આધુનિક અને પરંપરાગત લાક્ષણિકતાઓ સાથે ઓલ્ડહામમાં £ ૫ મિલિયનના ખર્ચે તૈયાર થનારા નવા સ્વામીનારાયણ મંદિરનું કામકાજ શરૂ થયું છે. શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ દ્વારા મુખ્ય કોન્ટ્રાક્ટર તરીકે સેલ્ફોર્ડ ક્વેઝ સ્થિત રેકોમ સોલ્યુશન્સની નિમણુંક કરવામાં આવી છે. ૨૦૨૨માં નવું મંદિર તૈયાર થઈ જશે. આ મંદિર કોપસ્ટરહિલ રોડ પર નિર્માણ પામશે.
મંદિરના ભૂમિપૂજનની વિધિમાં કોમ્યુનિટીના સભ્યો, મંદિરના અગ્રણીઓ, ડિઝાઈન ટીમના સભ્યો અને કોન્ટ્રાક્ટર્ સહિત અંદાજે ૧૦૦ લોકો હાજર રહ્યા હતા.
અત્યારે સાઈટની સફાઈની કામગીરી ચાલી રહી છે. તે પછી ગ્રાઉન્ડ વર્ક, સ્ટ્રક્ચરલ સ્ટીલ વર્ક, ગ્લાસ – રિઈન્ફોર્સ્ડ કોંક્રીટ વર્ક હાથ ધરાશે. તે પછી ઈન્ટરનલ ફિનિશીંગનું કામકાજ થશે. નવા મંદિરની આ જમીન પર અગાઉ હાઉસિંગ એસોસિએશન ડેપો હતો. તેને તોડી પડાયો છે.
શ્રી સ્વામીનારાયણ મંદિરમાં વિશાળ અને કુદરતી હવા ઉજાસ સાથેનો આધુનિક પ્રાર્થના હોલ, રમતગમત, કાર્યક્રમો અને ભણાવવા માટે જગ્યા, લેન્ડસ્કેપ ગાર્ડન, પાર્કિંગ અને રહેવાની સુવિધા ઉપલબ્ધ થશે.
નવા મંદિર માટેનું ફંડિંગ લોકલ કોમ્યુનિટીના દાન અને દેશ અને દુનિયાના સમર્થકો તરફથી મળેલા દાન દ્વારા થઈ રહ્યું છે.
આરસમાંથી તૈયાર થયેલો અલંકૃત ગેઈટ અને પરંપરાગત હિંદુ મંદિરના શિખર ભારતમાં હસ્તકલા કારીગરો દ્વારા તૈયાર થશે. તેને આયાત કરીને નવા મંદિરમાં ગોઠવવામાં આવશે. રેકોમ સોલ્યુશન્સની ટીમનું નેતૃત્વ પ્રોજેક્ટ ડિરેક્ટર જેસન મેકનાઈટ, જોશ માર્સ અને જોર્ડન સ્ટેન્ટ સંભાળી રહ્યા છે. આ સ્કીમ સાથે LTS આર્કિટેક્ટ્સ, કર્ટિન્સ અને હર્સ્ટવુડ એન્વાયર્નમેન્ટલ કન્સલ્ટિંગ સહિત અન્ય પ્રોફેનલ્સ જોડાયેલા છે.
હાલ લી સ્ટ્રીટ ખાતે આવેલું શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ ૧૯૭૭માં ખૂલ્લું મૂકાયું હતું. છેલ્લાં ઘણાં વર્ષોથી કોમ્યુનિટીને નવા અને આધુનિક સુવિધા સાથેના મંદિરની જરૂર જણાતી હતી. નવા મંદિર માટેની પ્લાનિંગ પરમીશન જૂન ૨૦૧૯માં મળી હતી.
મંદિરના સુરેશ ગોરસિયાએ જણાવ્યું હતું,‘ લોકલ કોમ્યુનિટી અને પૈતૃક સંસ્થા તરફથી મળેલી ઉદાર મદદ બદલ અમે તેમના આભારી છીએ. હવે અમે નવા મંદિરનું સ્વપ્ન સાકાર કરી શકીશું. મંદિર આપણી કોમ્યુનિટીના હૃદયમાં વસેલું હોય છે. ઘણાં લોકો માટે મંદિર પૂજાનું સ્થળ, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર હોય છે. પરંપરાગત હિંદુ મંદિરની લાક્ષણિકતાઓ અને સમકાલીન ડિઝાઈનના મિશ્રણ સાથે આ મંદિર એક સીમાચિહ્ન બિલ્ડીંગ બની રહે તે સુનિશ્ચિત થાય તેવી અમારી પ્રાથમિકતા છે.’
નવા મંદિરની વધુ વિગત માટે જુઓ વેબસાઈટ - www.oldhammandir.faith