અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રહ્માકુમારી સંસ્થાના આબુરોડ આંતરાષ્ટ્રીય મુખ્યાલય ખાતે આઝાદીના અમૃત મહોત્સવથી સ્વર્ણિમ ભારત તરફના અભિયાનની વર્ચ્યુઅલ શરૂઆત કરાવી હતી. આ સાથે સાત વિવિધ અભિયાનોને પણ ફ્લેગ ઓફ કરાયા હતા. આ અવસરે વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે કરોડો દેશવાસીઓ તેમના બલિદાન અને કર્તવ્ય વડે આજે સ્વર્ણિમ ભારતનો પાયો નાખી રહ્યા છે. આપણી પ્રગતિ રાષ્ટ્રની પ્રગતિને લીધે છે. આ લાગણી એક બળ બની રહી છે. ‘સબકા સાથ, સબકા વિકાસ અને સબકા પ્રયાસ’ દેશનો મૂળ મંત્ર બની રહ્યો છે. તેમણે ઉમેર્યું, ‘અમે ભેદભાવને કોઇ સ્થાન ન હોય એવી વ્યવસ્થા બનાવી રહ્યા છીએ. બ્રહ્માકુમારી સંસ્થાનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં છે. મને આશા છે કે આવનારા સમયમાં આ અભિયાનમાં નવી ઊર્જા સંચાર થશે.’
વડા પ્રધાન મોદીએ ઉમેર્યું કે આ અભિયાનમાં સ્વર્ણિમ ભારતની લાગણી છે અને એક સાધના પણ છે. જો તમારી વ્યક્તિગત ઉપલબ્ધિઓ માટે ‘ઇદમ ન મમ’ ભાવ જાગવા લાગે, તો સમજો કે આપણા સંકલ્પો દ્વારા એક નવા કાળખંડનો જન્મ થવાનો છે. એક નવી સુપ્રભાત થવાની છે. વડા પ્રધાને બ્રહ્માકુમારી બહેનોને અપીલ કરી કે વિશ્વ ભારતને યોગ્ય રીતે ઓળખે તે આપણી જવાબદારી છે. આંતરાષ્ટ્રીય સ્તરે ઓળખ ધરાવતી આવી સંસ્થાઓએ ભારતનો સાચો અર્થ અન્ય દેશોના લોકો સુધી પહોંચાડવો જોઇએ. ભારત વિશે જે અફવાઓ ફેલાવવામાં આવી રહી છે તેની સત્યતા અન્ય લોકો સુધી પહોંચાડીને તેમને જાગૃત કરવા તે આપણા સૌથી ફરજ છે.
વિશ્વભરમાં ફેલાયેલી બ્રહ્માકુમારી સંસ્થાની દરેક શાખાઓમાં ૫૦૦ જેટલા લોકોને ભારતની મુલાકાતે લાવે. જે લોકો અહીં આવશે. તેઓ ભારતીય સંસ્કૃતિને સમજશે અને તેને વિશ્વભરમાં સાથે લઇ જશે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે બ્રહ્માકુમારી સંસ્થા સારું કામ કરી રહી છે. લોકોને આઝાદીના અમૃત મહોત્સવનો લાભ મળશે. આ અભિયાન સમાજમાં સારો સંદેશ આપશે. તેથી હું બ્રહ્માકુમારી બહેનોને અભિનંદન આપું છું. કાર્યક્રમમાં બ્રહ્માકુમારી સંસ્થાના સંયુક્ત મુખ્ય પ્રસાશિકા રાજયોગીની બી.કે. મોહિનીદીદીએ જણાવ્યું હતું કે, આપણે સૌએ જીવન મૂલ્યોના વિકાસ માટે સાથે મળીને કામ કરવું જોઇએ. આ સમારોહમાં રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા, સંસ્થાના મુખ્ય પ્રસાશિકા રાજયોગિની દાદી રતનમોહિની અને ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વડા પ્રધાને બ્રહ્માકુમારી સંસ્થાને નાગરિકોમાં ફરજની ભાવના કેળવવા, ભારતનું સત્ય અન્ય દેશોના લોકો સુધી પહોંચાડવા અને આત્મનિર્ભર ભારતને ગતિ આપવાની ત્રણ જવાબદારી માટે પ્રેરણા આપી હતી.