ઐતિહાસિક ઈવેન્ટમાં યોગદાન આપવાનું મને ગૌરવ પ્રાપ્ત થયું

મારે પણ કંઇક કહેવું છે...

ખુશબુ મિયાણી Wednesday 20th November 2024 02:00 EST
 
 

 હું ખુશબુ મિયાણી ફાઈનાન્સિયલ ઈન્ડસ્ટ્રીમાં પ્રોફેશનલ હોવાં સાથે હિન્દુ કોમ્યુનિટીમાં સક્રિય વોલન્ટીઅર પણ છું. ધ ફૂટબોલ એસોસિયેશન (FA) અને નિસડન ટેમ્પલના સહયોગમાં પ્રતિષ્ઠિત સ્થળ વેમ્બલી સ્ટેડિયમ ખાતે સૌપ્રથમ દિવાળી ઊજવણીના આયોજનમાં મદદરૂપ બનવાનું મારાં માટે ખરેખર વિશિષ્ટ પળ બની રહી હતી. નિસડન ટેમ્પલ ટીમના હિસ્સા તરીકે આ ઐતિહાસિક ઈવેન્ટમાં યોગદાન આપવાનું મને ગૌરવ પ્રાપ્ત થયું છે.

દિવાળી માત્ર આતશબાજી, ફૂડ અને અને ઊજવણીઓનો જ ઉત્સવ નથી, તે વ્યક્તિગત, સામાજિક અને આધ્યાત્મિક પુનર્ચેતનાની ક્ષણો પણ છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી સમજાવે છે કે,‘આપણે આપણી અંદરના પ્રકાશને પ્રજ્વલિત કરવાની જરૂર છે... અંતિમ લક્ષ્ય તો વ્યક્તિના અંતરમનને સ્વચ્છ કરવાનું, ઈશ્વર સાથે તાદાત્મ્ય સાધવાનું તથા પ્રેમ, શાંતિ અને સંવાદિતામાં જીવવાનું છે.’ દિવાળીની આ સુક્ષ્મ સમજનો પડઘો સમગ્ર ઈવેન્ટ દરમિયાન મારી અંદર પડતો રહ્યો હતો. ધ FA અને નિસડન ટેમ્પલના હેતુઓ – સ્પોર્ટ અને આધ્યાત્મિકતા ભિન્ન હોવાં છતાં, એકતા, સમાવેશિતા અને સમુદાયના સમાન મૂલ્યોમાં સહભાગી છે. ધ FA સાંસ્કૃતિક અવરોધોને પાર કરીને લાખો લોકોને સ્પોર્ટ મારફત એકસાથે લાવે છે જ્યારે, નિસડન ટેમ્પલે આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ગૌરવના પ્રતીકરૂપે 10 મિલિયનથી વધુ મુલાકાતીઓને આવકાર આપ્યો છે.

વેમ્બલી સ્ટેડિયમમાં ઊભાં રહીને, દિવાળીના મૂલ્યો વિશે બોલવાં, શાંતિ માટેના સંસ્કૃત વેદિક શ્લોકોને સાંભળવા અને સૌપ્રથમ વખત નગારાના નાદ સાથે આરતીને સાંભળવામાં મને બ્રિટિશ હિન્દુ તરીકે ભારે ગર્વ અનુભવાયો હતો.

આ ઈવેન્ટ સાઉથ એશિયનોને અને ખાસ કરીને મહિલાઓને સ્પોર્ટ્સમાં ભાગ લેવાને પણ પ્રોત્સાહિત કરે છે. સલાહ, માર્ગદર્શન અને સપોર્ટ સાથે આપણે અવરોધોને પાર કરી શકીએ અને ભારે સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ.

મને આમંત્રણ આપવા બદલ હું FA અને આવાં ઐતિહાસિક પ્રસંગે યોગદાન આપવાની તક આપવા બદલ નિસડન ટેમ્પલ (BAPS)ની ખૂબ આભારી છું. વેમ્બલી સ્ટેડિયમમાં પ્રથમ દિવાળી ઊજવણીનો મારો અનુભવ શાનદાર અને અવિસ્મરણીય રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter