સામાજિક સંસ્થા કરમસદ સમાજ યુકે દ્વારા NHS Caharities Togetherને £૧૦,૦૦૦નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સંસ્થાના સેક્રેટરી કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ અર્જન્ટ અપીલને પગલે સંસ્થાના મેમ્બર્સ અને મિત્રો દ્વારા આ રકમ એકત્ર કરીને ડોનેશન તરીકે અપાઈ હતી. NHS Caharities Togetherના હેડ ઓફ ફંડરેઝિંગ જસ્ટિન ડેવીએ આ ડોનેશન બદલ કરમસદ સમાજ યુકેનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સંસ્થા આ રીતે એકત્ર કરાયેલા ડોનેશનમાંથી NHS સ્ટાફ, વોલન્ટિયર્સ અને દર્દીઓને તેમની હોસ્પિટલમાં મદદ પહોંચાડે છે. તેમણે ઉમેર્યું હતું કે આ અપીલથી કુલ £૧૩૦ મિલિયન એકત્ર કરાયા છે.
સામાજિક સંસ્થા તરીકે કરમસદ સમાજ યુકેની સૌ પ્રથમ ડિસેમ્બર,૧૯૭૧માં સ્થાપના થઈ હતી. ત્યારથી સંસ્થાએ ઘણી પ્રગતિ સાધી છે. સંસ્થાએ તેની અનેક પ્રવૃત્તિઓ દ્વારા કેન્સર રિસર્ચ, મેનકેપ, ગોશ, સાઈટ સેવર્સ, બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન જેવી યુકેની તેમજ વિદેશની વિવિધ ચેરિટીઝને ડોનેશન કર્યું છે.