કડીઃ કડીસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 106મા વાર્ષિક પાટોત્સવની 11 ફેબ્રુઆરીના રોજ ધર્મોલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઘનશ્યામ મહારાજને કેસર જળ, પય, ઘૃત, દધિ, શુદ્ધોદક જળથી પંચામૃત અભિષેક કરીને અન્નકૂટ ઉત્સવ યોજાયો હતો.
આ પાવનકારી પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજે આશીર્વાદ આપતા કહ્યું હતું કે જીવનમાં કરવા જેવું કામ ભગવાનનું ભજન છે. ભગવાનનું ભજન એ તો પરલોકનું ભાથું છે. જે શાશ્વત શાંતિને આપનારું છે. આ લોકની સંપત્તિ અહીં જ રહેવાની, પરંતુ જેટલું ભગવાનનું ભજન, સ્મરણ કર્યું હશે તે જ સાથે આવવાનું છે. મંદિરે દરરોજ ભગવાનનાં દર્શન કરવા માટે હાકલ કરતા તેમણે કહ્યું હતું કે મંદિરમાં ભગવાનનાં દર્શન, ભજન, સ્મરણ, કથા વાર્તા, ધૂન કરવાથી જીવાત્મામાં બળ આવે છે. જીવમાં બળ આવવાથી ભગવાનનું અખંડ અનુસંધાન રહે છે અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત થાય છે ને જીવનમાં બેઠો આનંદની પ્રાપ્તિ થાય છે. ભગવાનમાં અનન્ય નિષ્ઠા અને દૃઢ આશરો રાખી મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ તો જ જીવનમાં શાશ્વત શાંતિ, અવિચળ સુખની પ્રાપ્તિ થાય છે.