અનુપમ મિશન દ્વારા બંકિંગહામશાયરના ડેનહામ ખાતે 30 જુલાઇ 2022ના શનિવારે સામુદાયિક ચર્ચાનું આયોજન કરાયું હતું જેમાં લોર્ડ ડોલર પોપટ, લોર્ડ જિતેશ ગઢિયા અને બોબ બ્લેકમેન MP સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી. તે ઉપરાંત ચર્ચામાં હાજર રહેલા શાંતા ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને દાનવીર વિજય પટેલના પરિવાર દ્વારા ઓમ સ્મશાન પ્રોજેક્ટ માટે 1.25 મિલિયન પાઉન્ડનું માતબર દાન આપવાનું વચન અપાયું હતું. ચર્ચામાં પૂજ્ય સાહેબજી, પૂજ્ય શાંતિદાદા અને હિંમત સ્વામીના નેતૃત્વમાં અનુપમ મિશનના વરિષ્ઠ સભ્યો, ભારતીય સમુદાયના ભારતીય વિદ્યા ભવનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. નંદાકુમાર, ઓક્સફર્ડ સેન્ટર ઓફ હિંદુ સ્ટડીઝના ડિરેક્ટર શૌનાક રિશિ દાસ, હિંદુ ફોરમ ઓફ બ્રિટનના પ્રમુખ તૃપ્તી પટેલ, વેસ્ટકોમ્બ ચેરિટેબલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી વજુભાઇ પાણખાણિયા, શ્રી કચ્છ લેઉઆ પટેલ સમુદાય યુકેના વડીલ શશિ વેકરિયા, બ્રહ્માકુમારી યુકેના ટ્રસ્ટી મહેશ પટેલ, લોહાણા સમુદાય યુકેના પ્રમુખ ભરત સોઢા, લેસ્ટર જલારામ મંદિરના પ્રમોદ ઠક્કર, સાઇ સ્કૂલ ઓફ હેરોના રાનુ મેહતા – રાડિયા, એકતા યુનિટી ચેરિટીના સીઇઓ સંજય જગતિયા, ઇન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજીના ચેરમેન નેમુ ચંદરિયા ઓબીઇ, વણિક કાઉન્સિલ યુકેના ચેરમેન મનહર મેહતા અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર, યુકેના ટ્રસ્ટી મયુર મેહતા જોડાયાં હતાં. આ ખુલ્લી ચર્ચામાં આર્કિટેક્ટ કેવિન સ્મિથે હિંદુ અને અન્ય ધાર્મિક સમુદાયો માટેના તેના પ્રકારના પ્રથમ સ્મશાનગૃહના પ્લાન અને પ્રસ્તાવો અંગે માહિતી આપી હતી.
ચર્ચામાં પ્રશ્ન અને જવાબના સેશનમાં સમુદાયના સભ્યોએ વિવિધ મુદ્દા ઉઠાવવાની સાથે સાથે કેટલાંક સૂચનો રજૂ કરતાં પોતાની ચિંતાઓ વ્યક્તિ કરી હતી. યોગેશભાઇ નકારજાએ નકારજા પરિવારના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ આયોજકોએ તેમને ચર્ચામાં ફક્ત ઓમ સ્મશાનગૃહના મુદ્દા પર જ ધ્યાન કેન્દ્રિત કરવાની ટકોર કરી હતી. ત્યારબાદ તેમણે અંતિમ સંસ્કાર માટે ખુલ્લી ચિતાની સંભાવના અને પરિવારના સભ્યો અસ્થિ વિસર્જન કરી શકશે કે કેમ તે અંગે સવાલ કર્યા હતા. આયોજકોએ જણાવ્યું હતું કે, બંને બાબતો શક્ય નથી પરંતુ અસ્થિ વિસર્જન માટેના વિકલ્પો શોધી કઢાશે.
