઘરવખરીનો સામાન આપવામાં આવે છે જેથી તેઓ પોતાનું વિવાહિત જીવન સાથે મળીને સારી રીતે આરંભી શકે. AFHના ટ્રસ્ટી વિનુભાઈ કોટેચાએ સહુને સમૂહલગ્નના વિચાર અને મહત્ત્વ વિશે સમજાવ્યું હતું. સપ્ટેમ્બર 2024માં આયોજિત ફંડરેઈઝર ઈવેન્ટમાંથી 13,500 પાઉન્ડનો ચેક કેન્સર રિસર્ચ યુકેને આપવામાં આવ્યો હતો.

AFH વતી કેતન મહેતાએ ઉદાર મદદ માટે સહુ દાતાઓનો આભાર માન્યો હતો. આ વર્ષે ચેરિટીએ કેન્સરના દર્દીઓની સારવાર, કિસુમુ આઈ હોસ્પિટલ, ઓમ ક્રીમેટોરિયમ, અક્ષય પાત્ર (યુકેમાં બાળકોને મધ્યાહ્ન ભોજન પુરું પાડતી સંસ્થા), ગૌરક્ષા તેમજ નોર્થવિક પાર્ક હોસ્પિટલના એન્ડોક્રિનોલોજી ડિપાર્ટમેન્ટ માટે ECG મશીન સહિત વિવિધ ઉમદા કાર્યો માટે આશરે 400,000 પાઉન્ડની રકમ સફળતાપૂર્વક એકત્ર કરી હતી. આ વર્ષે અમદાવાદમાં SGVP ખાતે દરરોજ 500થી વધુ ગરીબો અને જરૂરિયાતમંદોને નિઃશુલ્ક ભોજન પુરું પાડવાના ‘પ્રોજેક્ટ સદાવ્રત’ને બે વર્ષ પૂર્ણ થયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter