ડિસેમ્બર 2021માં બકિંગહામશાયરના ડેનહામ ખાતે અનુપમ મિશન યુકેને અત્યાધુનિક ઓમ ક્રિમેટોરિયમ (સ્મશાનગૃહ)નું નિર્માણ કરવા માટે સીમાચિહ્નરૂપ પ્લાનિંગ પરમિશન મળી. યુકેમાં સનાતન હિન્દુ આસ્થાના હિત અને હેતુ સાથે સંકળાયેલા સૌપ્રથમ સ્મશાનગૃહના નિર્માણનો માર્ગ મોકળો કરતા આ ઘટનાક્રમને અમે વધાવી લીધો હતો. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસમાં વ્યાપક કવરેજ આપીને અમે ભારે આનંદ વ્યક્ત કર્યો હતો.
આ નિર્ણયના છ મહિના પછી શુક્રવાર, 15 જુલાઈએ ઓમ ક્રિમેટોરિયમની ભૂમિપૂજન વિધિનું આયોજન છે અને ડેનહામમાં 30 જુલાઈ શનિવારે કોમ્યુનિટી સાથે ચર્ચા-વિચારણાનો કાર્યક્રમ પણ યોજાવાનો છે. ઓમ ક્રિમેટોરિયમ પ્રોજેક્ટ માટે પ્લાનિંગ પરમિશન મળી ત્યારે અનુપમ મિશનના આધ્યાત્મિક નેતા પરમ પૂજ્ય સાહેબજીએ કહ્યું હતું કે નવું ઓમ ક્રિમેટોરિયમ ‘યુકેની સનાતન હિન્દુ પ્રજાની સેવા કરવાની એક તક’ બની રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, ‘સમગ્ર કોમ્યુનિટી માટેની કલ્પનાને વાસ્તવિકતા બનાવવા તમામ હિન્દુ સંગઠનો સાથે મળીને કામ કરવા અમે ઉત્સુક છીએ.’ આવા ઉમદા અને નોંધપાત્ર પ્રોજેક્ટના સંદર્ભે સાચી ભાવના દર્શાવતો આ અભિગમ છે.
‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ સનાતન હિન્દુ ધર્મના તમામ સંગઠનોને આગામી ચર્ચા-વિચારણા અને સલાહ-સૂચનના કાર્યક્રમમાં ભાગ લેવા અને પોતાના મંતવ્યોની રજૂઆત કરવા અનુરોધ કરે છે. આ સાથે અમે આશા રાખીએ છીએ કે અનુપમ મિશન યુકે આ પ્રોજેક્ટની પ્રગતિ વિશે પારદર્શક વિગતોથી માહિતગાર કરશે તેમજ આ ક્રિમેટોરિયમ તમામને સાંકળી લઈ સમગ્ર સનાતન ધર્મના લાભાર્થે કેવી રીતે કામગીરી બજાવી શકે તે જાહેર કરવાની તક ઝડપી લેશે.
ઓમ ક્રિમેટોરિયમ તરીકે નામકરણ એ શુભારંભ છે જેના થકી એ સંકેત પ્રાપ્ત થાય છે કે આ સવલતો તમામ હિન્દુ, જૈન અને શીખ જેવા અન્ય સનાતન ધર્મના લોકો માટે તેઓની વિશિષ્ટ પરમ્પરાઓ અને માન્યતાઓ મુજબ સુસંગત ‘અંતિમ સંસ્કાર’ અથવા અંતિમ વિધિઓ કરાવવા માટે ખુલ્લી રહેશે.
ક્રિમેટોરિયમનું નિર્માણ નોંધપાત્ર કામગીરી છે જેની અસર આગામી ઘણા દાયકા સુધી જોવા મળશે. આથી જ, તેની સ્થાપના સ્વતંત્ર એકમ તરીકે કરાવી જોઈએ જે આત્મનિર્ભર હોય. આ સાથે જ તેની દેખરેખ કરનાર સંસ્થા ‘સમગ્ર સનાતન હિંદુ કોમ્યુનિટી’ પ્રત્યે જવાબદાર હોવી જોઇયે જેથી આ સવલત તમામ માટે રહેશે તેની ખાતરી મળી શકે. આ એકતા અને હકારાત્મક અભિગમ સનાતન હિન્દુ ધર્માવલંબિઓ માટે સૌથી મોટી ધરોહર બની રહેશે.
ગુજરાત સમાચારના 25 ડિસેમ્બર 2021ના અંકમાં ‘હિન્દુ સમુદાયના સભ્યની અંતિમ સફર બનશે ગૌરવપૂર્ણ’ના મથાળા સાથે વિસ્તૃત અહેવાલ રજૂ કરાયો હતો.
આપ www.abplgroup.com વેબસાઈટની મુલાકાત લઈ આ અંકમાં સંપૂર્ણ અહેવાલ વાંચી શકો છો.
આ રિપોર્ટમાં જણાવાયું છે કે યુકેમાં આ સૌપ્રથમ ખાસ હેતુસરનું સનાતન હિન્દુ ધર્મનું સ્મશાનગૃહ બની રહેશે. આ વિજય લેન્ડમાર્ક અપીલ માટે સંઘર્ષ કરનારા અનેક હિસ્સેદારોની સતત ધીરજ અને મક્કમ નિર્ધારના છ વર્ષની લડતનું પરિણામ છે જેના વિના આ વિજય અશક્ય રહ્યો હોત.
પ્લાનિંગ ઈન્સ્પેક્ટોરેટે ૧૬ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ પ્રસિદ્ધ નિર્ણયમાં ગ્રીન બેલ્ટ ભૂમિમાં બાંધકામને વાજબી ઠેરવતા વિશેષ સંજોગોની નોંધ લીધી હતી. ઈન્સ્પેક્ટોરેટે નોંધ્યું હતું કે નોર્થ અને વેસ્ટ લંડન તેમજ આસપાસની કાઉન્ટીઝમાં વસતી હિન્દુ કોમ્યુનિટીને ફ્યુનરલ્સ અને ક્રીમેશન્સ સંબંધિત ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ અને પરંપરાઓના સંપૂર્ણ પાલનના ઈનકારનો ગેરલાભ સહન કરવો પડે છે.
ક્રિમેટોરિયમનું બિલ્ડિંગ અને સંકળાયેલી સુવિધાઓની ડિઝાઈન હિન્દુ કોમ્યુનિટીની જરૂરિયાતોને પહોંચી વળવા સ્થાપત્ય સહિત ખાસ રીતે નિશ્ચિત કરવામાં આવી છે. દરખાસ્તોમાં બે વેઈટિંગ રુમ્સ, અગ્નિદાહ અગાઉની વિધિઓ માટે બે ખાનગી વિધિખંડ, ક્રિયાકાંડ માટે વિશાળ હોલ અને અગ્નિદાહના હોલનો સમાવેશ કરાયો હતો.
આ ઉપરાંત, સ્નાનકર્મની સુવિધા અને સામુદાયિક ભોજન માટે બેઠકો સહિત અલાયદા કેન્ટિન બિલ્ડિંગનો પણ સમાવેશ થયો છે. આના પરિણામે, ધાર્મિક વિધિ અનુસાર સ્નાન અને અગ્નિદાહ પછી સામૂહિક ભોજન પણ શક્ય બનશે. આ ઉપરાંત, વિશાળ કાર પાર્કિંગ પણ પુરું પાડવામાં આવશે.
(આ પ્રોજેક્ટ અંગેની વધુ માહિતી માટે વાંચો ગુજરાત સમાચારનો અંક 25 ડિસેમ્બર 2021. ઇ-પેપર વાંચવા
સર્ચ કરો આ લિન્કઃ https://bit.ly/3Pkeho9