પ્રવિણભાઇ અમીને સમુદાયના સભ્યોને વધુ માહિતગાર કરવા માટે સેટેલાઇટ મિટિંગોનું આયોજન કરવાની વિનંતી સાથે સ્મશાનગૃહ ખાતેની સુવિધાઓ અને નાણાકિય યોજનાઓ અંગે સવાલ કર્યાં હતાં. રાનુ મેહતા રાડિયાએ અંતિમક્રિયા માટે લોકોએ કેવી રીતે ચૂકવણી કરવાની રહેશે તે અંગે સવાલ કર્યો હતો. આયોજકોએ વધુ સામુદાયિક મિટિંગોના આયોજન સાથે સહમત થતાં જણાવ્યું હતું કે, સ્કીમ અંગે ઓપરેટર દ્વારા માહિતી અપાશે. અનુપમ મિશન દ્વારા સ્મશાનગૃહનું સંચાલન કરાશે નહીં.
હિંદુ ફોરમ ઓફ બ્રિટનના પ્રમુખ તૃપ્તી પટેલે જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ માટે વ્યક્તિગત મદદ લેવાના બદલે કોમ્યુનિટી બોન્ડ જારી કરવા જોઇએ. આ એક ભગીરથ લક્ષ્યાંક છે તેથી દરેકને સાથે રાખીને એકસાથે મળીને કામ કરવું જોઇએ. આપણે ધર્મ યાત્રાનું આયોજન પણ કરવું જોઇએ. 2007થી હિંદુ ફોરમ ઓફ બ્રિટન અવાજ ઉઠાવતી આવી છે કે હાલની સુવિધાઓ આપણી પરંપરાઓને અનુરૂપ નથી. સમગ્ર બ્રિટનમાં સ્મશાનગૃહોમાં અપુરતી સુવિધાઓ છે. ચાન્સેલરે તેમના છેલ્લા બજેટ ભાષણમાં આધુનિકીકરણની પ્રક્રિયા શરૂ કરવા અને આપણી જરૂરીયાતો તથા ઇચ્છાઓ પ્રમાણેના નિર્માણ માટે વચન આપ્યું હતું.
સુભાષ ઠકરારે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં સંપુર્ણ આર્થિક પારદર્શકતાની જરૂર છે. મંદિર અને સ્મશાનગૃહના નિર્માણને એકબીજા સાથે ભેળવવા જોઇએ નહીં. તે માટે યોગ્ય માળખાની જરૂર છે. આયોજકોએ જવાબમાં જણાવ્યું હતું કે, સ્મશાનગૃહ માટેના ભંડોળને અલગ બેંક ખાતાઓમાં રખાશે. અન્ય હેતૂઓ માટે એકપણ પાઇનો ખર્ચ નહીં કરાય. તે ઉપરાંત હિસાબ કિતાબ પણ રજૂ કરાશે.
જયકિશન વાલાએ જણાવ્યું હતું કે, આપણે મહત્તમ લોકો સુધી પહોંચવા માટે આધુનિક ટેકનોલોજી અને માધ્યમોનો ઉપયોગ કરવો જોઇએ. સ્મશાનગૃહની ડિઝાઇન અંગે પણ સવાલ ઉઠાવાયો હતો. જૈન સમુદાયના પ્રતિનિધિએ સવાલ કર્યો હતો કે હિંદુ અને જૈન વિધિઓ માટે શું કોઇ કાયમી પૂજારીની વ્યવસ્થા કરાશે? જવાબમાં આયોજકોએ જણાવ્યું હતું કે, હાલ પુરતું તો પરિવારે જાતે જ પૂજારીની વ્યવસ્થા કરવાની રહેશે પરંતુ આ મામલા પર વિચારણા કરાશે.
ધીરૂભાઇ સાંગાણીએ શ્રાવણ માસમાં બને તેટલું વધારે દાન આપવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દરેક પરિવારે 101 પાઉન્ડની ઓછામાં ઓછી એક ઇંટ દાનમાં આપવા વિચારવું જોઇએ. આ પ્રોજેક્ટને કારણે ભાવી પેઢીઓને લાભ થશે. કોઇપણ પ્રકારની ગેરરિતી અટકાવવા માટે ઓનલાઇન ડોનેશન પ્લેટફોર્મને સશક્ત બનાવવા તેમણે સલાહ આપી હતી.
ઓમ સ્મશાનગૃહની સત્તાવાર વેબસાઇટ : www.aumcrematorium.orgનું ઉદ્દઘાટન કર્યા બાદ પૂજ્ય સાહેબજીએ જણાવ્યું હતું કે, ઓમ સ્મશાનગૃહ સંયુક્ત અને પ્રતિબદ્ધ પ્રયાસોનું પરિણામ છે. આ ઉમદા હેતૂ સાથે સંકળાયેલા તમામને હું નમન કરૂં છું. અલગ અલગ સંપ્રદાયોમાં વહેંચાયેલા હોવા છતાં હિંદુ આસ્થા એક જ છે. પૂજ્ય યોગીજી મહારાજનો મુદ્રાલેખ કોઇપણ પ્રકારના ભેદભાવ વિના દરેકની સુખાકારીની તરફેણ કરે છે.
સ્મશાનગૃહનું સંચાલન નિષ્ણાત ઓપરેટર દ્વારા સ્વતંત્ર રીતે કરાવું જોઇએઃ લોર્ડ ગઢિયા
લોર્ડ જિતેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, આ મહત્વના સીમાસ્થંભ સુધી પહોંચવામાં લાંબા સમયથી ઘણા લોકો યોગદાન આપી રહ્યાં છે. આ પ્રોજેક્ટ આપણા બધાના અંતિમ સમયમાં કામ આવવાનો છે તેથી તેનો અમલ સાચી રીતે લાંબા ગાળા માટે થવો જોઇએ. ભલે તેમાં થોડો વધુ સમય લાગે તો પણ સાચુ મોડેલ તૈયાર કરવા માટે સાચા ભાગીદારો શોધી સાચા માળખા અને પ્રક્રિયાઓ સ્થાપિત કરવી જોઇએ. સ્મશાનગૃહનું સંચાલન પ્રોફેશનલ રીતે નિષ્ણાત ઓપરેટર દ્વારા સ્વતંત્ર રીતે થવું જોઇએ. આપણે સ્પષ્ટતા કરી છે કે આ સુવિધાઓ તમામ ધર્મો માટે ખુલ્લી રહેશે પરંતુ તે સનાતન ધર્મની જરૂરીયાતો અને તમામ ધાર્મિક સમુદાયોના સિદ્ધાંતો પર આધારિત હોવી જોઇએ. ઓમ સ્મશાન ગૃહ પ્રોજેક્ટ જવલ્લે જ શરૂ કરાતા પ્રોજેક્ટ પૈકીનો એક બની રહેશે જે ભારતીય અને હિંદુ સમુદાયને વધુ નજીક લાવશે, એકતાની ભાવના પ્રગટાવશે તેથી પારદર્શકતા, મુક્ત ચર્ચા અને સક્રિય સંપર્કો દ્વારા પ્રોજેક્ટના આત્માને જીવંત રાખવાની મોટી જવાબદારી છે.
દરેક સમુદાયોના મંતવ્યો સંભળાય તે સુનિશ્ચિત કરોઃ લોર્ડ ડોલર પોપટ
લોર્ડ ડોલર પોપટે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી સમગ્ર હિંદુ સમાજને લાભ થશે. આ સ્મશાનગૃહ અંતિમ સંસ્કાર કરવા હિંદુ, જૈન અને શિખ એમ તમામ માટે ખુલ્લું રહેશે. શરૂઆતમાં એક સવાલ એવો હતો કે શું એક જ સ્થળે મંદિર અને સ્મશાન બંને હોઇ શકે? પરંતુ અમને શિવ અને સ્મશાનમાં તેનો ઉત્તર મળી ગયો હતો. આપણને આનાથી સારું સ્થળ મળી શકે તેમ નથી. પરંતુ હવે અઘરા કામની શરૂઆત થાય છે. દરેક સમુદાયોના મંતવ્યો સંભળાય તે સુનિશ્ચિત કરો. હું આપ સર્વને સમર્થન આપવા અને આ સ્મશાનને મહાન વારસો બનાવવાની અપીલ કરું છું.